બીરબલ અને બાદશાહ/આ બેમાંથી ચોર કોણ ?
← સવાલ જવાબ | બીરબલ અને બાદશાહ આ બેમાંથી ચોર કોણ ? પી. પી. કુન્તનપુરી |
ચીઠીઓ મુકવાની યુક્તી → |
એક સમે શાહ અને બીરબલ ગરાસીઓના ગરાસ સંબંધી તકરાર ચલાવી રહેલા છે એટલામાં ઝવેરચંદ નામનો વાણીઓ આવીને શાહ સમક્ષ ફરીઆદ કરી કે, 'સરકાર ! કડવી અને મીઠી નામની મારે બે બાયડીઓ છે. આ બંનેને ઘરમાં મુકી અને ઘરની એક પેટીમાં રૂપીઆ બસો મુકી કમાવાને ખાતર બહાર ગામ ગયો હતો. બહારગામથી આવતા પેટી ઉઘાડી જોયું તો રૂપીઆ ગુમ થયલા જણાયા. આથી મેં મારી બંને બાયડીને પુછ્યું કે આ પેટીમાંથી કોણે રૂપીઆ લીધા છે ? તો કડવી કહે કે મીઠીએ લઈ વાપરી ખાધા છે, અને મીઠી કહે છે કે કડવીએ ઓંયા કીધા છે. હવે આ બેમાંથી ચોર કોણ ? તે તમે મહેરબાની કરીને મને પકડી આપો.' આ સાંભળી શાહે બંને ઓરતોને કચેરીમાં બોલાવીને શાહે કડવીને પુછ્યું કે, 'પેટીમાંથી રૂપીઆ કોણે લીધા છે?' કડવીએ કહ્યું કે, 'રૂપીઆ કેવા ને વાત કેવી ? પુછો મીઠીને ?' મીઠીને પુછતાં મીઠીએ કહ્યું કે, ' મહારાજ ! આપતો સારા નરસા માણસની પરીક્ષા કરનાર છો ? એથી વધારે શું કહું ? કડવી નાહક મારૂં નામ લે છે.' શાહે તરત સીપાઈને બોલાવીને કહ્યું કે, ' આ જે ઓરતોને કોરડાનો માર મારો, એટલે જે ચોર હશે તે તરત માની જશે.' આ સાંભળી બીરબલે શાહને કહ્યું કે,' સરકાર ! માર મારીને મનાવવું એતો અનીતી કહેવાય !' શાહે કહ્યું કે, 'તો પછી આનો ઈનસાફ શી રીતે કરવો ?' બીરબલે કહ્યું કે, 'એ ઈનસાફ તો એક માસ પછી થશે. એટલું કહી બીરબલે શાહના બાગમાંથી સાઠ દાડમ મંગાવી તે બે ઓરતોને સરખે ભાગે વેંચી આપી તેમને કહ્યું કે, 'આ દાડમ ઉપર એક માસ સુધી નીરવાહ ચલાવજો. પછી તમારો ઈનસાફ થશે.' પછી આ બે ઓરતો પોતાના ભરથારની સાથે પોતાને ઘેર આવી. એ વાતને એક માસ વીતી ગયો એટલે એ બે ઓરતો ને કચેરીમાં બોલાવી બીરબલે પુછ્યું કે,' બોલો તમે એ દાડમનું શું કીધું?' કડવીએ કહ્યું કે, ' સાહેબ તમારા કહેવા મુજબ મેં દરરોજનું અકેક દાડમ ખાઈને ત્રીસ દીવસ સુધી ગુજરાન ચલાવ્યું છે' મીઠીને પુછતાં મીઠીએ કહ્યું કે, 'ન્યાયાધીશ સાહેબ ! દરરોજનું અકેક દાડમ ખાઈને બેસી રહીએ તેથી પેટનો ખાડો બરાબર ભરાય નહીં, માટે એક રૂપીઆના પાંચ લેખે વેંચી નાખ્યા તે રૂપીઆ છ આવ્યા, તેમાંથી રૂપીઆ ત્રણના દાણા લીધા ને બાકીના રૂપીઆ ત્રણ વધ્યા છે તે આ રહ્યા. એમ કહી બીરબલની ટેબલ પર મુકી દીધા.' પછી બીરબલે ઝવેરચંદને કહ્યું કે, ' આ તારી મીઠી ઓરત સાચી છે, અને કડવી જૂઠી છે, માટે રૂપીઆની ચોરી કરનાર કડવી છે, કેમકે આખા દહાડામાં અન્ન ખાધા વગર એક જ દાડમ ખાઈને રહી શકાય નહીં.' આમ કહીને પહેલી કડવીને ખુબ ધમકી આપી તેથી તેણીએ માની દીધું અને કહ્યું કે, ' મેં એ રૂપીઆ ઉડાવી દીધા છે.' કડવીને શારી શીખામણ આપી, તેણીના પતી ના કહેવા મુજબ વરતવાનો બોધ આપી જવા દીધી. બીરબલનો આ ચમત્કારીક ઈનસાફ જોઈ તમામ દરબાર છક બની ગઈ.