પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ને આ તો આબરૂદાર માણસ! હવે એ છોકરીને કોઈ સંઘરશે નહિ, એના માવતર સોત નાત-બહાર મુકાશે, ને એનો ભાયડો સગપણ જ મૂકી દેશે."

"પછેં તો છોકરી ને કૂવો જ બૂરવો રીયો ને!"

ઊંધા માથા નાખી કપાસના જીંડવામાંથી ત્રીજી વારનો ફાલ વીણતું આ ટોળું ભૂલી ગયું હતું કે તેમના સૂર સારી પેઠે ઊંચા બન્યા હતા.

બે વાતો પિનાકીના હૃદય-નગારા પર દાંડીની પેઠે પડી. હૃદયમાં ઘોષ જાગ્યા. બે વાતના એ ઘોષ હતા: એક હવે એ છોકરીને કોઈ સંઘરશેય નહિ; ને બીજું એનો ભાયડો હશે એય સગપણ તોડી નાખશે: પછી તો છોકરીને કુવોજ બુરવો રહેશે ને?

આજ સુધીના અભ્યાસમાં કોઈ ચોપડીએ એને આવું સુઝાડ્યું નહોતું: પુષ્પા કૂવો પૂરશે કેમ કે કોઈ એને સંઘરશે નહિ! એને કોઈ સંઘરશે નહિ, કેમકે આ ઉજળિયાતોને કામ ધંધાની કંઈ પડી નથી ને આબરુની જ પેટીઓ ઉપર બેઠાં બેઠાં ખાવું છે!

પુષ્પા કુવો પૂરશે એ વાતનું સ્મરણ એને સતાવવા લાગ્યું. પુષ્પાએ કંઈ ન કરવાનું કામ કરી નાખ્યું હશે એ કલ્પના એને દંશવા લાગી. એ કુવા-વાડીઓ તપાસવા આડમાર્ગે ખેતરો ખુંદવા લાગ્યો.

થોડી વારમાં એના કાન પર ઉંચા અવાજે શબ્દો પડવા લાગ્યા. એ શબ્દો મોટી સડક પરથી આવતા હતા. પોતે સડક તરફ વળ્યો. પહેલા તો ખાખી પોશાકો અને ત્રણ બંદૂકો દેખાયાં. પછી ગાડું દેખાયું. ગાડું નજીક આવ્યું. પિનાકીના માથાની નસો ફાટવા લાગી. ગાડીમાં પુષ્પા હતી? - કે પુષ્પાનું પ્રેત હતું? પિનાકીને દેખતાની વાર પુષ્પાની છાતી ફાટી પડી; એના મોમાંથી ચીસો ઉઠી. એણે મોં પોતાની લીરેલીરા બનેલી સાડીમાં છુપાવી દીધું. પિનાકીના ઈશારા પર ગાડું ઉભું રહ્યું.

"ક્યાં લઇ જાઓ છો?" પિનાકીએ પોલીસની ટુકડીને પૂછયું.

"રાજકોટ. આ તમારું માણસ છે? આમ રેઢી મુકો છો કુંવારી છોકરીને? આ બાઈને હરામના હમેલ રહ્યા છે. કૂવે પડતી'તી ત્યાંથી ઝાલી છે."

"કયા રાજના છો તમે?"

૨૫૨
સોરઠ તારાં વહેતાં પાણી