ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૫ મું

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૪ થું ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર
પ્રકરણ ૫ મું
શારદા મહેતા
૧૯૧૮
પ્રકરણ ૬ ઠ્ઠું →


પ્રકરણ ૫ મું.


કૈસરવર્થમાંથી નીકળ્યા પછી થોડાક વખત ફ્લૉરેન્સ પૅરીસના "સીસ્ટર્સ ઑફ સેંટ વીન્સેંટ ડી પૉલ" ના મઠમાં રહ્યાં. તેમને ધર્મની બાબતમાં ખોટું મતાંધપણું નહોતું અને તેથી જ આ રોમન કેથલીક મઠની વ્યવસ્થાને નિષ્પક્ષપાતપણે તે વખાણતાં. આ સિસ્ટર્સ ખરેજ પરોપકારી બહેનો હતી. તેમની સ્થાપેલી હોસ્પીટલો અને નિશાળો જગપ્રસિદ્ધ હતી. કૈસરવર્થના આશ્રમ કરતાં એ ઘણા જુના વખતથી સ્થપાએલો આશ્રમ હતો અને સર્વ વ્યવસ્થા પણ તેજ કારણને લીધે વધારે ચઢિઆતી હતી.

પૅરીસમાં પણ મિસ નાઇટીંગેલને દવાખાનામાં 'સર્જરી'(શસ્ત્ર વિદ્યા)નો અભ્યાસ કરવાનો પ્રસંગ મળ્યો. ત્યાંની સિસ્ટર્સની સાથે તેમણે અનાથ લોકેાનાં ઘરની મુલાકાત લીધી અને યોગ્ય રીતે દાન કરવાના સર્વ પ્રયોગ ઘણી ઝીણવટથી તેમણે જોયા અને સર્વની નોંધ લઈ લીધી. આ મુસાફરી કરતાં કરતાં તે સખત માંદગીને વશ થયાં અને તેથી તે સિસ્ટર્સની સારવાર કરવાની કુશળતા અને કાળજીનો તેમને પ્રત્યક્ષ અનુભવ મળ્યો.

મુસાફરી કરી શકાય એટલી શક્તિ જ્યારે તેમનામાં આવી ત્યારે તે પોતાને ઘેર પાછાં આવ્યાં અને ઍમ્બ્લી પાર્ક તથા લીહર્સ્ટની ખુલ્લી હવામાં રહીને પોતાની તબીયત સુધારી દીધી. ત્યાં રહીને પણ આસપાસના લોકોને ઘેર જઇને દાન વગેરેનાં પરોપકારનાં કાર્ય તો એ કર્યા જ કરતાં હતાં, નર્સીંગમાં તેમની કુશળતા જોઈને ગામડીઆ લોકો તો છક જ થઈ જતા હતા. ભલા ભલા શીખેલા દાક્તરો કરતાં પણ તેમને હાડવૈદું વધારે સારી રીતે આવડતું એમ લેાકેાનો મત હતો.

ઍમ્બ્લીમાં જ્યારે એ રહ્યાં ત્યારે મિ. અને મિસીસ સિડની હર્બટનાં પરોપકારનાં કાર્યમાં તે ઘણા ઉત્સાહથી ભાગ લેતાં હતાં. તેમનું ઘર તેમની નજીક જ હતું એટલે જવા આવવાનું ઘણું અનુકૂળ હતું. આ પરોપકારી દંપતીએ બાળકો માટે એક દવાખાનું, તથા નિશાળો સ્થાપી હતી, તેમજ અનાથ સ્ત્રીઓના હિતને માટે પણ અનેક ઉપાય યોજ્યા હતા.

મિસ નાઇટીંગેલની તબીયત જ્યારે બરાબર સુધરી ત્યારે તે લંડનમાં જઈને કામ કરવા લાગ્યાં. લંડનમાં વસતી ઘણીક ગૃહસ્થની સ્ત્રીઓ ગરીબાઈને લીધે અનેક સંકટ વેઠતી હતી. તેમની દયાર્દ્ર સ્થિતિ જોઈને માયાળુ મિસ નાઇટીંગેલને ઘણી જ દયા ઉપજી, તેવી અનાથ સ્ત્રીઓનું છુપું દુઃખ ટાળવાની તેમને ઉત્કંઠા થઈ, અને તેથી જ તેવી સ્ત્રીઓને કાંઈ ઉપયોગી ઉદ્યોગની કેળવણી આપવી જોઇએ એવો તેમનો નિશ્ચય થયો. ઉછરતી છોકરીઓને તો નર્સનું ને 'ડીકનેસ' નું શિક્ષણ લેવાને તેમણે ઉશ્કેરી. પરંતુ જેઓ મોટી ઉમરનાં હતાં, અને જેમનાથી શિક્ષણ લઈ શકાય એવી સ્થિતિ નહોતી તેમનું કાંઈ ભલું કરી શકાય એ હેતુથી તેમણે "અનાથ સ્ત્રી શિક્ષકોના આશ્રમ" ની દેખરેખ રાખવા માંડી. તે વખતે સ્ત્રી શિક્ષકોને પગાર બહુ જ જુજ મળતો, ને તેમની સ્થિતિ ખરેખર ઘણી જ દયાજનક હતી. તેમનાં શેઠ શેઠાણી ધણી કઠોરતાથી તેમની સાથે વર્તતાં, અને અનેક રીતે તેમને કાયર કરતાં. વળી જ્યારે વૃદ્ધાવસ્થા થતી, અથવા માંદગીને લીધે કામ કરવાને અશક્ત થાય ત્યારે તે તેમને કોઇનો જ આશરો નહિ. આવી સ્ત્રીએાને માટે જ આ આશ્રમ હતો. ત્યાં રહ્યાથી મિસ નાઇટીંગેલને એક મોટો લાભ એ મળ્યો કે જે જ્ઞાન કૈસરવર્થમાં તેમને મળ્યું હતું તેને ઉપયોગમાં લાવવાનો પ્રસંગ મળ્યો તથા કોઈ પણ મેાટી સંસ્થાની વ્યવસ્થા કેવી રીતે રાખવી જોઇએ તેનો પણ અનુભવ મળ્યો. અવ્યવસ્થા તથા પૈસાની તંગીને લીધે આ આશ્રમ તુટી જવા જેવો થઈ ગયો હતો, તે વખતે ફ્લૉરેન્સે કુશળતા વાપરીને પાછો ઠેકાણે આણ્યો. પોતાના મિત્રો પાસેથી પૈસા ઉઘરાવ્યા, અને લોકેાને તેનો ખરો ઉદ્દેશ શો છે તેનો બોધ કર્યો અને અત્યંત માથાકુટ કરીને તેને અસલની સ્થિતિએ આણ્યો.

અા અાશ્રમની મુલાકાતે એક સ્ત્રી આવી હતી. તે લખે છે કે- "મિસ નાઇટીંગેલ એકી વખતે અનેક કામ કરતાં માલુમ પડે છે. માંદાએાને દવા આપવી, દરેક દર્દીઓને માટે નર્સનો બંદોબસ્ત કરવો, હિસાબ કિતાબ રાખવો એ સર્વ સાથે કરે છે."

મિસ નાઇટીંગેલ લોકેાને મળવા હળવા ઝાઝું જતાં નહિ અને પોતાના અંગત મિત્રા શિવાય ઘરમાં પણ કેાઈ સાથે મળતાં નહિ.

તેમની અથાગ મહેનતને લીધે આશ્રમની વ્યવસ્થા સુધરી અને તે ઉપરાંત તેમને ત્યાં રહીને જે અનુભવ મળ્યો તે તેમને આગળ જતાં બહુ ઉપયોગમાં આવ્યો. દર્દીના મોં આગળ શાંત આનંદી પ્રકૃતિ રાખવી, ધીરજ રાખવી, એ સર્વ તે અહીં જ શીખ્યાં. તેમની સ્વાભાવિક પ્રકૃતિ ઘણી જ સુશીલ અને માયાળુ હતી, એટલે તેમને પોતાનું કાર્ય બહુ કઠણ લાગ્યું નહિ, પરંતુ તેમની નાજુક તબીયતને લીધે તેમનાથી તનની મહેનત ઘણો વખત થઈ શકી નહિ તેથી ત્યાંથી જવાની તેમને જરૂર પડી.

તબીયત સુધારવાને ઍમ્બ્લીપાર્ક અને લીહર્સ્ટમાં પાછા તેમને રહેવું પડ્યું. થોડા મહિનાના આરામ પછી તેમણે જે જે મહાન કાર્ય કરીને પોતાની ખ્યાતિ આખા જગત્ માં ફેલાવી તેને માટે તેમને તૈયારી કરવી પડી