બીરબલ અને બાદશાહ/કયો દેશ બેશરમી હશે ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← સોનીની ચાલાકી બીરબલ અને બાદશાહ
કયો દેશ બેશરમી હશે ?
પી. પી. કુન્તનપુરી
બુદ્ધિની બાજી →


વારતા એકસો ઓગણીસમી
-૦:૦-
કયો દેશ બેશરમી હશે ?
-૦:૦-

એક સમે શાહે બીરબલને પુછ્યું કે, 'આપણા હીંદુસ્ર્તાનમાંના કયા દેશના માણસો વધુ બે શરમી હશે ?'

બીરબલ--જહાંપનાહ ! સઘળા દેશો કરતાં વધુ બે શરમી માણસો પૂર્વ દેશના હોય છે.

શાહ--તો તેની ખાત્રી કેમ થાય ?

બીરબલ--નામવર ! થોડા વખત પછી આપને તેની ખાત્રી કરી આપીશ.

કેટલાએક દીવસ ગયા પછી બીરબલે ચારે દેશની નાયકાઓને બોલાવી શાહની હજુરમાં ઉભી રાખી. અને પછી અરજ કરી કે, ' આપના પ્રશ્નનો ખુલાસો મેળવવા દરબાર ભરવી જોઇએ કે જેથી તરત તમારી શંકાનું સમાધાન થઇ જશે. ' શાહે તેજ દહાડે દરબાર ભરી ગાન તાન શરૂ કરાવ્યાં. ગાન તાન ખલાસ થયા પછી પાછલી રાતે પહેલા પશ્ચિમ દેશની નાયકાને પુછ્યું કે, 'રાત કેટલી બાકી રહી હશે ?' તે નાયકાએ કહ્યું કે, 'ગરીબ પરવર ! થોડીજ બાકી રહી છે.' શાહે પુછ્યું કે. ' એમ તું શાના આધાર ઉપરથી કહી શકે છે ?' તે નાયકાએ કહ્યું કે, ' મારી નાથનાં મોતી થંડાં થયાં છે તે ઉપરથી કહી શકું છું કે રાત થોડી રહી છે. કેમકે પરોઢીએજ ઠંડી હવા વાય છે. ' પછી દક્ષીણ દેશની નાયકાને પુછ્યું કે, ' હવે રાત કેટલી બાકી હશે !' તે નાયકાએ કહ્યું કે, 'હમણાંજ પ્રાતઃકાળ થશે.' શાહે પુછ્યું કે, ' એમ તું શા ઉપરથી કહી શકે છે ?' તેણે કહ્યું કે, ' હજુર ! પાન ફીકું લાગે છે. ' પછી ઉત્તર દેશની નાયકાને પુછ્યું કે, ' હવે રાત કેટલી બાકી છે. ' તેણે કહ્યું કે ઘણી થોડીજ બાકી રહી છે.' શાહે પુછ્યું કે, ' એમ તું શા આધાર ઉપરથી કહી શકે છે. ' તેણે કહ્યું કે, 'સરકાર ! દીપકનું તેજ ઝાંખું લાગે છે. ' છેવટે પૂર્વ દેશની નાયકાને પુછ્યું કે, ' હવે રાત કેટલી બાકી રહી છે ?' તેણે કહ્યું કે, ' નામદાર ! મને જંગલ જવાની હાજત થઇ છે, તે ઉપરથી કહી શકું છું કે હવે રાત ઘણીજ થોડી રહી છે. ' તેનું આવું બે શરમ ભરેલું બોલવું સાંભળી શાહની બીરબલના બોલવાની ખાત્રી થવાથી શાહે બીરબલને કહ્યું કે, ' હવે પછી પુર્વ દેશના લોકોને હજુરમાં કે દરબારમાં દાખલ થવા દેવાજ નહીં.'


-૦-