બીરબલ અને બાદશાહ/આંધળો અને શાહ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કવીની કલ્પના બીરબલ અને બાદશાહ
આંધળો અને શાહ
પી. પી. કુન્તનપુરી
ચપટીમાં ઉરાડવું →


વારતા એકસો તેત્રીસમી
-૦:૦-
આંધળો અને શાહ
-૦:૦-

એક દીવસની રાતે શાહ અને બીરબલ વેશ પલટાવીને ફરવા નીકળ્યા હતા. આ બંને ફરતાં ફરતાં થોડાક છેટે નીકળી ગયા. એટલામાં એક આંધળો માણસ ખભા ઉપર પાણીનો ઘડો મુકીને અને હાથમાં એક બળતું ફાનસ લઇને તેઓને સામે મળ્યો. આંધળાઓ આવી બાબતમાં ઘણા હુંશીઆર હોય છે અને પોતાનો આવ જાવ કરવાનો રસ્તો ભુલતા નથી એ વાતથી શાહ કંઇ અણવાકેફ નહતો. છતાં હાથમાં બળતું ફાનસ જોઇને શાહ ઘણો અજાયબી પામ્યો. શાહે બીરબલને કહ્યું કે, ' એને પુછ કે તું શા માટે ફાનસ લઇને ચાલે છે ?'

એટલામાં આંધળો નજદીક આવ્યો તે જોઇ બીરબલે તેને ઉભો રાખીને પુછ્યું કે, 'અરે અંધ ! તું આ સમે ફાનસ લઇને કેમ નીકળ્યો છે ? તને તો રાત અને દહાડો, સવાર અને સાંજ, અંધારું અને અજવાળું એ બધું સરખુંજ છે. તો પછી દીવો લઇને ફરવાથી શું લાભ છે ?

આંધળો-અરે મુરખ ! આ ફાનસ કાંઇ આંખ વગરનાં આંધળાઓ માટે નથી, પણ હૈયાના ફુટેલ આંધળાઓ માટે હોય છે. અંધારી રાતના પાણીનો ઘડો લઇને હું આવું છું તે તમારા જેવા હૈયાના આંધળાને ન દેખાય કે આંખોનો આંધળો પાણીનો ઘડો ભરીને આવે છે તો તમે મને ધકો મારીને ચાલ્યા જાઓ અને મારો ઘડો પડી જાય. અને તેની સાથે હું પણ પડી જાઉં. પણ જો મારા હાથમાં ફાનસ હોય તો તમને જણાય કે, આંધળો આવે છે તેથી તમે મારાથી છેટે ખસીને ચાલ્યા જાઓ.

આંધળાની આવી ચતુરાઇ સાંભળી શાહ ઘણો ખુશી થયો. તેણે બીરબલને કહ્યું કે, ' આ આંધળાને કાંઇ ઇનામ આપવું જોઇએ.'

બીરબલ--ઠીક છે ગમે તે આપો.

શાહે તેને પાંચ મહોરો આપવા માંડી તે ન લેતાં આંધળાએ કહ્યું કે, હું ભીખારી નથી કે કોઇનું દાન લઉં.

તું જાતનો કોણ છે એમ પુછતાં તે આંધળાએ કહ્યું કે, ' હું જાતે રજપુત છું અને શાહ સલામતના લશ્કરમાં ચાકરી હતો. પણ ઘડપણ આવતાં મારી આંખો ગઇ તેથી મેં મારી ચાકરી છોડી દીધી અને ગરીબાઇમાં મારૂં ગુજરાન ચલાવું છું. મારો એક છોકરો હતો તે લડાઇમાં મરણ પામ્યો. તેનો એક ન્હાનો છોકરો છે તે મોટો થશે ત્યારે તે શાહ સલામતની નોકરીમાં જોડાશે.' શાહને તે અંધ સીપાઇની દયા આવવાથી તેણે તેનું નામ ઠામ પુછી તેને જીવીકા જેટલો પગાર બાંધી આપ્યો કે તે સુખમાં દહાડા કાઢે.

-૦-