પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

45 ઉજળિયાતોનાં રુદન

પિનાકી પ્રભાતે પાછો રાજકોટ પહોંચ્યો ત્યારે ઘરના આંગણે એક ગવલણ ઊભી હતી. એના હાથમાં ખોળનો કાળો ટુકડો અને કપાસિયાની ટોપલી હતાં. મોટીબા ખીલેથી ગાયને છોડતાં હતા, પણ ગાય મોટીબાને છોડતી નહોતી. ઊભેલી ગવાલણના ખોળ-કપાસિયા ગાયને આકર્ષી શક્યા નહોતા. ગવલણ 'આવ! આવ! બા..પો! બા...પો! આલે ! આલે!' એવા મીઠા મીઠા બોલે ગાયને બોલાવતી હતી.

"કેમ મોટીબા! આ શું?" પિનાકીએ પૂછ્યું.

"ગાય વેચી નાખી આ ગવલણને, ભાણા! મોટીબાનું બોખું મોં જાણે કે ડાકલી બજાવતું હતું.

"કોઇ જાતની ચિંતા ન કરજો, બા!" ગવલણે કહ્યું: "મારે ઘેર એક ગાદલા ને ખાટલા સિવાય આ ગાય સારુ બધી જ વાતની જોગવાઇ છે. કોઇ વાતે તમારી ગાયને હું દુઃખી નહિ થવા દઉં."

"એ તો હું આઠ-આઠ દા'ડે જઇને જોઇ આવીશ ને, બેટા!" મોટીબાએ પિનાકીનું પડી ગયેલું મોઢું જોઇ દિલાસો દીધો.

"ને તમે મારું જ દૂધ બંધાવજો ને, બા; એટલે ભાઇને દૂધ પણ ઇ-ની ઇ જ ગા'નું ખાવું ભાવે." ગવલણે પણ ભાણાની ઊર્મિઓ ઓળખી લીધી.

"ભલે-ભલે; જાવ, માતાજી! હવે સુખેથી જાવ!" એમ કહીને મોટીબાએ ગાયને થાબડ મારી.

પણ ગાય ન ખસી. કપાસિયાની સૂંડીમાં એણે મોઢું પણ ન નાખ્યું. આખરે ગવલણે જ્યારે એક મહિનાની નાની વાછડીને હાથમાં ઉઠાવી તેડી લીધી, ત્યારે પછી ગાય 'ભાં-ભાં' કરતી પછવાડે ચાલી ગઇ.

ઘરમાં બેસીને પિનાકીએ નાના બાળકની માફક રડવા માંડ્યું. એણે પોકો મૂકી. મોટાબાપુજી ગયા. એની પોતાની બા પણ ગઇ. ઘોડી ગઇ - તેમાંના કોઇ પણ પ્રસંગે એને એટલું નહોતું લાગ્યું - જેટલું આજ ગાય જતાં લાગ્યું.

"એલા, આ ભેંકડા કોણ તાણે છે?" કરતો એક પડોશી ખેડૂત ખંપાળી લઇને ખડકીએ ડોકાયો. એ ગાડામાં બહારનો ઉકરડો ભરતો હતો. એને મોંએ

૨૧૭
સોરઠ તારાં વહેતાં પાણી