પૃષ્ઠ:Puratan Jyot.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૪૩
 

 સ્વરૂપ બતાવવાની જરૂર જોઈ હશે, એવું માનવામાં જ નથી આવતું. અર્જુન તો ચમક્યો, ધ્રૂજ્યો, ને નમ્યો હશે એના સારથિના સાદા નાના માનવ-સ્વરૂપની સામે. કેમ કે એ માનવી, એ મુરલીધર, જીવનતત્ત્વોનો સુંદર મેળ મેળવી શક્યો હતે. લાંબા લાંબા દાંત અને એ દાંતની વચ્ચે ચગદાતો અનંત માનવસમૂહ, એવું કશું જ દેખાડી અર્જુન-શા મહાવીરને, પ્રજ્ઞ પુરુષને, સ્તબ્ધ કરી દેવાની જરૂર નહોતી.

"પૂજારી ! તમે પધારો. હું એ વાતની વેતરણ કરી નાખીશ.”

"હા. નહીંતર તેરા નિકંદન નિકલ જાસે.”

એવી દમદાટી દેતો પૂજારી પાછો ગયો. ને પૃથ્વી ઉપર પૂરેપૂરાં અંધારાં ઊતરી ચૂક્યાં.


[૮]

"મારી ઘેાડી પર પલાણ મંડાવો.” કાઠીરાજે હુકમ આપ્યો. પોતાના એક સ્વામીનિષ્ઠ સાથીને સાથે ચાલવા કહીને કાઠીરાજે ઘોડી હાંકી મૂકી. બંને ઘોડાં માર માર ગતિએ પરબવાવડી જગ્યાને માર્ગે ચડી ગયાં.

સીમાડો વટાવ્યો કે તરત જ આગળની ગમથી શબદ બોલ્યો :

‘સત દેવીદાસ !' 'સત દેવીદાસ !'

અંધકાર હોય છે ત્યારે શબ્દો પણ દેહધારીઓ બનતા દીસે છે. કોઈ અવાજ નિર્દોષ બાળકનું રૂપ ધરે છે, કોઈ ફૂંફાડતો સાપ બને છે, કોઈ કલ્લોલતા પક્ષીનો આકાર કાઢે છે. કોઈ સખુન શુક્રના તારાની જ્યોત પ્રગટાવતો લાગે છે. તો કોઈમાંથી કેવડાના ફૂલની સુગંધ મહેકી ઊઠે છે.

અમરબાઈનો બોલ અંધકારમાં કોઈ બચ્ચું શોધતી છાળી (બકરી) જેવો લાગ્યો.