બંસરી/જ્યોતીન્દ્રની નોંધ-૨
← જ્યોતીન્દ્રની નોંધ | બંસરી જ્યોતીન્દ્રની નોંધ રમણલાલ દેસાઈ ૧૯૩૧ |
જ્યોતીન્દ્રની નોંધ → |
વીજલડી હો ! ઊભા જો રહો તો,
દિલની પૂછું એક વાતલડી રે !
દિનને દીનાનાથે અજવાળાં આપિયાં,
અંધારી કેમ કરી રાતલડી રે !
ન્હાનાલાલ
"પોલીસ કમિશનર યુરોપિયન છે. મારા ઉપર તેમને ઘણો વિશ્વાસ છે. મને ગુનાઓની તપાસનો ઘણો શોખ છે. હું નાનો હતો ત્યારથી મને ગુનાઓનાં વર્ણનો વાંચી તેમાંથી રહસ્ય તારવી કાઢવાનો રસ પડ્યો હતો. અહીં કૉલેજનો અભ્યાસ પૂરો કરી બૅરિસ્ટર થવા હું વિલાયત ગયો ત્યારે એક સારા ગુનાશોધકનો પરિચય થયો. તેણે મને એ વર્ગના બીજા નિષ્ણાતો સાથે સંસર્ગમાં આણ્યો. સ્કૉટલેંડ યાર્ડની સરકારી સંસ્થામાં પણ જાણીતો થઈ ગયો. કમિશનર સાહેબ એ વખતે સ્કૉટલેંડ યાર્ડની પદ્ધતિઓનો અભ્યાસ કરવા માટે વિલાયત આવ્યા હતા. મારા જેવા એક હિંદીને એ સમાજમાં ફરતો જોઈ તેઓ નવાઈ પામ્યા, અને મારી સાથે બહુ માયાભર્યું વર્તન રાખવા લાગ્યા. તે જ અરસામાં નિવૃત થયેલા બે યુરોપિયન અમલદારોનાં ખૂન અને એક પારીસમાં રહેતા ગુજરાતી ઝવેરીના ઝવેરાતની મોટી ચોરી થઈ તેની ચર્ચા પેપરોમાં ઘણી ચાલતી; અને સરકારી પોલીસખાતું તેમ જ ખાનગી ધંધો કરનાર ગુનાશોધકોમાં ખળખળાટ થઈ રહ્યો હતો."
“મેં કમિશનર સાહેબને એ ત્રણે ગુનાઓ સંબંધી મારી જાતે કરેલ તપાસની બાતમી આપી. તેમને મારી બાતમી સારી લાગી અને મારી સંભાવના - Theory પ્રમાણે કામ કરવા પૂરતી સહાય અપાવી. પરિણામે ત્રણે કામમાં મને અને કમિશનર સાહેબને જશ મળ્યો. કમિશનર સાહેબે તેમ જ બીજા નિષ્ણાતોએ ખુલ્લી રીતે મારાં વખાણ કરી મને ઘણો ચઢાવ્યો, હિંદી વજીર સાથે મારી મુલાકાત કરાવી અને આવા કાર્યમાં રોકવા માટે આખી બ્રિટિશ સલ્તનતનો પરવાનો મને અપાવ્યો.
"ત્યારથી કમિશનર સાહેબની મારા ઉપર કૃપા ચાલુ જ છે. મને અંગત મિત્ર તરીકે ગણી તેઓ માન આપે છે, અને ગૂંચવણ ભરેલાં કાર્યોમાં મને સહાય અર્થે ખુલ્લા દિલથી બોલાવે છે."
"મારા સરખા બિનનોકર અને બહારના માણસને આવું મહત્વ મળ્યા કરે એ પોલીસખાતાના ઘણા અમલદારોથી સહ્યું જતું નથી. મારા કાર્યની વિરુદ્ધ તેઓ ઘણુંખરું પડે છે એટલું જ નહિ, પણ મારું કાર્ય સફળ ન થાય એ અર્થે ગુનાઓ છુપાવવાની પણ કેટલીક તરકીબો રચે છે. આ ઈર્ષા સકારણ છે એમ ધારી હું તે અમલદારોનાં કાર્યોની પરવા કર્યા વગર કમિશનર સાહેબના વિશ્વાસ ઉપર મારું કાર્ય કર્યો જાઉં છું."
"બંસરીના ખૂન સંબંધી કમિશનર સાહેબ આગળ મારા જતા પહેલાં ખૂબ ચર્ચા થઈ ગઈ હતી. ખૂનનો જેને માટે સંશય હતો. તે સુરેશ મારો અંગત મિત્ર હતો, એ વાત કમિશનર આગળ ભાર મૂકીને કહેવાઈ ગઈ હતી; અને તેટલા કારણથી મને આ કાર્યમાં બિલકુલ ન રોકવો એવી ઘણા ડાહ્યા ને પક્વ અમલદારોએ સલાહ પણ આપી. હું ગયો તે વખતે એ જ પ્રશ્ન ચર્ચાતો હતો."
“હું જાણી જોઈને સુરેશને મારી સાથે લઈ ગયો હતો. મારી ખાતરી હતી કે તેના વિરુદ્ધ વાતાવરણ જામી ગયેલું જ હશે. છતાં તેના દેખાવની અમલદારો ઉપર શી છાપ પડે છે તે જોવા ખાતર મેં એને કમિશનરના ઓરડામાં જ લીધો અને તેને પોલીસના અભિપ્રાય મુજબ શકદાર તરીકે ઓળખાવ્યો. કમિશનરે સ્વાભાવિક રીતે અને અત્યંત વિવેકપુરસર શકદારની હાજરીમાં ચર્ચા ન કરવા જણાવી સુરેશને બહાર બેસાડવા ફરમાન કર્યું. સુરેશને આ ન ગમે એ હું જાણતો હતો, પરંતુ કમિશનરનું કહેવું ખોટું નહોતું, એટલે મેં પણ તેને બહાર બેસવા જણાવ્યું."
"પછી કમિશનર સાહેબે સઘળા અમલદારોને ઉદ્દેશી કહ્યું - 'તમે બધા જ્યોતીન્દ્રની સહાય લેવા ના પાડો છો, તમારું કારણ ખરું હશે, તથાપિ જો શકદાર તેનો અંગત મિત્ર હશે તો તેના બચાવનો પ્રયત્ન કરતાં તમે જ્યોતીન્દ્રને કેમ રોકી શકશો ?"
"સહુ કોઈએ કમિશનરના કથનમાં રહેલું સત્ય સ્વીકાર્યું. મેં સહુની આગળ જાહેર કર્યું કે સુરેશ મારો મિત્ર છે એ વાત ચોક્કસ છે. એટલે હું પોલીસની સાથે રહીને તપાસ કરવાનો જ નથી."
“પરંતુ કમિશનર સાહેબને મારામાં વધારે શ્રદ્ધા હતી. તેમણે કહ્યું : ‘ચોવીસ કલાક લગી હું બધી તપાસ તમને સોંપું છું. પોલીસ તમારા કહેવા પ્રમાણે જ વર્તશે. ચોવીસ કલાક વીત્યે હું બીજો હુકમ આપીશ.’"
“અમલદારોના મુખ ઉપર પ્રસરેલી નાખુશી મેં જોઈ. મેં કમિશનર સાહેબને વચન આપ્યું : ‘ગુનાની તપાસમાં હું મારા મિત્રની તરફેણ કરવાનો નથી. જો તેણે ગુનો કર્યો હશે તો હું તે બહાર પાડીશ અને પછી જ તેનો જે બચાવ જડશે તે કરીશ.’"
“અમે ત્યાંથી છૂટા પડ્યા. મેં જણાવ્યું કે મારે જરૂર પડશે ત્યારે જ હું પોલીસને હુકમ આપીશ. તે સિવાય મારે અને તેમણે જે યોગ્ય લાગે તે માર્ગે કામ કરવું."
"સ્થળ જોયા સિવાય ચાલે જ નહિ. ગુનાના સ્થળમાં કંઈક એવી ગેબી વાચા હોય છે કે મોટા ભાગનું કથન સ્થળ પોતે જ કહી દે છે. વળી સુરેશને ચીઢવવાનો પણ મેં અખતરો કર્યો. એથી હું તેની તરફેણમાં જ નથી એમ પોલીસની ખાતરી થાય અને સુરેશ પણ ગુસ્સાની ક્ષણમાં સત્યસ્ફોટન કરી દે તો મારું કાર્ય સરળ થાય એમ હતું."
“મારા પ્રયોગમાં હું સફળ થયો. સુરેશ જાણે ગુનેગાર હોય એમ દેખાડી આપતાં તે ગુનેગાર નથી જ એવી મારી ધારણા ડગલે અને પગલે સ્પષ્ટ થતી ચાલી."
“ઘર આગળ કુંજલતાનું કથન એવું થયું કે સુરેશ ગુનેગાર હોય એમ જણાય; પરંતુ ધ્યાનપૂર્વક વિચાર કરતાં ‘કુંજલતા ! જો ને આ સુરેશ-' એટલા અધૂરા શબ્દો સુરેશને ગુનેગાર ઠરાવવા માટે પૂરતા નહોતા. તે શબ્દો ઉપરથી એટલું જ મને લાગ્યું કે સુરેશનું દૃશ્ય બંસરીને દેખાયું હોય. કાં તો સુરેશ ત્યાં હોય અથવા તો બંસરીને સુરેશનું સ્વપ્ન આવ્યું હોય. સુરેશ તે રાત્રે ઘરમાંથી બહાર નીકળ્યો નહોતો તેની મેં ખાતરી કરી લીધી હતી. બંસરી સ્વપ્નમાં નહોતી એ કુંજલતાના કથન ઉપરથી સ્પષ્ટ હતું. ત્યારે એ શબ્દોનો શો અર્થ ? સુરેશ જેવા દેખાવનું કોઈપણ માણસ ત્યાં હોવું જોઈએ."
“શંકર નામના નોકરે પણ સુરેશને જોયો હતો. એવી વાત મારી આગળ આવી હતી. આ શંકર અને બીજી બંસરી એ બે સિવાય સુરેશને નજરે જોનાર કોઈ નહોતું. બંસરી હતી જ નહિ, કુંજલતાએ તો માત્ર બંસરીનો ઉચ્ચાર જ સાંભળ્યો હતો. નજરે સુરેશને જોયેલો નહિ. ત્યારે એ શંકર પાસેથી વધારે માહિતી મળી શકે એમ મને લાગ્યું."
“શંકર પૈસે જિતાય એવો નોકર મને લાગ્યો. તેના મુખ ઉપરથી જ તે જુઠ્ઠો અને પૈસાને ખાતર ગમે તે કહે અગર કરે એવો માણસ હતો એવી મેં ખાતરી કરી લીધી. મને એમ લાગ્યું કે જો શંકર જેવા લોભી મનુષ્યનો આ કામે ઉપયોગ થયો હશે તો એનો પુરાવો અખંડિત રાખવા તેની પાછળ શંકરને ડરાવી શકે એવી કોઈ વ્યક્તિ ચોક્કસ હોવી જ જોઈએ. શંકરની પાસેથી પૂરી બાતમી કઢાવતા પહેલાં એ વ્યક્તિને જાણી લેવાની મને જરૂર લાગી.
‘એ જાણવા માટે જ મેં મારી મોટરને અટકાવવાનો દેખાવ કર્યો, અને શંકરને બોલાવી, તેની પાસે પાણી મંગાવી, તેને પૈસા આપી લલચાવવાનો ડૉળ કર્યો. શંકરની ઉપર નજર રાખનારું કોઈ હશે તો આમાંથી નીકળી આવશે એવી મારી ધારણા સફળ થઈ. પાણીનો ઘડો લાવી શંકર મારી સાથે વાતે વળગ્યો એ અરસામાં જ તેના ઉપર નજર રાખનાર પુરુષ તેને ધમકાવી અંદર મોકલવા લાગ્યો. મારો શૉફર મારી જ પાસે કેળવાયેલો હતો. એ મજબૂત અને વફાદાર નોકરને લીધે હું ઘણા સાહસોમાં ફતેહ મેળવી શક્યો છું એ મારે કબૂલ કરવું જોઈએ. મારા સહજ ઇશારાને સમજી લઈ શૉફરે તે માણસને પકડી લીધો અને તેની સાથે તે મારામારીમાં ઊતર્યો. મારે એ મનુષ્યને ઓળખી લેવો હતો; અને દસબાર સેકંડ પણ હું તેને જોઉં તો તેને ભૂલું નહિ એટલો પારખી લઉં, એ વિચારે જ મેં શૉફરને લઢવા માટે ઇશારો કર્યો હતો.'
‘એ માણસને મેં જોયો, તપાસ્યો, એટલું જ નહિ તેને હાથે કાચ વાગ્યો હતો. એની પણ માહિતી તેની જ પાસેથી કઢાવી. ખૂન થયેલા ઓરડામાંથી સુરેશનો હાથરૂમાલ અને તેના હાથની લખેલી કોઈ કવિતા મળી આવ્યાં એ વાત મને મહત્ત્વની લાગી નહિ. સુરેશ અને બંસરીને પરસ્પર પરિચય હતો જ. એટલે હાથરૂમાલ અને કવિતાઓની આપલે થાય અને તે બંસરીના મકાનમાં સહેલાઈથી મળે એમાં કાંઈ નવાઈ નહોતી. કવિતાના શબ્દો જોતાં કલાપીની ગઝલના ઉદ્ગારોમાંથી એ તૂટક શબ્દનો મેળ મળી આવતો હતો :
- * *
વગેરે મને યાદ રહેલી પંક્તિઓ ઉપરથી કાગળમાં પ્રેમપત્ર સિવાય બીજું કશું જ મહત્ત્વ નહોતું એટલું સિદ્ધ થયું.'
‘ઓરડામાં લોહી પડ્યું હતું અને છરી પણ હતી; પણ તે બંસરીનું ખૂન થયું તેથી કે બંસરીનું ખૂન કરનારને વાગ્યું હોય તેથી ? બંને સંભવિત હતાં. પેલા ગૃહસ્થના હાથ ઉપર પાટો બાંધ્યો હતો અને તેમને કાચ વાગ્યો હતો. એમ તેમનું કહેવું હતું. તેઓ ઘરના નોકર ઉપર હુકમ બજાવી શકતા હતા, છતાં અત્યાર સુધી બિલકુલ કોઈની નજરે જ પડ્યા નહોતા. મારે એ ગૃહસ્થને વધારે ઓળખવા પડશે એમ માની સુરેશને હું તેણી વિરુદ્ધ છું એવો ભાસ થવા દઈ તેને અતિશય ગૂંચવી મારા પ્રત્યેનો તેનો અણગમો વધરાવી મેં તેને છૂટો કર્યો.
સુરેશને દૂર કરવાની મારે હવે જરૂર હતી. તેથી મારી તપાસમાં વિશેષ અનુકૂળતા મળે એમ લાગ્યું.