બીરબલ અને બાદશાહ/કવીની કલ્પના

વિકિસ્રોતમાંથી
← કીર્તિને કાળ ન ખાય બીરબલ અને બાદશાહ
કવીની કલ્પના
પી. પી. કુન્તનપુરી
આંધળો અને શાહ →


વારતા એકસો બત્રીસમી
-૦:૦-
કવીની કલ્પના
-૦:૦-

એક સમે દરબાર તમામ દરબારીઓથી ભરાઇ ચીકાર થઇ ગઇ હતી. આ સમે ખુબ રંગ રાગ ઉડી રહ્યો હતો. દરબારીઓનાં મન રીઝવવા માટે ગંગ પોતાની કવીતા લલકારી રહ્યો હતો. તાનસેન તાલ લેતો હતો, તે સમયે શાહને એક કવીતા સાંભળી આવતાં કહ્યું કે, 'બીરબલ ! આ કવીતાનો જવાબ મને આપઃ-

દોહરો

કોન ચાહે બરસના, કોન ચાહે ધુપ;
કોન ચાહે બોલના, કોન ચાહે ચુપ.

અરથ--વરસાદને કોણ ચહાય છે, તડકાને કોણ ચહાય છે, બોલવા અને ચુપ રહેવા કોણ ચહાય છે ?'

બીરબલ--

દોહરો
માલી ચાહે બરસના, ધોબી ચાહે ધુપ;
શાહ ચાહે બોલના, ચોર ચાહે ચુપ.

અરથ--વરસાદને માલી ચાહે છે, અને તડકાને ધોબી ચાહે છે. શાહુકાર બોલવાને અને ચોર ચુપ રહેવાને ઇચ્છે છે,

બીરબલનો આ પ્રમાણેનો ઉત્તર સાંભળી શાહ અને તમામ દરબારીઓ ઘણા ખુશી થયા. તે જોઇ એક કવીએ હાથ જોડીને કહ્યું કે, 'સરકાર ! જો મને પરવાનગી આપો તો આ બંને દોહરાનો જુદોજ અરથ કરી બતાવું.'

શાહ કવીતાનો બહુ શોખીન હતો તેથી કવીને તેમ કરી બતાવવાની પરવાનગી આપી. એટલે તે કવી બોલ્યો કેઃ-

દોહરો
અતીકા ભલા ન બરસના, અતીકી ભલી ન ધુપ;
અતીકા ભલા ન બોલના, અતીકી ભલી ન ચુપ.

અરથ--વરસાદ વધુ વરસવાથી, તેમ તડકો વધુ પડવાથી નુકશાન થાય છે. વધુ બોલવાથી અને તેમ એકદમ ચુપ રહેવાથી પણ હાની થાય છે. આ કવીની કવીતા સાંભળી શાહ અને બીજાઓ આનંદ પામ્યા. શાહે આ કવીને તરત ઇનામ આપવાનો હુકમ કીધો.

-૦-