પૃષ્ઠ:Puratan Jyot.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
 

વાદળીઓની જોડે ગેલ કરતો ભાસે છે ને જળતરંગોમાં નાગકન્યાઓ દેખાય છે. દુઃખીને એ ભેખડની ટોચ ભયાનક લાગે છે. આ ખડકનું શિખર મરવાનો જેને ખરો મોકો આપે છે, તેને જગતમાં પાછા જઈ જીવવું ગમે છે.

ગામલોક દૂર અટકીને ઊભા. ડોશી રત્નાકરની સામે જોઈ ઊભી થઈ રહી.

"જોજે એલી, પાછું વાળીને જોતી નહીં હો, નીકર અમારું સત્યાનાશ નીકળી જશે.”

"હા ભાઈ.”

ને ડોશી ચાલી. એણે પોતાના હાથ ઊંચા કરીને પછવાડે નજર કર્યા સિવાય જ સહુને છેલ્લા રામરામ કહ્યા.

છેક ટોચે જઈને ડોશી ઊભી રહી. રત્નાકર હડૂડતો હતો.

“હાં, ડોશી, હવે હિંમત રાખીને કૂદી પડ.” લોકમાંથી પૂજારીએ સાદ પાડ્યો.

"શાબાશ ડોશી."

"રંગ ડોશી !”

"જવાંમર્દ કેદારની મા.”

“દુનિયામાં કશું અચલ નથી, ડોશી.”

“જો વૈકુંઠનાં વેમાન તારે સારુ ઊતર્યાં આવે છે, ડોશી.”

એકાએક ડોશી ત્યાંથી પાછી વળી. દોટ દઈને નાઠી. ચીસ પાડી કે, “ભયંકર ! ભયંકર ! મારે નથી જવું. રત્નાકર ભયંકર દેખાય છે.”

"નથી જવું ?” પૂજારીએ ત્રાડ પાડી. “નથી જવું એમ ? અલ્યા દોડો, લાકડીઓ અને પથ્થરો મારી મારીને નાખો ડોશીને અંદર. સામૈયું શું અમથું અમથું કઢાવ્યું ત્યારે ?”

બ્રાહ્મણોએ ડોશીને હડકાઈ કૂતરીની પેઠે પથ્થરો માર્યા.