બીરબલ અને બાદશાહ/અકલ શું નથી કરી શકતી ?

વિકિસ્રોતમાંથી
←  રાઘુ તો મહા તપશ્વિ છે ! બીરબલ અને બાદશાહ
અકલ શું નથી કરી શકતી ?
પી. પી. કુન્તનપુરી
પાનમાં પાન કયું મહોટું ? →


વારતા અઠાવનમી.
-૦:૦-
અકલ શું કરી શકતી નથી ?
-૦:૦-

વાત વીનોદ વીવેકીને, સમજી લેવાં સહેલ;

પણ સમશ્યામાં સમજી જવું, છેજ ઘણું મુશ્કેલ.

એક સમે શાહે બીરબલને કહ્યું કે,'હમણાં છે, પછી પણ છે. હમણાં છે ને પછી પણ નથી. હમણાં નથી, પણ પછી છે, ને હમણાં છે પણ પછી નથી. એ ચારે સવાલોના જવાબ આપો.' આનો બહુ વાર વીચાર કીધા પછી બીરબલે દરબારીઓની અજાયબી વચ્ચે બીરબલે કહ્યું કે, 'સરકાર ! એ ચાર સવાલમાંનો એક જવાબ તો આપની પાસે મોજુદ છે. પણ બીજા સવાલોના જવાબ મેળવવા માટે આપણે બંને નગરમાં જઇએ ત્યાં હું બાકીનાનો જવાબ આપીશ !' આ સાંભળી શાહને અજાયબી લાગી કે, એ ચાર સવાલોનો જવાબ કોઇથી અપાઈ શકવાનો જ નથી ? તેમ છતાં બીરબલની ચાલાકી જોવી કે એ કેવી રીતે સવાલોનું સમાધાન કરી બતાવે છે ?' એમ વીચારી શાહે બીરબલની વાત કબુલ રાખી. પછી બીરબલે શાહને કહ્યું કે, 'આપ યોગીનો વેશ ધારણ કરો અને હું આપનો ચેલો બનું. પછી જુઓ શહેરની ગમત ?' આ પ્રમાણે બંને જણ ગુરૂ ચેલા બની સાથે બે સમજુ બાળકોને લઇ એક શ્રીમંતની પેઢી ઉપર ગયા. તે શાહુકારને વેષધારી બીરબલે પોતાના ગુરૂ તરફ આંગળી કરી કહ્યું કે, 'શેઠજી ! આ મારા ગુરૂ છે, હું એમનો ચેલોછું. અમે બંનેએ આ ક્ષણભંગુર સંસારનો ત્યાગ કરી પરીબ્રહ્મ પરમાત્માનું ભજન કરવા વેરાગ લીધો છે. પરંતુ એક ઉપાધીને લીધે આપની પાસે આવ્યા છીએ. આપની ઉદારવૃતી, પરોપકાર બુદ્ધિ અને નમૃતા અવરણનીય પ્રકારની છે. એવી દેશ દેશાંતરમાં કીરતી ફેલાવાથી અમો આપની કાંઇક સહાયતા લેવાને આવ્યા છીએ.' આ પ્રમાણે ચેલાનું બોલવું સાંભળી શાહુકારે હાથ જોડીને કહ્યું કે, 'મહારાજ ! જો આપની ઉપાધી મારાથી દુર થઇ શકે એમ હોય તો સુખેથી આપ ફરમાવો.' ચેલાએ કહ્યું કે, આ હમારા ગુરૂનાં બે બાળક છે. તેમને ભણાવવા આ શહેરમાં રાખવાનો વીચાર છે. પરંતુ ધન વીના એ કામ પાર પડી શકે એમ નથી. એ બાળકોને ભણાવવા માટે ઓછામાં ઓછા બે હજાર રૂપીઆ જોઇએ તો આપથી સહાયતા આપી શકાય તો કહો ! જો આપ એ કામમાં મદદ કરશો તો ઇશ્વર તેનો બદલો આપને આપશે.' પછી શેઠે તરત માગણી મુજબ રકમ યોગીને ભેટ કરી. તે જોઇ ચેલાએ કહ્યું કે, 'આ ઉપકારના બદલામાં હું એમ કરવા ચાહું છું કે અકેક જોડો તમારા માથામાં મારતો જઉં, અને તમે દર જોડા દીઠ અકેક રૂપીઓ આપતા જાઓ.' ચેલાની વાત સાંભળી દુકાનપર બેસનારા અને રસ્તે ચાલનારાઓ અજાયબીમાં ગરકાવ થયા કે 'વાહ ! ઉપકારનો બદલો ઠીક ! રૂપીઆ આપવા અને જોડાં ખાવાં ? એ ખરેખર નવાઈ !' પરંતુ શાહુકાર કશું પણ ન બોલતાં તથા આ માટે જરા પણ ઉદાસ ન થતાં ગુરૂને વીનવી કહ્યું કે, 'જ્યારે આ રૂપીઆ સારા કામમાં જવાના છે તો પછી તે બદલ દર રૂપીએ જોડો સહન કરવામાં હું મારૂં મહાભાગ્ય સમજું છું ? સારા કામ માટે પ્રાણાંત સહન કરવું પડે તો પણ શું ? આમ કહી તરત શેઠે માથું નીચે નમાવ્યું. ધન્ય છે ! એવા ધનવાન ધર્માત્માઓને !

આ જોઈ ચેલાએ કહ્યું કે, 'શેઠજી ! આપની આવી ગુરૂભક્તી જોઇ હું ઘણોજ ખુશી થઇ કહું છું કે આ રૂપીઆની હવે કશી જરૂર નથી કારણ કે જે અમારે જોઇતું હતું અને જાણવાની ઈચ્છા હતી તે પ્રાપ્ત થવાથી કાર્યસિદ્ધ થયું છે. માટે આનંદમાં રહો અને સદા સુકૃત્ય કરતા રહો !' એમ કહી આગળ ચાલ્યા, ચાલતાં ચેલાએ ગુરૂને કહ્યું કે,'આ આપના પહેલા સવાલનો જવાબ કે 'હમણાં છે અને પછી પણ છે.' મતલબમાં હાલ પણ પ્રભુ કૃપાએ સર્વ સંપતીવંત આ શેઠ છે છતાં પોતાની સ્તુતીપાત્ર વૃતિ ભક્તી અને રહેણી કરણી કાયમ રહેલ છે તો આ લોક ત્યાગી પરલોક જશે તો પણ ત્યાં સત્કૃત્યના બદલામાં ઉત્તમ પ્રકારનાં સ્વર્ગ સુખ મળશે જેથી હમણાં બધી વાતે સુખી છે અને આવતે ભવે પણ સુખી છે. માટે આપના પહેલા સવાલનો જવાબ સ્વીકારી લો.'

આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી શાહ ઘણો વીસ્મય પામ્યો. આગળ ચાલતાં એક ભીખારી ભીખ માંગતા લોકોને ઉપદેશ કરતો હતો કે, 'એક ગણું પુન્ય સહસ્ત્ર ઘણો લાભ છે. હાથે તેજ સાથે છે. દયાપાત્ર રાખી જો પરોપકાર, દાન કરશો તો પ્રભુ તમને આવતે ભવ અધીક સુખ આપશે.' આ પ્રમાણે ભીખારીની દીનવાણી સાંભળી એક દયાળુ પુરૂષે પેટપુરતું ખાવાનું આપ્યું. તે લઇ ભીખારી ગામની બહાર જઇ ઝટપટ ખાવા મંડી પડ્યો. ગુરૂ ચેલો પણ તેની પાછળ પાછળ તે ખાવા બેઠેલા ભીખારીને ચેલાએ કહ્યું કે, 'દયાળુ સેવક ! અમે બંને જણ ભુખ્યા છીએ અને ભુખથી અમારો જીવ જાય છે. જો થોડું અમને આસરા જેટલું અંન ખાવા આપો તો ભગવત તમારૂં કલ્યાણ કરશે.' એવી ઘણી આજીજી કરી, પણ ભીખારી તે આજીજી તરફ જરા પણ લક્ષ ન દેતાં પેટપુજા કરવામાં પુરેપુરૂં લક્ષ આપવા લાગ્યો હતો. તે જોઇને ચેલાને રીસ ચઢવાથી તે ભીખારીને બે ચાર જોડા મારીને કહ્યું કે, 'અલ્યા અધમ ! ભીખ માગતી વખતે શો ઉપદેશ દે છે પણ તે ઉપદેશ મુજબ ચાલતો કેમ નથી ? પરભવમાં આપ્યું નથી તેથી આ ભવમાં મળ્યું નથી ! અને આ ભવમાં પણ આપતો નથી તો હવે પછીના અવતારમાં પણ કશું મળનાર નથી માટે તને, હમણાં પણ સુખ નથી અને પછી પણ નથી.' એમ કહીને શાહે કહ્યું કે, આ આપના બીજા સવાલનો જવાબ ! કે હમણાં નથી અને પછી પણ નથી.

બાદ ગુરૂ ચેલો આગળ ચાલ્યા, ચાલતાં રસ્તામાં પણ એક અતિ દુર્બલ અને ઈશ્વર ભક્તીમાં તલ્લીન એવા સાધુને જોઈ ચેલાએ બતાવ્યું કે, 'સરકાર ! આ ભક્તની પાસે હમણાં કશું પણ નથી ! પરંતુ તપ અને બગવત્‌ ભજનથી આવતા ભવમાં અપાર સુખ સમૃદ્ધીવાન થશે. માટે હમણાં નથી પણ પછી છે એ આપના ત્રીજા સવાલનો જવાબ.' એ સાંભળી શાહ આનંદમાં આવી જઇને કહ્યું કે, 'હવે ચોથા સવાલનો જવાબ મારી પાસે જ છે તે શી રીતે ? બીરબલે કહ્યું કે, 'સરકાર ! એ સવાલનો જવાબ આપની આગળ છે તે તપાસી વીચારી જુઓ કે આપ પુર્વપુણ્યના પ્રતાપથી હિંદુસ્થાનની રાજ્ય ગાદી ઉપર તખ્ત નસીન થયા છો અને કોઇ પણ પ્રકારની સંપત્તિમાં કચાસ નથી, પરંતુ આવતા ભવમાં એ સુખનું જરા પણ સુખ પ્રાપ્ત થનાર નથી, કેમકે હમણાં પુર ચઢતાંના વખતમાં આપ દયા, દાન, પરોપકાર, સાધુ સંતની ભક્તી, સારાં કૃત્ય કરવામાં પુરી ખંત અને ઈશ્વર ભજન ઉપર રૂચી રાખતા નથી તો આવતા ભવમાં સુખ સંપત્તિ શી રીતે પ્રાપ્ત થશે ? માટે ચોથા સવાલનો જબાબ એજ છે કે હમણાં છે પણ પછી નથી !' પછી આપની જેવી ઇચ્છા હોય તે ખરી.

આ પ્રમાણે બીરબલનું બોલવું સાંભળી શાહે પોતાની રેહેણી કેહેણી સુધારવા મન સાથે સત્ય પ્રતિજ્ઞા કરી અને બીરબલની બુદ્ધિ થતા તેની વિદ્વતા વિષેની ભણી જ તારીફ કરી. તથા બીરબલ પાસેથી શુદ્ધ જ્ઞાન, ભક્તી સંપાદન કરી આ લોક અને પરલોક સંબંધી યશ, લક્ષ્મી, અને ઉચ્ચ વૈભવ પ્રાપ્ત કર્યાં. બીરબલના ઉત્તમ ગુણોથી રીઝી શાહે બીરબલને અકલ બહાદુર, કવીરાય, પ્રેમ મુની, રાજા સાહેબ વગેરેના ઇલકાબ અને મોટી જાગીરો બક્ષીસ આપી આનંદસહ સત્કાર કરી જીવનનો લાવો લીધો.

સાર - દાન, દયા પરઉપકાર, સાધુ સંત, પ્રભુની ભક્તી પોતાની શક્તી પ્રમાણે કરી મનુષ જન્મ સફળ કરવો.


-૦-