બંસરી/જ્યોતીન્દ્રની નોંધ-૬

વિકિસ્રોતમાંથી
← જ્યોતીન્દ્રની નોંધ બંસરી
જ્યોતીન્દ્રની નોંધ
રમણલાલ દેસાઈ
૧૯૩૧
પહેલી રાત →


૩૨
જ્યોતીન્દ્રની નોંધ

આ રસતરસ્યાં બાળ
રસની રીત ન ભૂલશો;
પ્રભુએ બાંધી પાળ,
રસસાગરની પુણ્યથી.
ન્હાનાલાલ

"કર્મયોગીની સ્થિરતા ચળી. તેણે મને આ સ્થળે બિલકુલ ધારેલો જ નહોતો. તેણે એક ક્ષણમાં સ્થિરતા પાછી પ્રાપ્ત કરી અને મને પૂછ્યું :

'જ્યોતીન્દ્ર ! તું જીવતો છે ?’

'ભૂત પણ હોઉં.' મેં કહ્યું.

'તે સિવાય તું દેખાઈ શકે નહિ.’

'કર્મયોગી ! તમારી ધારણા કદી સફળ થવાની નથી. તમને ખબર તો ન હોય તો સમજી લો કે, હું જીવતો હોઈશ કે ભૂત હોઈશ તોપણ તમને મુશ્કેલી જ છે.'

‘તું શી રીતે બચી શક્યો ?’

‘હું સાચનો પક્ષ લઉં છું માટે.’

‘સત્ય અસત્યને હું ઓળખતો નથી. માનસિક બળની અમર્યાદ સત્તા પ્રાપ્ત કરવી એ સિવાય હું બીજું સત્ય જાણતો જ નથી. તું જો મારા માર્ગમાં હવે ઊભો રહીશ તો હું તને બાળી ભસ્મ કરીશ.’

“કર્મયોગીએ મારી સામે તાકીને જોયું. તેની આંખમાંથી અગ્નિ વરસતો લાગ્યો. એ ખરેખર જાણે પ્રજાળતો હોય એમ જ મને લાગણી થઈ. એક વખત મને ડર પણ લાગ્યો કે રખે ને હું ઊભો ને ઊભો પ્રજળી જાઉં? પણ મારાથી મારી આંખ પાછી ન ખસેડાઈ, ન હું પાછો ખસી શક્યો. કોઈ મહાબળવાન સત્ત્વ મારું સામર્થ્ય હરી લેતું હોય એમ મને અનુભવ થયો. હું પડી તો નહિ જાઉં, એવી ભીતિ લાગી. હું ખરેખર હાલી ગયો અને દાઝી ગયો. તેની આંખ મારા તરફથી ખસતી નહોતી. માનસિક બળ શારીરિક અસરો ઉપજાવે એ મને નવાઈ જેવું લાગ્યું. મેં આંખ ખસેડી નાંખી; મારું આખું શરીર આ પ્રયત્નમાં જાણે થાકી ગયું. પરંતુ આંખ આંખમાંથી દૂર થતાં મારી નિબર્ળતા ઓછી થઈ. જો આ ક્ષણે હું નિબર્ળતા બતાવીશ તો મારી સમગ્ર સત્તા હણાઈ જઈ. હું આ કર્મયોગીનો દાસ બની જઈશ એવો મને ભય લાગ્યો. શારીરિક બળને માટે તો હું સદા તૈયાર હતો. જ; પરંતુ આવા પ્રકારનું માનસબળ મારી સામે અથડાયું નહોતું. કોઈ દૈવી સત્તાએ જ મને મારી આંખ ખસેડી લેવાનું સામર્થ્ય આપ્યું. હું તે ક્ષણ સાચવી શક્યો. જોકે મને આ પ્રયત્નમાં ઘણો જ શ્રમ પડ્યો, છતાં કર્મયોગીના બળની મર્યાદા હું ઓળંગી શકયો. મારી આંખ ખસતાં બરોબર કર્મયોગી સમજી ગયો. તેણે કહ્યું :

’શાબાશ, જ્યોતીન્દ્ર ! તારામાં પણ બળ તો છે જ. પરંતુ હવે હું નહિ કે તું નહિ. મારા કરતાં માનસિક બળ વધારે ધરાવે એવો કોઈ હરીફ હું સહન કરી શકીશ નહિ. થોડા દિવસ તારા ઉપર પ્રયોગો કરવા પડશે.’

“આટલું બોલી જરા હસી તે ચાલ્યો ગયો. ક્યાં ચાલ્યો ગયો તે મને સમજાયું નહિ. હું જમીન ઉપર બેસી ગયો અને મેં આંખો પણ મીંચી દીધી. આખો ઓરડો મને ફરતો લાગ્યો. હું બેભાન બની ગયો.

“હું ક્યારે ભાનમાં આવ્યો તે મને ખબર નથી. પરંતુ મને ભાન આવ્યું ત્યારે બંસરી મારી પાસે બેઠી હતી. તેણે પૂછ્યું :

'હવે કેમ છે ?'

'ઠીક છે. પણ મને શું થઈ ગયું ?’

‘કર્મયોગી શું કરે છે તેની કોઈને ખબર પડતી જ નથી.’

‘આપણે ક્યાં છીએ ?’ મેં પૂછ્યું.

‘ગાડીમાં.'

“ખરે ! મને સહજ સમજાયું કે અમે રેલ્વેમાર્ગે ઝડપથી ચાલ્યાં જઈએ છીએ.

“હું બેઠો થયો. બહુ દિવસ તાવ આવવાથી જેવી અશક્તિ લાગે, તેવી અશક્તિ મારા શરીરમાં પ્રવેશ કરી ગઈ હતી. ગાડીની બારી પાસે હું બેઠો. શીળો પવન આવવા લાગ્યો એટલે મારું મન અને શરીર પ્રફુલ્લ બનવા માંડ્યાં. સંધ્યાકાળે અમે એક સ્ટેશને ઊતર્યા. મારો હાથ એક મજબૂત માણસે ઝાલ્યો, અને સ્ટેશનની બહાર જઈ એક મોટરમાં હું, બંસરી તથા પેલો મજબૂત માણસ એટલાં જણ બેઠાં.

"એક એકાંત મકાન પાસે મોટર ઊભી રહી. મને તથા બંસરીને પેલો માણસ ઘરમાં લઈ ગયો. મારામાં શક્તિ આવવા માંડી અને ખાસ કરી બંસરીને નજરે જોવાથી મને એમ જ ખ્યાલ રહ્યા કરતો કે, હું આ નિર્દોષ બાળાને બચાવવા માટે જ બહાર પડ્યો છું. હું ક્યાં હતો, ક્યાં આવ્યો, ક્યાં સુધી અહીં રહીશ, એ બધા મારા પ્રશ્નો અનુત્તર રહ્યા.

“એક દિવસ કર્મયોગીને મેં ફરી મારા તરફ આવતો જોયો. તેની આંખ સામે જોવાની મેં હિંમત કરી નહિ પરંતુ મારા મનમાં કોઈ અજબ દૃઢતાએ પ્રવેશ કર્યો. ગમે તેમ થાય તોપણ આ માયાવી કર્મયોગીની સામે થવા અને બંસરીને ઉગારવા મેં દૃઢ સંકલ્પો કરવા માંડ્યા. ક્રમે ક્રમે એ જ સંકલ્પોને લીધે મારા હૃદયનું બળ મને વધતું જતું લાગ્યું. અમારાથી નાસી જવાય એમ તો હતું જ નહિ. મજબૂત પહેરેગીરો અમને તેમ કરતાં તત્કાળ અટકાવે એમ હતું.

“રાત્રે મેં થોડું થોડું આમતેમ ફરવાનું શરૂ કર્યું. અણધારી અને અજાણી જગાએ જવાનો તો મને શોખ હતો જ, એટલે એક અંધારી ઓરડીમાં મેં પ્રવેશ કર્યો. બહારથી અંધારી દેખાતી ઓરડીની એક તડમાં નજર નાખતાં કર્મયોગીને ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠેલો જોયો. તેને જોતાં મને રાવણ અને બાણાસુર સરખી આસુરી તપશ્વર્યાનો ભાસ થયો. મારામાં અપૂર્ણ બળ આવતું જણાયું. જાણે પવિત્ર સત્ત્વોનું બધું બળ મારામાં સ્ફુરી નીકળતું લાગ્યું. હું બહુ આસ્તિક તો નથી જ; તોપણ મને એટલું સમજાયું કે કોઈ દિવ્ય સત્ત્વ મને દુષ્ટ સત્ત્વની સામે તૈયાર કરે છે ! આ મારા મનની કલ્પના પણ હોય. પરંતુ એવો જ કાંઈ ખ્યાલ મને સતત રહ્યા જ કરતો.

“એક દિવસ થોડાં વર્તમાનપત્રોનો થોકડો એક માણસ મારી પાસે મૂકી ગયો. તેમાં સહજ દૃષ્ટિ કરતાં બંસરીના ખૂન બદલ સુરેશ ઉપર ચાલતા મુકદ્દમાની હકીકત જોવામાં આવી. મને રસ પડે એ સ્વાભાવિક હતું. મને સહજ હાસ્ય પણ આવ્યું. જે બંસરીને હું મારી નજર આગળ જોતો તેનું ખૂન થયા બદલ ઝીણીઝીણી વિગતો પત્રમાં આવતી હતી. પરંતુ છેવટનો ભાગ આવતાં મારું હાસ્ય ઊડી ગયું. આખો મુકદ્દમો પૂરો થવા આવ્યો હતો. મેં માણસને બોલાવ્યો અને પૂછ્યું :

'આપણે ક્યાં છીએ?'

'મને ખબર નથી.' કહી તે ચાલ્યો ગયો. અજાણ્યા પ્રદેશમાં હું હતો. એ તો મેં સ્થળના દેખાવ ઉપરથી જ જાણી લીધું હતું. હું મારા પુરાવા સાથે અહીંનો અહીં જ રહીશ અને સુરેશનો ન્યાય લઈ જઈ તેને ફાંસી મળશે. પણ બને, ત્યારે ?

‘હું બહાર ધસ્યો. પરંતુ ઘરની બહાર જઈ શકું એવી સ્થિતિ જણાઈ નહિ. દરવાજા ઉપર માણસો ઊભા હતા તેમણે મને રોક્યો. હું શું બંદીવાન બની ગયો હતો ? મેં ઘરની બહાર નીકળવા બહુ જ ફાંફાં માયા, પરંતુ બહાર નીકળવું અશક્ય હતું. હું નિરાશ બની બેઠો. જે માણસ મારી સાથે રેલવેમાં આવ્યો હતો તે માણસ મારી પાસે આવ્યો અને મને આંખને ઇશારે માત્ર ઉપર જવા સૂચવવા લાગ્યો. મેં કહ્યું :

‘શા માટે ?’

‘હું કહું તેમ કરો.'

'તે પુરુષના મુખ ઉપર ભય અને આશા બંને જણાયાં. મારે હવે કશાથી ડરવાનું કારણ નહોતું. હું ઉપર ગયો. એક બારીમાં દૃષ્ટિ નાખી તો જોડેના એક ચોકમાં લગ્નક્રિયાની તૈયારીઓ ચાલતી જણાઈ. કુંજલતાનો મામો ત્યાં બેઠો હતો. કાંઈ નશો પાયો હોય એવી બેભાન સ્થિતિમાં બંસરીને ત્યાં બેસાડવામાં આવી, અને હું તરત સમજી ગયો. બંસરીનું લગ્ન અહીં કુંજલતાના મૂર્ખ મામા સાથે કરી નાખવામાં આવે છે એમ મને સ્પષ્ટ થયું. કર્મયોગી ચારે પાસ દૃષ્ટિ નાખતો એક ખૂણામાં ઊભો હતો. લગ્નથી ગ્રંથિત બનાવી એવાં યુગલોને પોતાની ઇચ્છા કે પાશવતાનાં સાધનો તરીકે તો આ કર્મયોગી નહિ વાપરતો હોય ? ગુરુ અને શિષ્ય શિષ્યાના સંબંધમાં પાશવતા ઊભરાતી અજાણી નથી.

“પરંતુ ના ના, કુંજલતાના મામાને દૂર કરી તેને સ્થાને કર્મયોગી બેસી ગયો. બંસરીને કાયમની પરતંત્રતામાં જકડવા કર્મયોગી તત્પર થયો હતો? કે બંસરીના આકર્ષણનો તે ભોગ બન્યો હતો ? એકાએક નીચે કૂદી પડી સમારંભમાં ભંગાણ પાડવા હું વિચાર કરતો હતો. એવામાં પેલા માણસે પાછળથી આવી મારા હાથમાં એક રિવોલ્વર મૂકી દીધી. શા માટે આ કર્મયોગીનો નોકર મને સહાય આપતો હતો. તે હું સમજી શક્યો નહિ. તેણે મને પૂછવાની પણ ના પાડી. મેં કહ્યું :

‘તું અને હું બંને મરી જઈશું ત્યારે ?’

'હરકત નહિ; આવી પરવશતા કરતાં એમાં શું ખોટું ? હું ત્રાસી ગયો છું.'

“એટલું કહી તે ચાલ્યો ગયો. લગ્નક્રિયા ચાલતી હતી. તેની વચમાં મેં બૂમ પાડી :

'બધું બંધ રાખો.'

‘સહુ કોઈ મારી તરફ જોવા લાગ્યાં. કર્મયોગી તત્કાળ મારી તરફ ફર્યો. તે હસ્યો :

‘પાંચ મિનિટ બાદ તું બંસરીને લઈ જજે, અને તારા મિત્રને બચાવજે.'

‘પરંતુ એ પાંચ મિનિટમાં તો તેનું લગ્ન થઈ જાય એમ હતું. મેં રિવૉલ્વર તાકી. બધા અટકી ગયા.

'વચ્ચે ન આવીશ, નહિ તો માર્યો જઈશ.' કર્મયોગીએ કહ્યું.

‘હું બિલકુલ સાહસિક બની ગયો. હથિયાર ન ઉપાડવાની મારી પ્રતિજ્ઞાને જૂજજાજે અપવાદો પણ છે. એવો અપવાદ કરવાની અત્યારે જરૂર જણાઈ. મેં રિવૉલ્વર ફોડી. કોઈને વાગી નહિ, તથાપિ બ્રાહ્મણો ઊઠી ગયા. કુંજલતાનો મામો પણ ખસી ગયો. પાછળથી પેલા માણસે આવી બારીએ દોરડું બાંધ્યું, અને હું નીચે ઊતરી ગયો.

'કર્મયોગીએ કોણ જાણે શું કર્યું તે સમજાયું નહિ, પરંતુ પેલો દોરડું બાંધનાર માણસ બારી ઉપર જ ઊથલી પડ્યો.

'નિમકહરામ !’ કર્મયોગી બૂમ મારી ઊઠ્યો. એવામાં મેં જ તેને ઝાલી લીધો.

‘છોડી દે. નિરર્થક ફાંફાં ન માર !' તેણે કહ્યું. હું જરા ડર્યો. તેની આંખનો મને ભય લાગ્યો. એ ક્ષણે જ મારામાં કોઈ અપૂર્વ બળ ઊભરાતું હોય એમ મને સમજાયું. મેં તેની સામે જોયું. તેણે પણ પોતાની ભયંકર દૃષ્ટિ મારી સામે ફેંકી. મને લાગ્યું કે તેની દૃષ્ટિ પ્રથમ સરખી સ્થિર નહોતી રહેતી. તારાના તેજની માફક તેની આંખનું તેજ મને હાલતું લાગ્યું. મારી આંખમાં પણ તેજ વધતું જતું હોય એમ મને ભાસ થયો. પાંચેક ક્ષણમાં તો તેની દૃષ્ટિ પાછી ખસેડી લીધી; તેનું બળ હણાઈ જતું લાગ્યું.

‘જ્યોતીન્દ્ર ! તારી સામે મારે બળ વાપરવું બંધ કરવું પડશે. તારામાં બળ ઘણું વધ્યું લાગે છે.’

‘સત્યને માટે વપરાતાં બળ જીતે જ છે. ઓ કર્મયોગી ! કમ્મને સન્માર્ગે વાળ.'

‘જગતમાં સન્માર્ગ છે જ નહિ. સર્વ માર્ગે બળ વપરાય. હું તને ખાતરી કરી આપીશ.’

‘તો બતાવ તારું બળ. કુમાર્ગે વપરાતું તારું બળ તો જો ચાલ્યું ગયું!'

કર્મયોગી ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. હું તેની પાછળ દોડ્યો, પરંતુ તે ક્યાં ગયો તેની મને ખબર પડી નહિ. મેં તેની પાછળ જવું બંધ રાખ્યું. બંસરીને મેં ઉપાડી લીધી. કુંજલતાનો મામો પણ અદૃશ્ય થઈ ગયો.

“પંજાબના કોઈ અજાણ્યા સ્થળે અમે હતાં. મેં તત્કાળ ત્યાંથી ઊપડી જવાનો નિશ્ચય કર્યો. ગાડી મંગાવી અને હું બંસરીને લઈ સ્ટેશને ગયો. ત્રણ દિવસની મુસાફરી હતી. મેં વકીલને તાર કર્યો. વધારે લંબાણ ન કરતાં હવે એટલું જ જણાવવું રહ્યું કે બંસરીને લઈને હું એવે વખતે આવી પહોંચ્યો કે આખો મુકદ્દમો એકદમ ફરી ગયો. સુરેશને ફાંસીની સજા થાત, તેને બદલે તે નિર્દોષ ઠરી છૂટી ગયો.

‘પોલીસ કમિશનરે મને આ કેસ ઉપરથી ઇલકાબ અપાવવા માટે સરકારમાં ભલામણ કરી, પરંતુ મેં નામરજી બતાવી; એટલું જ નહિ, પણ મારા કામમાં તેવો ઇલકાબ હરકતકર્તા થઈ પડે એમ જણાવી ના પાડી.

“આ કેસમાં એટલું તો મને સ્પષ્ટ થયું કે બળનો ઉપયોગ સન્માર્ગે થાય તો જ તે વિજયી બને છે."