પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
 

એવી કાંઈક એંધાણી રોપી જાવ જેસલજી ને માલદેવજી !” તોળલે કહ્યું.

“તમે જ કહો.”

"જળ અને ઝાડવાં.”

પછી ચારે જણાંએ રણની ધરા તપાસી. ઠેકાણે ઠેકાણે પૃથ્વી પર સૂઈને કાન માંડ્યા. જેસલે અને માલદેવજીએ એ ઝેરીલી ભૂમિના પેટાળમાં એક ઠેકાણે મીઠા જળની સરવાણીના સાદ પારખ્યા. આજુબાજુ બારીક પાંદડીઓવાળા લીલા કાંટા નિહાળ્યા અને રેત ખોદી. રેતમાં ભીનાશ દીઠી. પુરુષો બેઉ ખોદતા ગયા, સ્ત્રીઓ બેઉ ગાળ કાઢતી ગઈ. અને પછી ભેળો એકતારો હતો તે બજાવી ચારે જણાંએ આરાધ ગાયો. જળ અને સંગીતના ત્યાં તાલ બંધાયા. બે ઝાડની ત્યાં રોપણક્રિયા કરી. જેસલે વાવી પીપળી ને માલે વાવી જાળઃ એનાં મૂળ પાતાળે ગયાં, એની ડાળીઓ ગગને પહોંચી. હે સંત ! આજે સૈકાઓ વીત્યા. પ્રવાસીઓ ત્યાં પાણી પીએ છે, એ ઝાડજોડલીની છાંયે પોરો ખાય છે. પશુ ને પંખીઓની પણ ત્યાં તૃષા છીપે છે.


૭. રુદિયો રુવે

રોઈ રોઈ કોને સંભળાવું રે, જેસલજી કે' છે,
ઊંડાં દુખ કેને સંભળાવું રે જાડેજો કે' છે,
રુદિયો રુવે રે મારો ભીતર જલે.

અમે હતાં તોળી રાણી ! ખારી વેલ્યે તુંબડાં,
તમ આવ્યે મીઠડાં હોય રે જાડેજો કે' છે.— રોઈ૦

અમે હતાં તોળી રાણી ! ઊંડે જળ બેડલાં,
તમે રે ઉતારો ભવપાર, જાડેજો કે' છે.—રોઈ૦