પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિશ્વલીલા
૬૩
 



રૂપેરી ચાંદની

♦ નીંદર ભરી રે ગુલાબે ભરી. ♦


ચલકી રહી રે હો ! ચલકી રહી,
આ રૂપેરી ચાંદની ચલકી રહી ! —

ફરતી આકાશે દેવસુંદરી કો ગોરી,
તેની આ પદરજ ઝલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૧

દુનિયામાં દેવ કેરા આનંદ ઉતારવા,
રસની આ છોળ જાણે છલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૨

રૂપેરી ફૂલપાન સાગર પર વેરતી,
ઘેલી આ પ્રેયસી કો પલકી રહી :
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૩

અધરાતી આંખોને એ અમૃતથી આંજવા,
લજજાળુ લલના શું લળકી રહી ?
આ રૂપેરી ચાંદની ચલકી રહી. ૪