લખાણ પર જાઓ

ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/પ્રકરણ ૪ થું

વિકિસ્રોતમાંથી
←  પ્રકરણ ૩ જું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૪ થું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૫ મું →


પ્રકરણ ૪ થું.
--:(૦):--

ઈ. સ. ૧૮૪૯ માં ફ્લૉરેન્સ કૈસરવર્થના આશ્રમમાં દાખલ થયાં. એ આશ્રમ જેવી બીજી એકે સંસ્થા તે વખતે નહોતી.

હૉસ્પીટલોમાં રહીને તથા પોતાના ઘરમાં અને પારકાના ઘરમાં નર્સીંગ કરવાનો જો કે તેમણે થેોડો ઘણો અનુભવ મેળવ્યો હતો, પરંતુ સંપૂર્ણ કેળવણી તો તેમને આ આશ્રમમાંથી જ મળી. આ આશ્રમમાં રોમન કેથલીક પંથના મઠની માફક કાંઈ પ્રતિબંધ નહતા. એના ઉપરી પાસ્ટર ફલીડનર હતા. તે ઘણા ભક્તિમાન્ અને ધર્માત્મા હતા, અને તેમના સંસર્ગમાં આવવાથી ફ્લૉરેન્સને અનેક લાભ મળ્યા હતા.

ગરીબ અને માંદા માણસોને સંભાળવાનું કામ સ્ત્રીઓ કરે તેની અર્વાચીન સમયમાં યુરોપમાં કાંઈ નવાઈ રહી નથી; પરંતુ ફ્લૉરેન્સના સમયમાં તો એ રીતની બહુજ નવીનતા લાગતી. સામાન્ય કેળવાએલી દાયણની રીત પણ તે વખતે નહોતી. કૈસરવર્થના આશ્રમમાં નર્સીંગ તેમજ ગરીબ તથા ભ્રષ્ટ લોકોને સહાયતા આપવાનું બંનેનું શિક્ષણ મળતું. તેમાં દાખલ થનારને રોમન કૅથલીક સિસ્ટર્સની માફક કાંઈ સોગન લઇ બંધાવું પડતું નહોતું. માત્ર ઈશ્વરનો ભય રાખીને તેને પ્રસન્ન કરવાની ખાતર તથા અનાથ માંદાની દયાની ખાતર પોતાનું કાર્ય કરવાનું હતું. જો કાંઈ જરૂર પડે તે તેમને પોતપોતાના કુટુંબમાં પાછા જવાની તેમજ પરણવાની છૂટ હતી; પણ એટલું કે લગ્ન કર્યા પછી તેમને હોસ્પીટલમાં રહેવાની પરવાનગી નહોતી.

આશ્રમમાં દાખલ થયા પછી દરેક ઉમેદવારને રાંધતાં, સીવતાં, લૂગડાંને અસ્ત્રી કરતાં તથા વાસણકુસણ માંજીને સ્વચ્છ રાખવાનું એ સર્વ શીખવવામાં આવતું; તે ઉપરાંત હિસાબ કિતાબ રાખતાં, કાગળ, લખતાં, વાંચી સંભળાવતાં એ સર્વ પણ શીખવવામાં આવતું. આટલી સામાન્ય કેળવણી લીધા બાદ જો તેને નર્સ થવાની ઈચ્છા હોય તો તેને હોસ્પીટલમાં સારવારનું કામ કરવું પડતું. અને જો શિક્ષક થવું હોય તેા કીડંરગાર્ટન શાળામાં અને બીજી સામાન્ય શાળામાં અનુભવ લેવો પડતો.

ત્યાં શીખનારને કાંઈ પણ પગાર મળતો નહિ. કારણ કે પરાપકારાર્થે કામ કરાવવાનો ત્યાં મુખ્ય ઉદ્દેશ હતો. ખાવાનું અને રહેવાનું મફત મળતું, અને દર વર્ષે બે ચાર લૂગડાંની જોડ મફત મળતી. જો કેાઈની પાસે પોતાની ખાનગી મીલ્કત હોય તે તે પાતાની ઈચ્છા પ્રમાણે વાપરવાની છૂટ હતી. સહેજસાજ ઉપલક ખર્ચા માટે અમુક રકમ દરેક જણને અપાતી.

જ્યારે ફ્લૉરેન્સ કૈસરવર્થમાં દાખલ થયાં ત્યારે એ આશ્રમને સ્થપાએ સોળ વર્ષ થયાં હતાં, અને તેને લગતી એક હૉસ્પીટલ, નર્સીંગની શાળા, બાલશાળા માટે શિક્ષકોની શાળા, કીડંરગાર્ટનશાળા, અનાથ બાલાશ્રમ, અને એક શાસનગૃહ એટલી સંસ્થાઓ હતી, પણ આજની સરખામણીમાં સર્વ વ્યવસ્થા ઘણા ન્હાના પાયા ઉપર ચાલતી હતી, તેમજ નર્સો પણ ગામડીઆ વર્ગમાંથી જ આવતી. ગૃહસ્થની સ્ત્રીએાથી નર્સ થઇ શકાય એ તો સાફ અજાણી વાત જ હતી; એથી તો આબરૂ જાય એમ જ માનવામાં આવતું. જ્યારે ફ્લૉરેન્સ તેમાં દાખલ થયાં તે વખતે એક પણ ગૃહસ્થની સ્ત્રી નર્સ ત્યાં નહોતી. આ આશ્રમમાં દાખલ થયા પછી ફ્લૉરેન્સ લખે છે કે,

"અહીંના જેવી પરોપકારની તથા સ્નેહની લાગણી તેમ જ ઉત્તમ પ્રકારનો ભક્તિભાવ અને કાર્યપરાયણતા મેં અન્ય સ્થળે જોઈ નથી. કેાઈની કદી અવગણના કરવામાં આવતી નથી."

"વધારે આશ્ચર્યકારક વાત તો એ છે કે બધી નર્સો ગામડીએણ અને અજ્ઞાન છે. અહીં ખોરાક ઘણો જ હલકી જાતને મળે છે. સ્વચ્છતા સિવાય બીજા કાંઈ શોખ ભેાગવવાના મળતા નથી."

આ કુળવાન્, ધનવાન અને જુવાન ઇંગ્લીશ સ્ત્રી (ફ્લૉરેન્સ) જ્યારે બિચારી ગરીબ અજ્ઞાન ગામડીએણો સાથે અભ્યાસ કરવાને દાખલ થઈ તે વખતે ભલી સ્ત્રીએાને કેટલી નવાઈ લાગી હશે અને હર્ષ થયો હશે તેના ખ્યાલ જ કરવો યોગ્ય છે. આવી સુકોમળ સ્ત્રી પોતાના નાજુકડા હાથથી એક હૉસ્પીટલમાં નર્સ તરીકે માત્ર પરોપકારની ખાતર કામ કરે એવો દાખલો ત્યાં સુધી બન્યો નહોતો.... પણ ફ્લૉ રેન્સને તો તરત ત્યાં ગોઠી ગયું અને ત્યાંની વધારે અનુભવ મેળવેલી નર્સો પાસે આતુરતાથી એ તે શીખવા મંડી ગયાં. રાતનું અને દિવસ નું બન્ને વખતનું તેમણે શિક્ષણ લેવા માંડયું, અને દરેક પ્રકારનું કામ શીખવા માંડ્યું. ત્યાંની નર્સોની માફક જ તેમણે પોષાક પણ પહે- રવા માંડ્યો, કાંઇ પણ વિકટ કેસ તપાસાતો હોય તો ફ્લૉરેન્સ તો ત્યાં હાજર હોય જ.

આ વખતે ફ્લૉરેન્સ જુવાનીના પૂર્ણ જુસ્સામાં હતી. તેનું કદ ઊંચું, પાતળું અને લાવણ્યતાવાળું હતું, તેના કેશ લાંબા અને ચળકતા હતા. તેનાં નેત્ર ઘણાં જ ચંચળ હતાં, અને મોં ઉપર દૃઢતા તેમજ રમુજી સ્વભાવનાં ચિન્હ માલુમ પડતાં હતાં. ત્યાંની નર્સોની સાથે તે તેમની જ ભાષામાં વાત કરી શકતી હતી અને વાતચિતમાં સહુને અાનંદ અા૫તી.

આસપાસની સ્થિતિને સાનુકૂળ થઈ જવામાં તે ઘણી જ કુશળ હતી. જો કે પોતાના પિતાના ઘરમાં અનેક તરેહનાં સુખ તથા સગવડ ભોગવેલાં છતાં કેસરવર્થના સાદો ખોરાક અને સાદી રીતભાત પ્રમાણે રહેતાં તેમને કાંઇ જ અગવડ લાગી નહિ. આવા સાલસ અને રનેહાળ સ્વભાવને લીધે ત્યાં શીખેલી નર્સો તેને સ્નેહની લાગણીથી યાદ કરે તેમાં કાંઈ નવાઈ જેવું નથી.

લિવરપુલની સિસ્ટર ઍંગ્નીસ જોન્સ કરીને એક નર્સ હતી તે ઈ. સ. ૧૮૬૦ માં કૈસરવર્થ ગઈ હતી. તે વખતે એ લખે છે કેઃ–

“અહીંની નર્સો મિસ નાઇટીંગેલ માટે હજુ સુધી ઘણા જ પ્રેમની લાગણી ધરાવે છે. જો કે એ અહીં ઘણા થોડા મહિના રહી ગયાં હતાં, છતાં સર્વ તેમને ફરીથી જોવાની ઈચ્છા કરે છે. મેં તેમને માટે ઘણી પૂછપરછ કરી; એમનો સ્વભાવ ઘણો જ માયાળુ અને હૃદય ઘણું જ કોમળ હોવું જોઈએ, તેમજ તે ધર્મનિષ્ઠ હોવાં જોઈએ. અહીંના ઘણા માંદા લોકો તેમના આપેલો ઉપદેશ યાદ કરે છે તેમજ ઈશ્વર ભક્તિને માર્ગ બતાવ્યાથી ઘણા લોકો સુખશાંતિથી મૃત્યુને આધીન થયા છે."

ફ્લૉરેન્સનો મુખ્ય ઉદ્દેશ ત્યાંની નર્સ થવાનો જ હતો, છતાં ત્યાં ગયા પછી અનાથ લેાકેાને મદદ કરવાની પાસ્ટર ફ્લીડનરની જે જે સંસ્થાઓ હતી તે સર્વમાં ઘણી જ હોંસથી ભાગ લેતા.

જ્યારે ફ્લૉરેન્સ કૈસરવર્થ આશ્રમમાં શીખતાં હતાં ત્યારે તેમના મિત્ર મિ. સિડની હર્બર્ટ તે આશ્રમ જોવા ગયાં હતાં.

કૈસરવર્થમાંથી જ્યારે ફ્લૉરેન્સ નાઇટીંગેલે શિક્ષણ પૂરું કરીને પોતાને ઘેર જવાની તૈયારી કરી ત્યારે ત્યાંના આશ્રમમાં રહેનારને સૌને ઘણો જ ખેદ થયો હતો, દરેક નર્સને સલામ કર્યા બાદ તેમણે પાસ્ટર ફ્લીડનર પાસે આશીર્વાદ માગ્યો. તેમના માથા ઉપર આ ધર્માત્માએ પોતાનો હાથ મૂકયો, અને દૃષ્ટિ આકાશ તરફ રાખીને પરમેશ્વરની પ્રાર્થના કરવા લાગ્યા, અને કહ્યું કે, “આ આશ્રમમાં શિક્ષણ લીધાનું સુ પરિણામ થાય અને સદા પરેપકાર કરવામાં જ તારું જીવન જાય એટલી જ મારી ઈચ્છા છે. ઈશ્વર તારૂં રક્ષણ કરે અને મૃત્યુ પર્યંત તને સન્માર્ગ બતાવો અને તને અખંડ મુક્તિ આપો એટલી જ મારી પ્રાર્થના છે તે ફળીભૂત થાઓ. તથાસ્તુ." અનાથ અને દુઃખી મનુષ્યની સેવા બજાવવામાં પોતાનું જીવન અર્પણ કરે એ જ આશીર્વાદથી તેને વિદાય કરી. એનું પરિણામ એટલું મહાન આવશે તે તેને સ્વપને પણ નહોતું. ગુરૂ અને શિષ્યને ફરીથી મળવાનું ભાગ્યમાં લખેલું નહોતું પણ ફ્લૉ- રેન્સ નાઇટીંગેલનું નામ જગદ્વિખ્યાત થએલું સાંભળતાં સુધી આ ભલો ગુરૂ જીવ્યો હતો.

કૈસરવર્થમાં રહી આવ્યા પછી મિસ નાઇટીંગેલે ૧૮૫૧ માં આ આશ્રમની સર્વ વ્યવસ્થા ઉપર એક ઓપાનીઉં પ્રસિદ્ધ કર્યું હતું, અને તેના અવતરણમાં તે વખતની કુમારિકાઓને યોગ્ય કેટલીક ઘણી ઉત્તમ શીખામણો આપી હતી. લોકોનું ભલું કરવા તરફ તેમને કેટલો ઉત્સાહ હતો, તે તથા પરોપકારનો સત્ય માર્ગ કેવો હોવો જોઇએ તે સ્પષ્ટ રીતે તેના ઉપરથી સમજાય છે. તે વખતની સ્ત્રીઓ કામ કરવાને આતુર હતી: પરંતુ તેમને યોગ્ય શિક્ષણ મેળવવાનાં કાંઈ સાધન નહોતાં.

મિસ નાઇટીંગેલ એ વખતે સ્ત્રી જાતિનાં અગ્રેસર હતાં તેમજ તેમના વિચાર પણ ઘણું આગળ વધેલા હતા, અને દરેક કાર્યમાં તે સારાસારનો વિચાર કરીને જ પગલું ભરતાં. સ્ત્રીએાના લાભની ખાતર તેમણે એ દલીલ રજુ કરી કે તેમને યોગ્ય ધંધો કરવામાં ઉત્તેજન આપવું, અને ધંધાને યોગ્ય તેમને કેળવણી આપવી. ખાસ કરીને નર્સનો કે શિક્ષકનો ધંધો સ્ત્રી માટે વધારે યોગ્ય છે એમ એમની ધારણા હતી, એક ઠેકાણે એ લખે છે કે, "ઓગણીસમી સદીમાં સ્ત્રીએ પૂર્ણ સ્વતંત્રતા મેળવવાની છે એમ મારા વાંચવામાં આવ્યું છે, હજી સુધી (૧૮૫૧) તો તેવાં ચિન્હ કાંઈ માલુમ પડતાં નથી. હું જાણું છું કે પુરૂષોનો આમાં કાંઈ દોષ નથી, કારણ કે ઈંગ્લંડમાં સ્ત્રીઓને પોતાની બુદ્ધિશક્તિ ખીલવવાને જેટલી સ્વતંત્રતા મળે છે તેટલી બીજે કાંઈ મળતી નથી. વાતચિત કરવામાં પણ તેને પૂર્ણ છૂટ મળે છે. બુદ્ધિમાન સ્ત્રીના સર્વ માન આપે છે. કેાઈ તિરસ્કાર બતાવતું નથી. સ્ત્રીઓએ હાલના જમાનામાં પોતાની બુદ્ધિ શક્તિમાં તો હદપાર વધારો કર્યો છે, પરંતુ તેની સાથે પોતાના જ્ઞાનનો વ્યવહારમાં શી રીતે ઉપયોગ કરવો તે તેઓ શીખ્યાં નથી. આજની સ્ત્રીઓ કરતાં મને લાગે છે કે ગયા સૈકાની સ્ત્રીઓ વધારે સુખી હતી, કારણ કે તેમનું શિક્ષણ અને વર્તણુંક બન્ને સરખાંજ હતાં. આજની સ્ત્રીઓની ઈચ્છાઓ તો મોટી મોટી હોય છે, પરંતુ ઘણી બાબતો વ્યવહારમાં શી રીતે મૂકવી, તે આવડતું નથી. અસલના વખતમાં તો જેટલી ઈચ્છા રાખતી તેટલું તો તેમને આવડતું જ."

વ્યવહારિક બંધનમાં પડેલી પરણેલી સ્ત્રી કરતાં કુમારિકાની સ્થિતિ વધારે પ્રશંસાને પાત્ર છે એવો મત્ત તે વખતમાં પ્રચલિત હતો, પરંતુ મિસ નાઇટીંગેલ એ મત કબુલ કરતાં નહિ. એક પ્રસંગે એ લખે છે કે "આજકાલ કુમારિકાઓનાં વખાણ થાય છે; લેકે કહે છે કે પરણેલી બીવી માફક જ કુંવારી સ્ત્રી જો ધારે તે સુખી થઈ શકે, પરંતુ કહેનાર એટલે વિચાર નથી કરતાં કે દરેક વસ્તુ જો યથાર્થ રીતે વાપરતાં આવડતી હોય તે જ તેને ઉપયોગમાં લેવાય, માછલીને જો આવડતું હોય તો જેવી રીતે પાણીમાં રહી શકે છે તેવીજ રીતે હવામાં રહી શકે. કુંવારૂં જીવન કેવી રીતે ગાળવું તે અમને બતાવો તો અમે કબુલ છીએ. હજી સુધી તો કેાઈએ ખરો માર્ગ બતાવ્યો નથી. અમને હાલની સ્થિતિ જોતાં તે કબુલ કરવું પડે છે કે કુંવારી જીંદગીમાં કાંઈ જ સુખ નથી, પ્રેમ વિનાનું, કાંઈપણ ઉદ્દેશ વગરનું જીવન તો કંટાળા ભરેલું જ લાગે. પરંતુ હાલના સમયમાં પુરૂષની અને સ્ત્રીની વસ્તી સરખાવી જોતાં માલુમ પડે છે કે સ્ત્રીની સંખ્યા વધારે છે, અને તેથી ઘણી સ્ત્રીઓને કુંવારી રહ્યા વગર છૂટકો જ નથી. અને તેમના લાભને ખાતર છોકરાઓની માફક જ છેાકરીએાને કાંઈપણ ઉદ્યમે લાગી શકે એવી કેળવણી આપવાની અગત્ય છે."

વળી મિસ નાઇટીંગેલ કહે છે કે “સ્ત્રીએાને કામ કરવાની ઈચ્છા તો હોય છે, કારણ કે તદ્દન કામ વગર તો જીંદગી છેક નિરૂત્સાહી અને અંધકારમય થઈ જાય અને શરીર પણ સાથે ક્ષીણ થઈ જાય, તથા મા બાપ તથા ભાઈ ભાંડુને છોકરીઓ ભારે પડે. કોઈ વળી પોતાના જીવનની ગ્લાનિ દૂર કરવાની ખાતર અનાથ લેાકેાની મુલાકાત લેવાને જાય છે. પરંતુ ત્યાં પણ કેવી રીતે વર્તવું, ગરીબ લોકોની રિથતિમાં સુધારો કરવા શા ઉપાયો યોજવા તેનું જ્ઞાન ના હોવાથી ઉલટું નુકશાન. થાય છે. આનું એક દૃષ્ટાન્ત હું તમને કહું. એક વખત એક ઝુંપડી જે ઘણું ખરૂં સ્વચ્છ અને વ્યવસ્થિત રહેતી હતી તે અવ્યવસ્થિત અને ગંદી મને માલુમ પડી. અંદર જઈને મેં આ ફેરફારનું કારણ પૂછયું ત્યારે એક વૃદ્ધ સ્ત્રી બેલી "બાઈ, એમાં તે સવાલ કરવા જેવું શું છે ? જો અમે સર્વ અસ્તવ્યસ્ત ના રાખીએ તો જે ગૃહસ્થની સ્ત્રીઓ અમને મદદ કરવા આવે છે તેઓ એક રાતી પાઈએ અમને દેખાડે નહિ."

આવી મુલાકાત કરવામાં પણ ડહાપણ જેઈએ છે, ને તે ઘણાં થેાડાનામાં જ હોય છે." સ્ત્રીએાને નર્સને અને અનાથોને મદદ કરીવાના (deaconess) ધંધાનું શિક્ષણ આપવું જરૂરનું છે એ બાબત સિદ્ધ કરવાને મિસ નાઇટીંગેલે આટલું વિવેચન કર્યું હતું કૈસરવર્થથી આવ્યા પછી તેવી સંસ્થા ઈંગ્લંડમાં સ્થાપવાની તેમની ઘણી ઈચ્છા હતી. નર્સ થાય તેને સન્યાસ લેવો પડે એવો પ્રૉટેસ્ટંટ પંથના લોકેાને ભય હતો તે દૂર કરવાને તેમણે કૈસરવર્થનો આશ્રમ જે પ્રોટેસ્ટંટ પંથના જ લોકોબે માટે હતો તે આદર્શ તરીકે બતાવ્યો. તે સમય એવો હતો કે સ્ત્રીઓને માટે આ નવો ધંધો દાખલ કરાવવા માટે ઘણો જ વિરૂદ્ધ મત હતો અને તેથી ઘણી સાવચેતીની જરૂર હતી. લેાકેાને અને ધર્મ ગુરૂઓને સમજાવવાને માટે ધર્મ પુસ્તકેાનાં અને મહાન પુરૂષોનાં વચનોનાં પ્રમાણ લેવાની અગત્ય પડતી. આ ધંધો રોમન કૅથલીક પંથના લોકોએ મૂળ સ્થાપ્યો નથી તે માટે મહાત્મા લ્યુથરનાં વચન મિસ નાઇટીંગેલ બતાવે છે." દુ:ખમાં ઘટાડો કરવાને, અને દુઃખમાં આશ્વાસન દેવા સ્ત્રીઓમાં કાંઈ વિશેષ જ ખુબી રહેલી છે. અને પુરૂષના કઠોર શબ્દ કરતાં સ્ત્રીની મધુર વાણીમાં વધારે મૃદુતા રહેલી છે, જેથી મનુષ્યના મન ઉપર ઘણી જલદી અસર થાય છે અને તેજ માટે નર્સ તરીકે તો સ્ત્રીઓએ જ કામ કરવું જોઈએ." આવી રીતે અનેક પ્રમાણોને આધારે એ સિદ્ધ કરી આપે છે કે ક્રીશ્ચિઅન ધર્મની આ બાબતમાં પૂર્ણ સમ્મતિ છે, અને કોઈ પણ રીતે સ્ત્રીઓને અયોગ્ય એ ધંધો નથી, અને તે કાંઈ રોમન કેથલીક લેાકેાએ બતાવેલો માર્ગ નથી. પ્રૉટેસ્ટંટ ધર્મની અસલની સંસ્થાઓ ના ચાલી તેનું કારણુ એ જ હતું કે શિક્ષણ લેવાનાં યોગ્ય સાધનો નહેાતાં.

કૈસરવર્થનો આશ્રમ એ સર્વ સાધનો, પૂરાં પાડે છે માટે જ તે આદર્શ રૂપ છે,