પૃષ્ઠ:Puratan Jyot.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
પુરાતન જ્યોત
 


પારણું વાળીને બાળકને ઊંચકી વગડા ભમતી કોઈ માતાની માફક દેવીદાસ ડોશીના દેહને લઈ ચાલી નીકળ્યા.

સૂર્ય તે ટાણે માથા પર થંભીને આગનાં ભાલાં ફેંકતા હતો. દરિયામાં ઓટ થયો હતો. પાછાં વળેલાં પાણી આઘે આઘે કોઈ ઘેટાંનાં ટોળાંની પેઠે રમતાં હતાં. ફિરંગીઓની બંદૂકોના ગોળીબાર સંભળાતા હતા.


[૪]

મુંજિયાસર ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું થોડું ચાલીને પાછાં થોભી જતાં હતાં. એ સવારનો બનાવ એવો હતો કે કોઈને, ખાસ કરીને સ્ત્રીઓનો રસ તો એક વર્ષો સુધીય ન ખૂટે, ઊલટાનો વધે.

એ રસ ત્યાંથી હજુ તાજેતરમાં જ ચાલી નીકળેલ વેલડાને લગતો હતો. વે'લડાના લાલ માફાનું ટપકું દેખાતું બંધ પડ્યું હતું. હવે તે સીમાડા ઉપર ફક્ત ધૂળનો જ થાંભલો દેખાતો હતો. છતાં કેડ્યે બાળકો તોડીને ઊભી ઊભી ગ્રામવનિતાઓ તે તરફ તાકતી હતી. મોં આડે ઓઢણામાં છેડા કરી કરી સહુ હસતી હતી.

"આજ પહેલો જ બનાવ, કે સાસરે જનારી દીકરી ધરાર ન રોઈ.”

"માવતરના વછા પડ્યે દીકરી જેવી દીકરીનું હૈયું રોયા વિના શે રહી શકે ?”

“અરે બાઈ, એટલું અલેણું. એટલી માયામમતા સુકાઈ ગઈ."

"હા જ તો. નવાણે નીર સૂક્યાં ને દલડાના નેહ સૂક્યા, એવો કળિકાળ આવ્યો હવે તો.”