પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
પુરાતન જ્યોત
 

બ્રહ્માંડને બાળી નાખે તેવો તપશે. પૃથ્વીનાં પડ ધૂજશે. બ્રહ્માંડ હલબલી ઊઠશે. માટે જેસલ પીર પુકાર કરે છે કે હું મારા જતિ ભાઈઓ ! હે સતી ! તમારો ધર્મ સંભાળો. પોતાનાં પુન્ય વગર પાર નથી.

આપોઆપ સરજાયેલા એ ખાવંદ ધણીનું સ્વરૂપ કેવું હતું તે કાળે? નહોતાં હાડકાં, નહોતી ચામડી, રુધિર ને માંસ પણ નહોતાં. પંચમહાભૂતનું કોઈ કલેવર નહોતું પહેર્યું ઈશ્વરે. અધ્ધર રહ્યું હતું એનું રૂપ, એને તો શ્વાસોચ્છવાસ પણ નહોતા.]

સૃજનનું મહિમા ગીત જેસલજીના ગરવા સૂરે ગવાતું ગયું તેમ તેમ મૂર્છિત તોળલની રોમરાઈ સળવળવા લાગી. કલેવરમાં પ્રાણ પુરાતા થયા અને આંખો ઉઘાડી, આળસ મરડી, બેઠી થયેલી તોળલદેએ પોતાનાં વસ્ત્ર સંકોડડ્યાં ત્યારે ભજનિકે આ સાચા જીવનદાતા નર સાંસતિયાના ધન્યવાદ ગાયા. ઓ હરિના નિજપંથી નર સાંસતિયા ! તમારે પ્રતાપે મૂએલી તોળલ સજીવન થઈ.

ઝીણા ઝીણા તંબૂર-સ્વરો સાથે તાલ લેતા સાંસતિયાના હાથના મંજીરાના સ્વર, માનવીના સૂર શાંત પડ્યા પછી પણ જાણે કે જીવનનું સ્તોત્ર રટતા હતા.


૬. મુનિવર મળ્યા મુનિવરા

કચ્છથી જેસલ ઉમાવો જી રે
મેવાડ માલો આરાધે;
મુનિવર મળ્યા મુનિવરા,
ભોમિયા દોતું આગે;
એડો રે ઉમાવો જાડેજા કરી મળો,
મારા ભાઈલા ! ભાવે મળે હો જી !