પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાઈઓમાં તો પિતરાઈ ભાઈ-બેનની વચ્ચે પણ શાદી થઈ શકે છે ને? એ રિવાજ પર તહોમતદારણનો કટાક્ષ હતો.

“તમારી મદદની જરૂર નથી મને.” ખાનસાહેબ પ્રોસિકયૂટરે પોતાની સમાજ અને અક્કલ ઉપર આ એક મોટો અત્યાચાર થતો માન્યો.

“ત્યારે તો આપ સમજી શકેલા, એમ ને?” પેલા વકીલે હજુ આ ભાઈનો પીછો ન છોડ્યો. તમાકુની ચપટી મોંમાં ચંપાઈ ગઈ હતી.

“ખસો ને યાર!” પબ્લિક પ્રોસિક્યૂટરે છણકો કર્યો : “તમારી તમાકુ અહીં આંખોમાં કાં ઉડાડો?’

ત્યાં તો જ્યુડિશિયલ ઓફિસરની અક્કડ ગૌરમૂર્તિએ પ્રવેશ કર્યો. પાંજરામાં ઊભેલી કદાવર ઓરતે પોતાના માથા પરનો છેડો અરધા કપાળ જેટલો હેઠો ઉતાર્યો.

એ અદબની ક્રિયા તરફ ન્યાયમૂર્તિની નજર ચોંટી રહી. શિરસ્તેદારને એણે પૂછી જોયું. એને જાણ પડી કે બદમાસ ટોળીની જે આગેવાન બાઈ, તે જ આ ઓરત પોતે.

આ ગોરા ન્યાયાધિકારીને હિન્દી સ્ત્રીઓ પર પુસ્તકો લખવાં હતાં. સોરઠની લડાયક કોમો, ભેંસો અને ઘોડીઓ પરનું લોકસાહિત્ય એ તારવી રહ્યો હતો. એ તારવણી અહીં જીવતી થઈ. લૂંટારુ ટોળીની સરદાર ઓરતમાં એણે અદબ દીઠી. એ અદબમાં ભયભીતતા નહોતી, નહોતાં કર્યાં–કારવ્યાં કામોનો કોઈ અનુતાપ, નહોતી કોઈ અણછાજતા આચરણની શરમ, નહોતો આ અદાલતની સત્તાનો સ્વીકાર. હૈયાના અંતરતમ ઝરણ-તીરે નારીનું પ્રકૃતિ-પંખી શરમની પાંખો હલાવતું ઊભું હોય છે, તે જ પાંખોનો આ સંચાર હતો.

‘હું એને મારી એક વાર્તાની નાયિકા બનાવીશ!’ ન્યાયાધીકારીની આ ધૂને એને તહોમતદાર પ્રત્યે પહેલેથી જ કોમળ કરી મૂક્યો.

‘ને હું એને મારી મર્દાઈની એક હાજરાહજૂર ભાવના બનાવી’ એવાં સ્વપનો સેવતો પિનાકી પાછલી બેઠકોમાં બેઠો હતો. નિશાળને ખાલી કરી છોકરાની ટોળી પછી ટોળી ત્યાં દાખલ થઈ ગઈ હતી. માસ્તરોના માંડલા ઇતિહાસ-પાઠોને સાટે અહીં એ છોકરાઓ પોતાની જનેતા ધરતીના પોપડા નીરખતા હતા. થોડી વાર થઈ ત્યારે બે શિક્ષકો પણ ચૂપચાપ એ લોક ગિરદીની

૧૭૧
સોરઠ તારાં વહેતાં પાણી