બીરબલ અને બાદશાહ/નફટ નોકર અને શેઠ
← જેને મુકી લાજ તેને નાનું સરખું રાજ | બીરબલ અને બાદશાહ નફટ નોકર અને શેઠ પી. પી. કુન્તનપુરી |
એ પણ ખોયું અને તે પણ ખોયું → |
અકુલિન કુલિન થવા ચાહે પણ કદિ કુલિન બને નહિ !
શું તે કાચ તે મણિ રત્ન સમ કદિ પણ પ્રકાશી શકે સહિ ?
એક શાહુકારને ત્યાં એક સીદી નોકરી કરતો હતો. તેના ઉપર શેઠની સારી ચાહના હતી. એક સમે કાંઇ કારણસર તે નોકરને ઠપકો આપ્યો. તેથી સીદી ભાઇનો મીજાજ છેક આકાશે ઉડ્યો ! આંધળાને આંધળો કેમ કહેવાય ? ખુમારીમાં ને ખુમારીમાં બકવા લાગ્યો કે, શું મારી માએ એને માટેજ પેદા કીધો છે ? મારૂં તકદીર જોર કરશે તો-તેરે મગન બોહત હે તો મેરે ભુપ અનેક-ઠાકરને ચાકર ઘણાં અને ચાકરને ઠાકર ઘણા આવો વીચાર કરી પલાયન થયો ફરતો ફરતો દીલ્લી શહેરમાં આવી કામે વળગ્યો.
એક વખત આ શેઠ કાંઈ કારણસર દીલ્લી ગયો. રસ્તામાં તે ગુલામની શેઠને ભેટ થતાં શેઠે તેને પોતાની પાશે બોલાવી કહ્યું કે, 'કેમ અંતે તું નીમકહરામ બની બેઠો કે ? જાતપર ભાત કદી પડતી હશે ? અંતે નીચ તે કદી ઉંચ કહેવાશે ?' શેઠના રદયભેદક વાક્યો સાંભળતાંજ તે રાતો પીલો બની જઇ શેઠને કહ્યું કે, 'અરે બદમાસ બદમાસી ક્યું કરતા હે ગુલામ હોકર મુજે ગુલામ બનાના ચાહતા હે. દગા કર ઘર છોડ ઇધર ભાગ આયા. બોત દીનસે તેરા પતા લગા, અબ ચલ ઘરકું.' આ ગલે પડુ ગુલામની કઠોર વાત સાંભળતાંજ શેઠ સજ્જડ થઇ જઇને કહ્યું કે, 'નીમાજ પઢતાં મસજીદ કોટે વળગી શું ઉલટો ચોર કોટવાલને દંડશે ? અરે મુરખા ? ચોર ચંડાલ, ગુલામ બની જીંદગી ગુજારનાર તે કદી શેઠનો દાવો કરી શકે ? સીંહનું રૂપ ધારણ કરી ફરનારા શીયાલવાને સીંહની ઉપમાં આપી શકાશે ? ગુલામ તે ગુલામ ? માટે તારી નીચતા જવા દે, નહી તો તેનો તને તારો ભોગ આપવો પડશે ?' આમ તકરાર કરતા બંને જણ ખુબ લડવા લાગા. આ જોઇ તરત ચોકીદારો દોડી આવી બંનેને પકડી અદાલતમાં ઉભા કીધા. બીરબલે આ બંનેની ચમત્કારીક તકરાર સાંભળી લઇને અનુચરોને હુકમ આપ્યો કે, 'આ સામેના મકાનની જુદી જુદી બારીમાંથી ડોકી બહાર કઢાવી આ બંનેને ઉભા રાખો.' સીપાઇએ હુકમ મુજબ બંનેને ઉભા રાખ્યા તે જોઇ બીરબલે હુકમ કીધો કે જુઓ છો શું ? ગુલામનું ડોકું ઉડાવી નાંખો. આ હુકમ સાંભળતાંજ સીદી ગુલામ ડરી જઇને તરત પોતાનું ડોકું પાછું ખેંચી લીધું. અને શાહુકાર તો જરાપણ ન ડરતા અડગ થઇ ઉભોજ રહ્યો, આ જોઇ બીરબલે કહ્યું કે, ' આ બેમાંથી ખરો ગુલામ સીદી છે એમાં જરાપણ શક નથી. પોતાનો અપરાધ છુપાવવા માટે આ ખરા અને પ્રમાણીક શેઠના પ્રમાણીકપણાને ડાઘ લગાડવાને માટેજ ગળે પડ્યો છે. અલ્યા નીચ ! તારી નીચતા મુકી દઈ તારા શેઠને તાબે થા. નહી તો તારી કરણીના ફળ તને ચાખવા પડશે ?' બીરબલનો આવો કડક હુકમ થતાંજ તે ગુલામ તમામની ક્ષમા માગી પોતાના શેઠને તાબે થયો. બીરબલની આ ચમત્કારીક ઈન્સાફની ખુબીથી શાહ સહીત તમામ કચેરી ચકીત બની ગઇ.
સાર--પારકો માલ પચાવી પાડવા માટે પારકી સ્ત્રીઓનું હરણ કરવા માટે, નીચમાંથી ઉંચ થવા માટે, કદીપણ બગરૂપ ધારણ કરી બીજાને ગળે પડવાની પડેલી ખોટી ટેવને સુધારવી. આવી દાદાગીરી કરવા જતાં બળીદાન દેવું પડે છે. વાંચો કે ગુલામ હોઇ શેઠ બનવા જતા કેવીરીતે સપડાઇ ગયો. માટે સત્ય હોય તેજ પ્રકાશી નીકળે છે.