પૃષ્ઠ:Puratan Jyot.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
 

પહોંચ્યો ને રક્તકોઢણી માતાના ઓરડા પાસે જતાં જ એણે ભયાનક દ્રશ્ય જોયું : પોતાના એકના એક પુત્ર લાલાને જ એ ડાકિની જાણે કે ખાઈ જઈ રહી હતી.

“ડોકરી !” એણે બૂમ પાડી : “મારો છોકરો ભરખવો છે? હજુય તને જીવવાનું ગમે છે? રત્નાકર તારી વાટ જુએ છે. હવે તો ભલી થઈને જા !”

છોકરાને ખેંચી લઈને છાણ વતી સ્નાન કરાવ્યું, ખૂબ માર માર્યો. છોકરો ઊંઘી ગયો ત્યારે એ ઊંડા ઘરમાંથી ડોશીએ પૂછ્યું : “ભાઈ, મુરત જોવરાવીશ, બેટા ?”


[૩]

પૂનમની આગલી રાતે રત્નાકરને ભોગ ચડાવવાનું નક્કી થઈ ચૂક્યું હતું. અને એ પતી ગયે કેદાર પાસેથી ચોર્યાશીનું જમણ ક્યારે લેવું તેની ચર્ચા ચાલતી હતી. મોડી રાતે ગામલોક નીંદમાં જંપી ગયા પછી એક સ્ત્રી ડગુમગુ પગલાં ભરતી બહાર નીકળી. એની ચાલ્ય ચોરના જેવી હતી. કેમ કે એ માનવસમાજ પાસેથી એક દિવસ ચોરી લઈ ને જીવતી હતી. એ કેદારની મા હતી.

રાતના અજવાસમાં રેતીના પણ્યાને (ઢગલાઓને) ખૂંદતી ખૂંદતી એ દરિયાકિનારે ગઈ. આજે ત્યાં એક શિવલિંગ છે, ને ચાર ખૂણે ચાર પાયા છે. પૂર્વે તે શિવાલય હશે એમ મનાય છે. આજે એને લોકો 'બથેશ્વર' નામે ઓળખે છે.

“હે બથેશ્વર દાદા !” કેદારની માએ પ્રાર્થના કરી : “મારા કેદારને હું તમારા વરદાનથી[૧] પામી હતી. તમે મારી બાથમાં સમાઈ ગયા'તા. આજ મારો પેટનો જણ્યો જ ઊઠીને મને દરિયે બૂરવાનું કહે છે. પેટનો પુત્ર બદલી બેઠા પછી ધરતી


  1. * આજ પણ એ માન્યતા છે કે જે સ્ત્રીની બાથમાં આ બથેશ્વરનું લિંગ સમાઈ જાય તેને સંતાન જન્મે.