બીરબલ અને બાદશાહ/સોબત તેવી અસર
← આ ઘોડો શું કહે છે ? | બીરબલ અને બાદશાહ સોબત તેવી અસર પી. પી. કુન્તનપુરી |
સમસ્યા સમજવી સહેલ નથી → |
કંચન કેરી ખાણમાં, લોહમાં ન નિપજે લેશ;
સુઘડ પીતાના સુત સદા, હોયજ સુઘડ હમેશ.
એક સમય બીરબલ શહેનશાહ અકબર હજુર ગયો તે સમય પોતાના સાત આઠ વર્ષના છોકરાને સાથે લઇ ગયો હતો તેને જોઇ શાહે પુછ્યું કે, 'કેમ વજીરજાદા હીંદી બોલી આવડે છે ? શાહની સમક્ષ હાથ જોડી બીરબલ પુત્રે કહ્યું કે, ' ખુદાવીંદ ! થોડી ઘણી આવડે છે.' તે સાંભળી શાહે પુછ્યું કે, ' એનો મતલબ શું !' તે સાંભળી બીરબલના બાળકે કહ્યું કે, 'સરકાર ! થોડી ઘણી આવડે એમ કહેવાનો હેતુ એ છે કે જેઓને હીંદી બોલી ઘણી સરસ બોલતાં આવડે છે, તેનાથી મને થોડી બોલતાં આવડે છે, અને જેઓને મારા કરતાં પણ થોડી આવડે છે તેનાથી મને ઘણી આવડે છે. માટે થોડી ઘણી આવડે છે.' આ પ્રમાણેનું પ્રધાન પુત્રનું ખુબીદાર બોલવું સાંભળી શાહ આનંદ પામી સભાસદોને કહ્યું કે, 'જુઓ સોબતે અસર અને તુકમે તાસીરનો તાજો દાખલો તમારી નજર સમક્ષ મોજુદ છે ? જેમ વિદ્યા વીલાસી માલવપતી મહારાજા ભોજ આગળ એક વખત એક વિદ્વાન બ્રાહ્મણનું કુટુંબ આવ્યું હતું તેને ભોજે સરસ્વતી કુટુંબનો ચાંદ આપ્યો હતો તેમજ આ રાજાસાહેબ બીરબલનું કુટુંબ પણ બ્રહસ્પતી કુટુંબ છે. એમાં જરા પણ શક નથી, ધન્ય છે એઓના અને મારા નસીબવન્ત ભુવનને !'
સાર--પૂર્વના સંસ્કાર વગર આખું કુટુંબ બુદ્ધિવાન નીપજી જગતમાં અચળ કીરતી પ્રાપ્ત કરી શકતું નથી.