પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પ્રવીણગઢના."

"છોડી દો એને. હું તેડી જઈશ."

"એમ ન છોડાય."

"ત્યારે કેમ?"

"રાજકોટની પોલીસમાં સોંપવી જોશે."

પિનાકી થોડી ક્ષણ ચૂપ રહ્યો. એના અંતરમાં એક લાંબા અને લોહીલુહાણ સંગ્રામની રણભેરીઓ બજી ઊઠી.

"તમારે શું સગપણ છે આ બાઈ જોડે." પોલીસના નાયકે બીડી સળગાવી પૂછ્યું.

પિનાકીને માટે આ સંગ્રામની પ્રથમ પહેલી હાકલ હતી. પુષ્પાના દેહનું, નોળિયાએ લોહીલોહાણ કરેલા સાપના જેવું નિર્જીવ ગૂંચળું એને ગાળા પર જોયું. બીજીબાજુ પોતાની મોટીબા, પોતાનો મુર્શદ શેઠ, સુરેન્દ્રદેવજી, આખો સમાજ અને પોલીસ-અદાલત, જેલ, ઘંટી, મુકાદામોના માર અને - એને કોઈક દિવસે પણ આ કલંક કથા જેને કાને જવાની છે તે "મામી"ના મૂંગા ફિટકાર એની આંખ સામે વીજળીવેગે સરકી રહ્યા.

આ પુષ્પા કોણ? કેવી ચાલની? કેવા વિકારોથી ભરેલી? કેનાં કરતૂકોની આ સજા પોતાના શિર પર આવી પડવાની છે? જવા દે! એ નીચને એની નીચાતાનો દંડ ભરપાઈ કરવા દે! મારી કારકિર્દી, મારું ઉઘડતું જીવન-પ્રભાત, મારી મુરાદનાં પુષ્પો...

નહિ નહિ એ કશું જ નહિ. પુષ્પાનું મોં મારી સામે જોઈ રહ્યું છે. એ મોં પર મારી ચિતા ખડકી છે કે મારી લગ્ન-ચોરી? ગમે તે - ગમે તે -

"એનો મારી જોડે વિવાહ થવાનો છે. છોડો એને." પિનાકીએ જવાબ દેતાં છાતીને સવા ગજ પહોળાવી. એની ગરદન ટટાર થઈ ગઈ. ને પુષ્પાએ પોતાનું મોં પૂરેપુરું પિનાકી તરફ ફેરવ્યું. ઝાડ પરથી પક્ષી બોલ્યું તેમાં જાણે શબ્દોની રચના હતી કે, "સાચું કહ્યું, સાચું કહ્યું."

"ચાલો ત્યારે તમે પણ રાજકોટ. ત્યાં તમને એજન્સી પોલીસ સોંપે તો સંભાળી લેજો." પોઈસ નાયકે કહ્યું.

"ચાલો."

૨૫૩
સોરઠ તારાં વહેતાં પાણી