પૃષ્ઠ:Puratan Jyot.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
 

સંઘરી મૂકી છે. રત્નાકર રોજ રાતે મારા સપનામાં આવીને જવાબ માગે છે. મને આજ્ઞા કરે છે કે મારો ભોગ મને હજુ સુધી કાં નથી અર્પણ કરી દેતા ?”

"હું શું કરું !” કેદાર નામનો ચૂપ બેઠેલે ખેડુ બ્રાહ્મણ બીતા બીતો બાલ્યા. એના શરીર ઉપર કંગાલી છવાઈ ગઈ હતી. એના માથામાં ઉંદરીની રસી વહેતી હતી. ને એને ગળે, હાથ, પગે છારી વળી ગઈ હતી. આસપાસ બેઠેલા તમામ ઘાટીલા, નાજુક, સ્વચ્છ ને રંગીલા દેખાતા વિપ્રો વચ્ચેથી કેદારની શિકલ બહાર તરી નીકળતી હતી.

"શું કરું એટલે ભાઈ?” પૂજારીનો સૂર જરા નરમ પડ્યો. "રક્તપીત એ રોગ નથી બાપા ! એ તો પાપ છે. મહાપાપ છે. એ પાપ પૃથ્વી ઉપર સમાય નહીં. એ પાપ તો એકલી તારી માને જ નહીં, પણ તારા કુળને, તારાં બાળબચ્ચાંને, તારા વંશવેલાને, અરે, આખા ગામને ભરખી જશે. એ પાપને તો સંઘરે છે એક મારો નાથ રત્નાકરદેવ. હવે સમજ પડી ?”

કેદાર આ બધું સાંભળતો હતો, ત્યારે એનું મોં એનાં બે ઘૂંટણોની વચ્ચે દટાયું હતું. પોતાની આંખને એણે બે હાથની અદબની પાછળ છુપાવી દીધી હતી.

"સમજ પડી કે બાપા ?" એ સવાલ ફરીથી સંભળાયો.

કેદારે માથું ઊંચું કરીને પૂજારી સામે ડોકું હલાવ્યું ત્યારે એની પાંપણો ભીની હતી.

“જા ઊઠ ત્યારે. તારી મા પાસે સંકલ્પ કરાવ. આવતી પૂનમનું પ્રભાત અતિ મંગલ છે. હું મધુવન, મેથષળા, કોટડા, કળસાર, ગોપનાથ, તળાજું વગેરે સ્થળામાંથી વેદવાન વિપ્રોને તેડાવું છું. જા તું તારી માને મનાવ. કહેજે કે આમાં તે મહાપાપનું નિવારણ રહ્યું છે. ને જન્મ્યું તેને એક વાર મરવું તો છે જ ને ?”