બંસરી/છેલ્લી ઘડીએ મહત્ત્વની સાક્ષી
← વકીલોની તકરાર | બંસરી છેલ્લી ઘડીએ મહત્ત્વની સાક્ષી રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
મારો બચાવ → |
આંસુના નીરના કો આશાના અક્ષરો,
આછા આછા તો યે લૂછશો મા !
મારા હૈયાની વાતડી પૂછશો મા.
ન્હાનાલાલ
જ્યૂરીએ ધાર્યા કરતાં વહેલો અભિપ્રાય આપ્યો. મને વધુ મતે તેમણે ગુનેગાર ઠરાવ્યો. તેમનો મત સાંભળી મેં મારું ડોકું નીચે નમાવ્યું. ન્યાય એ કેવી અટપટી ભુલભુલામણી છે તે મને પ્રત્યક્ષ થયું. હું નસીબ સિવાય કોને દોષ આપું ? જ્યૂરીવાળા ગૃહસ્થો અપ્રામાણિક હતા એમ માનવાનું કારણ નથી, તથાપિ ‘અમે બહુ જ પ્રામાણિક છીએ’ એવો પોતાને માટેનો અભિપ્રાય માણસને અજાણતાં જ નૈતિક ઘમંડમાં નાખી દે છે, અને પ્રામાણિક થવાની અને મનાવાની લાલસાથી અનેક અપ્રામાણિક વર્તનો થયે જાય છે.
સામાવાળા વકીલ નવીનચંદ્રનું મુખ પ્રફુલ્લિત થયું. ફાંસીને લાકડે ચડાવ્યાની અગર ફાંસીએ લાકડેથી બચાવ્યાની કીર્તિ એ વકીલોનું ધ્યેય હોય છે. વિજયનો પ્રભાવ જ એવો હોય છે. પરંતુ મારા વકીલ દિવ્યકાન્તના મુખ ઉપર કશો ફેરફાર થયો જણાયો નહિ. અસીલોને માટે લોહી ચૂકવ્યે વકીલોને ફાવે જ નહિ, એટલે તેમને કશી દિલગીરી થતી નહિ હોય એમ મેં ધાર્યું.
કોર્ટમાંથી કોઈ ખસ્યું નહિ. સાધારણ અવરજવર સિવાય બધા લોકો છેવટનો ચુકાદો સાંભળવા બેસી રહ્યા. આ મુકદ્દમાએ એટલું બધું લોકોનું ધ્યાન ખેંચ્યું હતું કે પરગામથી પણ સાંભળવા માટે લોકો આવી બેસતા. આ સઘળા લોકોની આંખ વારંવાર મારા તરફ દોરાતી. કોઈ મારી દયા ખાતું હશે અને કોઈ મારો તિરસ્કાર કરતું હશે, દયાની તેમ જ તિરસ્કારની એમ બંને નજરો મને અપ્રિય થઈ પડી. દૂર એક ખુરશી ઉપર કુંજલતા બેઠી હતી. તેની આંખો વારંવાર ભરાઈ આવતી મેં જોઈ.
નામદાર ન્યાયમૂર્તિ આવ્યા. તેમનું મુખ ગમગીન લાગતું હતું. ગુનાઓ અને ગુનેગારોના જ વાતાવરણમાં સદાય રહેતા ન્યાયાધીશને હસવાના પ્રસંગો જૂજ મળતા હોવા જોઈએ. છતાં તેમની ગમગીનીમાંથી પણ તેમનું ગૌરવ દેખાઈ આવતું હતું. ઓઢેલા ઝભ્ભાથી તેમનો દબદબો ઘણો વધી ગયેલો લાગતો હતો. સહુ કોઈ ઊભા થઈ ગયા, અને તેમના બેઠા પછી બેસી ગયા. એકદમ આખી કોર્ટમાં શાંતિ પ્રસરી. જે સ્થળે પ્રથમ શાંતિ રાખવા માટે કચેરીના પટાવાળાઓથી માંડી ન્યાયાધીશ સુધીના અમલદારને વખતોવખત પ્રયત્ન કરવો પડતો હતો, ત્યાં આગળ હવે એક સોય પડે તોપણ સંભળાય એવી ચુપકીદી પથરાઈ ગઈ.
મારા પગનું જોર જતું રહ્યું. મારા શરીરમાં એવી ભયાનક નબળાઈએ પ્રવેશ કર્યો કે મને મૂર્છા આવવાનો ભય લાગ્યો; મારી જીભમાંથી અમી ઓસરી ગયું; મારું હૃદય પણ ઝડપથી ધબકવા માંડ્યું. આટલી બધી મેદનીમાંથી મારો ત્રાતા એક પણ માણસ થઈ શકે એમ નહોતું. મને બીજા કેદીઓની માફક બાંધ્યો નહોતો, મને પિંજરામાં સતત ઊભો પણ રાખતા નહોતા. મારી પ્રથમની સ્થિતિનો વિચાર કરીને અગર મારી શારીરિક નબળાઈનો વિચાર કરીને બેસવા માટે ખુરશી આપવામાં આવી હતી. એ ખુરશી ઉપરથી હું જરૂર પડી જાત. પરંતુ છેલ્લી ઘડીએ મારું સ્વમાન મને એ અપકીર્તિમાંથી બચાવી શક્યું. મૃત્યુ તો છે જ, પછી સ્થિર ઊભા રહી શા માટે ન મરવું ? મારી બીક જોઈ મૃત્યુને અગર ન્યાયાધીશને મારી દયા આવવાની નથી. મેં મારા મનને મજબૂત કર્યું, અને ન્યાયાધીશનો જે ચુકાદો આવે તે સાંભળવા માટે મેં હૃદયને તૈયાર કર્યું. શો ચુકાદો આવશે. તે મારા મનથી નક્કી જ હતું; છતાં તેને માટે સર્વની માફક મને પણ જિજ્ઞાસા રહેતી જ.
ન્યાયાધીશે પાસેના એક શિરસ્તેદાર તરફ જોયું. તેણે ટાઈપ કરેલા કાગળોનો થોકડો મેજ ઉપર મૂકી દીધો. ન્યાયાધીશે કૉર્ટના ઓરડામાં નજર ફેરવી, જરા મારા તરફ દૃષ્ટિ સ્થિર કરી અને પોતાનો ઠરાવ વાંચવા માટે કાગળો હાથમાં લીધા. સહુ કોઈ તેમનું વચન સાંભળવા માટે એકાગ્ર બની ગયા. જેવો તેમણે એક બોલ કહેવાની શરૂઆત કરી કે તરત જ મારા વકીલ દિવ્યકાન્ત ઊભા થયા. ન્યાયાધીશને ઠરાવ વાંચી સંભળાવતાં વચ્ચે આવનાર વકીલની બેઅદબી તરફ વકીલમંડળે મુખથી નાખુશી દર્શાવી . આ બધું બન્યું તે એટલી ઝડપથી બન્યું કે તેમાં આટલું લખવા જેટલો પણ વખત ભાગ્યે વ્યતીત થયો હોય. ન્યાયાધીશે પણ કંટાળા ભરેલી દૃષ્ટિએ મારા વકીલ સામે જોયું. વકીલ બોલ્યા :
‘નામદાર સાહેબ ! આ ઠરાવ વાંચવાનું આવતી કાલ ઉપર મુલતવી રહે તો ઘણું સારું.’ 'હવે મારાથી સમય ફેરવાય નહિ. એક વખત હું જાહેર કરી ચૂક્યો છું, ન્યાયાધીશે કહ્યું.
‘માનવંતા સાહેબ ! મારી ખાસ વિનંતિ છે. મારા વિદ્વાન મિત્ર પણ એ સંબંધમાં વાંધો નહિ લે.’
'હું શા માટે વાંધો ન લઉં ? મારો ખાસ વાંધો નોંધી રાખવાની જરૂર છે. આવી છોકરવાદી કરવાથી અસીલોનો બચાવ કરવાનો પ્રયત્ન સફળ થવાનો નથી. ઊલટું ન્યાયના કામમાં ઢીલ થાય છે.’
મારા વકીલે કહ્યું : ‘મારે ખાસ કારણ ન હોત તો હું વચ્ચે બોલત જ નહિ.’
આ બધી વાતચીત દરમિયાન કોર્ટમાં અશાંતિ ફેલાઈ ગઈ. શા માટે મારા વકીલ ઠરાવ વાંચવાનો સમય લંબાવવા માગે છે તે કોઈથી સમજી શકાયું નહિ. મને પણ મારા વકીલનું આવું વર્તન ઠીક ન લાગ્યું. આવી નજીવી યુક્તિઓથી મરતા માણસને બચાવી શકાય જ નહિ.
ન્યાયાધીશે પૂછ્યું :
'તમારે શું કારણ છે ?'
‘કારણ પૂછવા માટે નામદારનો હું આભારી છું. મારું કારણ આ રહ્યું .’ એટલું કહી. જરા આગળ જઈ એક નાના કાગળના પરબીડિયાને તેમણે ન્યાયાધીશના મેજ ઉપર મૂકી દીધું.
નવીનચંદ્ર ખૂબ ગુસ્સે થયા અને બોલી ઊઠ્યા :
‘આ બધું ધોરણ વિરુદ્ધનું વર્તન થાય છે.’
પરંતુ ન્યાયાધીશે તે સાંભળતાં જ પરબીડિયામાંથી કાગળ કાઢ્યો અને વાંચી એકદમ વિચારમાં પડી ગયા. આખી કૉર્ટ પાછી શાંત થઈ ગઈ. ન્યાયાધીશે ખિસ્સામાંથી ઘડિયાળ કાઢી જોયું અને બોલ્યા :
‘સાડાપાંચ થવા આવ્યા છે. જરૂર હોય અને બંને પક્ષના વકીલોને હરકત ના હોય તો એક કલાક કૉર્ટનો વખત વધારીએ.'
‘એ પ્રમાણે કરવાનું કારણ જણાવવું જોઈએ. નામદાર કોર્ટ તરફથી નવા વકીલોને રાહત મળે એ વિષે મારો વાંધો નથી , પણ આ કામે આરોપીના વકીલ ઉપર પારાવાર મહેરબાની કૉર્ટે બતાવ્યા કરી છે.’ નવીનચંદ્રે કહ્યું.
‘નવીનચંદ્ર ! આ વાંચો.' કહી ન્યાયાધીશે પેલો કાગળ તેમના તરફ ધર્યો. મેં ધારીને જોયું તો મને તાર જેવા રંગનો કાગળ જણાયો, નવીનચંદ્ર પણ પ્રથમ તો વિચારમાં પડ્યા; પણ છેવટે તેમણે કહ્યું : ‘હવે બધું કામ પૂરું થયું છે. શા માટે બિનજરૂરી હકીકત માટે આપણે થોભવું ?
‘હકીકત બિનજરૂરી જણાશે તો હરકત નહિ, પરંતુ એક કલાકમાં કાંઈ ઓછું વધતું થવાનું નથી. હું બેસવા માટે તૈયાર છું.’
એક બીજા વકીલ, જેઓ સામા પક્ષ તરફથી મદદમાં ઊભા હતા તેમણે પૂછ્યું :
ʻશી હકીકત ?ʼ
મારી નામરજી છતાં મારી શ્રવણેન્દ્ર તીવ્ર બની ગઈ. આ નવી હકીકત શી છે તે સાંભળવા હું ઉત્સુક બન્યો. મને બચાવવા માટે આ કાગળનો ટુકડો ઈશ્વરે નહિ મોકલ્યો હોય ? મને ઈશ્વર ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થઈ.
ન્યાયાધીશે તાર લઈ વાંચી સંભળાવ્યો :
“મહત્ત્વની સાહેદી પૂરી પાડવા હું સાંજે આવું છું. કૃપા કરી કામ મુલતવી રખાવો. - જ્યોતીન્દ્ર.”
‘આ પ્રમાણે જ્યોતીન્દ્ર તરફનો તાર મને બચાવ પક્ષના વકીલ તરફથી મળ્યો છે. હવે સાંજની ગાડીનો સમય થયો છે એવા સંજોગોમાં કામ આગળ ચલાવવું કે કેમ તેની હું વિદ્વાન વકીલો પાસે સલાહ માગું છું.’
આખા ઓરડામાં હોહા થઈ રહી. લોકો અરસપરસ ખૂબ જોરથી વાતો કરવા લાગ્યા, અને પોતપોતાના અભિપ્રાયો દશાવવા લાગ્યા. સહુ કોઈના મુખ ઉપર એક જાતની ખુશાલી વ્યાપી હોય એમ જણાયું. મારા આનંદનો પાર રહ્યો નહિ. એ આનંદ મારા બચાવ માટેનો નહોતો, પરંતુ મારે માથે જ્યોતીન્દ્રના ખૂનની પણ શંકા રાખવામાં આવી હતી. તેનું એકા એક નિરસન થતું હોવાથી થયો હતો. મારો એ પરમ મિત્ર જીવતો છે એ જાણતાં જ મારો આનંદ અનવધિ બની ગયો.
વકીલોએ અંદર અંદર ગુફતેગો કરવા માંડી. હિંમતસિંગ કડક મુખ કરી ઊભા થયા. તેની કડકાઈમાં ધંધાધારીની ટેવ જ હતી, નઠારા માણસની ખારીલી રેખાઓ તેના મુખ ઉપર નહોતી. કુંજલતાના પિતાનું મુખ પડી ગયું, પરંતુ કુંજલતા વારંવાર રડતી હતી. તે હવે શાંત થઈ ગઈ અને સ્થિરતાથી મારી સામે જોવા લાગી.
ન્યાયાધીશ માટેનો મારો સખત અભિપ્રાય બદલાઈ ગયો. આ ક્ષણનું ધાંધળ અટકાવવા તેમણે પ્રયત્ન કર્યો જ નહિ. તેમને લાગ્યું કે કોર્ટમાં પણ કેટલીક ક્ષણો એવી આવે છે કે જે ક્ષણોએ કોર્ટ ગાંભીર્ય સાચવવાને બદલે ભેગી થયેલી મંડળીની કુતૂહલની લાગણી સંતોષાવા દેવી. તેઓ પણ એક પછી એક સારા વકીલોને પાસે બોલાવી જેમનો તેમનો અભિપ્રાય લેતા હોય એમ દેખાયું.
છેવટે તેમણે જરા મેજ ઠોક્યું. સહુ કોઈ વાત કરતું બંધ પડી ગયું. અને દરેકનું લક્ષ ન્યાયાધીશ તરફ દોરાયું.
તેમણે ગંભીર અવાજે કહ્યું :
‘જે બાજુએથી જ્યોતીન્દ્ર આવે છે તે બાજુની ગાડી સ્ટેશને ક્યારની ગઈ હશે. જો આ તાર ખરો હશે તો તેમના સંબંધી ખબર આપણને પા કલાક કે અડધા કલાકમાં મળી જશે. દિવ્યકાન્ત જણાવે છે કે તેમણે તેમનો ખાસ માણસ સ્ટેશને મોકલ્યો છે એટલે આ મહત્ત્વનાં કામે થોડી વાર થોભવા પૂરતી શાંતિ આપણે બતાવી શકીશું.’
એટલામાં બારી પાસે બેઠેલાં માણસોમાં ગરબડ થઈ રહી. એ લોકોએ બહારની બાજુએ આંગળીઓ કરવા માંડી. મારાથી જરા પણ ખસાય એમ નહોતું. બધા જ લોકો ઊભા થઈ ગયા, અને બહાર નજર નાખવા મંડ્યા. એક પછી એક ધક્કાધક્કી કરી બારી તરફ જવા લાગ્યા. પરંતુ એટલામાં જ કૉર્ટના બારણામાં ઝડપથી ત્રણ વ્યક્તિઓએ પ્રવેશ કર્યો, અને મને લાગ્યું કે મારું હૃદય ધડકતું બંધ થઈ ગયું.