બીરબલ અને બાદશાહ/આ ઘોડો શું કહે છે ?

વિકિસ્રોતમાંથી
← હજામની પરીક્ષા બીરબલ અને બાદશાહ
આ ઘોડો શું કહે છે ?
પી. પી. કુન્તનપુરી
સોબત તેવી અસર →


વારતા સીતોતેરમી
-૦:૦-


આ ઘોડો શું કહે છે ?
-૦:૦-

ચાહે ચતુરને તો સહુ એમાં શું અધિરાઇ ?
પણ તસ સહુવાથી તણી ચાહ કરે સહુ ભાઈ ?

એક સમે શાહે બીરબલ પ્રત્યે કહ્યું કે ' બીરબલ ! આપણી મીત્રાઇ થઇ ત્યારથી અદ્યાપિ પર્યંત તમારા ભાષણથી નીરંતર મને આનંદ ઉત્પન્ન થયો છે પરંતુ આજે મારી એવી ઇચ્છા થઇ છે કે સુદૈવ નરના સહવાસમાં રહેનાર સ્ત્રીઓ પણ ચતુર હોવીજ જોઇએ તેથી તમારી પત્નીનું ભાષણ સાંભળવા આતુર છું માટે તમારી સ્ત્રીને મારી હજુર મોકલી દો. કારણ કે તેની બોલવા ચાલવાની કેવા પ્રકારની પદ્ધતી છે ? તે જાણવામાં આવે.

આ પ્રમાણે શાહનું બોલવું સાંભળી બીરબલે ' જેવો નામદારનો હુકમ ' એટલું બોલી પોતાને મુકામે ગયો અને બાદશાહ સાથે થએલી વાતચીત પોતાની પત્નીને કહી સંભળાવી તેથી ચતુર અને પત્નિ ધર્મને જાણનારી મનોરમા મધુર વચનો વડે બોલી "પ્રાણનાથ ! શું ચીંતા કરવા જેવું છે ? કેમકે શુદ્ધ બુદ્ધિથી શાહ મારી ચાતુર્યતા જોવા ચાહે છે તો બેધડકપણે જે પુછશે તેનો ઉત્તર આપી પાછી આવીશ માટે તે વારતાના સંબંધમાં આપ જરા પણ ખેદ કરશોજ નહી ! આપ પ્રતાપે હું શાહનેજ રીઝાવીશ.

જ્યારે ઉક્ત પ્રમાણે પોતાની સ્ત્રીનાં વચનો સાંભળ્યાં ત્યારે હીમ્મત લાવી તેને પોતાની યોગ્યતા પ્રમાણે પોશાક શણગાર અને મુલજા સાથે દરબારમાં મોકલી.

જે વખતે બીરબલની સ્ત્રીના આવવાની ખબર અકબરશાહના જાણવામાં આવી તે વખતે રાજમહેલમાં તેની રમુજ તથા વાક્ય ચાતુરી જોવા બીરાજ્યા જ્યારે બીરબલની પત્ની આવી ત્યારે તે સાથે સહેજ સુંદર મધુર મનોરંજક ભાષણ-વાતચીત થવાથી જેવી રીતે બીરબલના ભાષણથી સંતોષ અને આનંદ થતો હતો તેવોજ સંતોષ અને આનંદ થયો તેથી એક સુંદર અરબ્બી ઘોડો ખુદ પોતાને જે વ્હાલો હતો તે બક્ષીસ કર્યો તે વખતે ઘોડો ખુંખારવા લાગ્યો તે જોઇ શાહે બીરબલની સ્ત્રીને પુછ્યું કે ' બ્‍હેન આ ઘોડો શું કહે છે " દીલ્લીપતી વીર ! આ ઘોડો એમ કહે છે કે મને નામદારે તમને આજે બક્ષીસ ખાતે આપી દીધો છે માટે આજ પછી હવેથી મારા માલીક તમે છો પણ બાદશાહ સાહેબ નથી ?" આ પ્રમાણે ઉત્તર સાંભળી શાહ તેના હાજરજવાબી માટે ઘણોજ ખુશી થયો અને તે બદલ સુંદર વસ્ત્રલંકાર આપી પુર્ણ સન્માન વડે સંતોષી રજા આપી અને તે આનંદવડે પોતાને મુકામે આવી પતીને પગે લાગી બનેલી બીના વીદીત કરી તેથી બીરબલ પણ અત્યાનંદ પામ્યો.


-૦-