પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોલીસના માણસોએ એકબીજાની સામે પછી ફોજદારે કહ્યું: "જવા દો એમને."

"આ બાઇઓને પણ હું સાથે લઇ જાઉં છું."

"ડોશી ભલે આવે. બીજી બાઇને તો કામ કરવા રોકવાની છે."

"મારે મારે ગામડે પોગવું છે. બપોરે કચેરીમાં જાવું છે. મને છોડો." જુવાન બાઇએ ગાતરી છોડી નાખીને કહ્યું.

"જાવા દીયો." મોટા અમલદારે કોઇ ડાઘા બુલ-ડૉગ જેવો અવાજ કાઢ્યો.

"અમારી મજૂરી?" જુવાન બાઇએ પૈસા માગ્યા.

"મજૂરી?" અમલદારો હસ્યા: "તને વહેલી છોડીએ છીએ એ જ તમારી મજૂરી."

"કેમ? કરેલ કામની મજૂરી નહિ મળે આ બાઇઓને?" પિનાકીએ ચકિત બનીને પૂછ્યું.

"હવે મિસ્તર," ફોજદારે નજીક આવીને પિનાકીનો ખભો ધુણાવ્યો: "કાંઇક સમજો તો ખરા! આ તો લડાઇમાં જનાર રસાલાનું બધું દંગલ છે. અત્યારે કોઇને કોઇની દયા ખાવાનો વખત નથી. તમે વધુ વાર ઊભા રહો તો તમને પણ વેઠે લેવા પડે. અમારો એકેએક સિપાઇ અને એકેએક અમલદાર રાત દિવસ હેરાન થાય છે. જેનાથી રફુચક્કર થઇ જવાય એટલા ઊગરી ગયા. સમજોને મારા ભાઇ!"

"ના-ના, એમ કેમ સમજું? આને મજૂરી ચુકાવો."

"ભણો છો કે હજી?" અમલદારે આંખ ફાંગી કરીને પૂછ્યું.

"હા જી."

"વણનાથ્યો વાછડો વધુ કૂદકા મારે : ખરું ને?"

"એ વાત પછી કરીશું. આને મજુરી ચૂકાવો."

"બેસો ત્યારે આંહીં. તેજુરી ખૂલે ને, ત્યારે આપીએ!"

રક્ઝક થતી રહી. ને થોડીક વેળા વીતી પછી પોલીસ-અમલદારે પૂછ્યું: "તમે કોને મજૂરી અપાવવાની વાત કરો છો, મિસ્તર?"

"આ બાઇઓને..." કહી પિનાકી પાછળ જોવા ફર્યો.

-ત્યાં કોઇ નહોતું. ગામડિયણો ચૂપચાપ સરી ગઇ હતી. નવી કમબખતીનો તેઓને ડર હતો. પોતાના મદદગારને તેઓ ઓળખતાં નહોતાં. અજાણ્યા ફસાવનારાઓ રેલગાડીઓમાં ઘૂમતા હોય છે, અને તેમને નવી ભાષામાં 'મુંબઇના સફેદ ઠગ' કહેવામાં આવે છે, એટલું આ બાઇઓ જાણતી હતી. 'મુંબઇનો સફેદ ઠગ' એ શબ્દોમાં ધાક ભરી હતી : ગુપ્તી-લાકડીમાં તલવાર ભરી હોય છે તે પ્રકારની ધાક.

પિનાકીનું મોં ઊતરેલ ધાનના હાંડલા જેવું બન્યું. અમલદારે એને

૨૧૦
સોરઠ તારાં વહેતાં પાણી