પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુલાવની હાંડી પકાવતી બેઠી છે : દીકરાની સાત વર્ષની ગેરહાજરી દરમિયાન માતાપિતા પોતાના અન્નદાતા દરબારને પોતાને ઘેર પરોણલા નોતરે છે : "એ મીઠપ તો, બાપુ, તમારી દીકરીના હાથની છે." ને એ મીઠપના ઝરા - એ બે હાથ - દરબારની નજરે પડે છે: ઝુલેખાનું મોઢુંય દરબારી આંખોની હડફેટમાં આવી જાય છે : ઝુલેખાને દરબાર પોતાની કરી લે છે : માબાપ પુલાવની હાંડીનાં કાછલાં કરીને દરબારની હદ છોડીને ભાગે છે : કેદમાં પડ્યો પડ્યો ભાવર ઝુલેખાના ઝળકતા તકદીરની કથા સાંભળે છે : ને છૂટીને પહેલું કામ શું કરવું તેનો નિશ્ચય ભાવર પોતાની હાથકડી ઉપર ઠીકરું ઘસીને નોંધી લે છે.

"હવે?" મહીપતરામે કહ્યું : "નામર્દ થઈને રોવું છે? - કે દરબારનો હિસાબ ચોખ્ખો કરવો છે? તારું કોઈ નામ ન લે : સાહેબ બહાદુરનું વચન છે."

સાહેબે આ વચનના પાલનની કબૂલત સૂચવતો પોતાનો પંજો ભાવર તરફ લંબાવ્યો.

ભાવરે જવાબ આપ્યો : "સાહેબ, હવે તો મોડું થઈ ગયું. મારો હિસાબ પતી ગયો."

"કેમ?"

"આજ સવારે જ દરબાર તરફથી સંદેશો હતો, ને સમાધાનીનાં નાણાં હતાં."

"કેટલાં?"

"એ તો મને ખબર નથી; સાહેબ, હું ભાડખાયો નથી."

"તેં નાણાં ન લીધાં?"

"ના, એણે મારી માફી માગી. થવાનું હતું તે થઈ ગયું. મારે એટલું જ બસ છે."

"ને તારી બાયડી રાખીને બેઠા છે તેનું શું?"

"મેં બધુંય જાણ્યું છે, સાહેબ. એને ગમ્યું ને એ ગઈ છે. એને અને મારે જમીન-આસમાનનું અંતર પડ્યું."

"એટલે તેં વેર મૂકી દીધું?"

૬૨
સોરઠ તારાં વહેતાં પાણી