પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

11. જીવનની ખાઈ


રાતે વાળુ થઈ ગયા પછી આંગણામાં પથ્થરોને મંગાળે દૂધનો તાવડો ચડ્યો.

મહીપતરામ બહુ પોરસીલા આદમી હતા, અને થાણદાર સાથે સરસાઇ કરવાનો એક પણ અવસર ન ચૂકવાની એની જિદ્દ હતી. વળી આગલે જ અઠવાડિયે થાણદારને ઘેર પચીસક માણસોના ચૂરમાના લાડૂ ઊડ્યા હતા. તેનું વેર લેવા એણે આ વખતે ચાલીસ જણાની તૈયારી માંડી દીધી. ને આ તૈયારીનું બહાનું બન્યો ભાણેજ પિનાકી.

"ભાણો ચારમી અંગ્રેજીમાં પડ્યો છે. ને બાપડો બોર્ડિંગનાં કાચાં-દાઝ્યાં બાફણાં ચાવી ચાવી ઘેર આવ્યો છે, એટલે આજ તો ભાણાને મોજ કરાવવી છે."

નોતરા દેવા કારકૂન પાસે ટીપ કરાવવા માટે તેમણે કારકૂનને કહ્યું: "એક નોટ કરી લાવો."

કારકુન કોરા કાગળની એક જાડી નોટ-બૂક સીવીને લાવ્યો.

"આ શું?"

"નોટ".

"શા માટે?"

"આપે કહ્યું તું ને....નોટ કરી લાવવાનું?"

"અરે ડફોળ! મેં તુંને આવી નોટ બાંધી લાવવા કહ્યું' તું?- કે માણસોની નોંધ કરવા?"

કારકૂન મૂંગો ઊભો રહ્યો. અમલદારે માથું કૂટ્યું: "આ ગધેડાને બદલવા મેં દસ રિપોર્ટો કર્યા, પણ કમજાતના પેટના ઑફિસવાળાઓ....."

પછી પોતે જ ટીપ કરવા માંડી. એ વખતે અંદરથી પત્નીએ આવીને વચલા કમાડ પર ઊભા રહી, સસરાની સહેજ લાજ કાઢીને સ્વામી પ્રત્યે ધીમે સ્વરે કહ્યું: "સાંભળ્યું?"

"શું છે?"

"ત્યાં - એમને પણ કહેવરાવજો."

૪૧
સોરઠ તારાં વહેતાં પાણી