બીરબલ અને બાદશાહ/જેને મુકી લાજ તેને નાનું સરખું રાજ
← મનની મનમાં રહી | બીરબલ અને બાદશાહ જેને મુકી લાજ તેને નાનું સરખું રાજ પી. પી. કુન્તનપુરી |
નફટ નોકર અને શેઠ → |
કિંચિત કારણ કારણે નીચ નરે તજી લાજ,
દીલ્લીમાં એક કુટીલ અને પ્રપંચ રચી પોતાનો નીચ હેતુ સફળ કરનારી નઠોર નારી રહેતી હતી, તે દુષ્ટ નારીની સાથે તેણીની પડોશણને કાંઇક કારણથી તકરાર થઇ, તે પડોશણનો ઘાટ ઘડવા પોતાના છોકરાને મારી નાંખી મોટેથી બુમ મારી કે આ પાપિણીએ પ્રપંચ કરી મારા છોકરાને મારી નાખ્યો છે. આ રાંડને પકડો ! હાય ! હાયરે !! એ દુષ્ટાએ મારૂં સત્યાનાશ વાળી મુક્યું છે. એક દીવસના ઝઘડાનું આવી રીતે વેર રાખી વેરણ બની આજે મારા નિરપરાધી બાળકને હત્યારીએ પ્રાણ હરી લીધો છે ! એનો બદલો લીધા વગર કદી રહેનાર નથી ! આમ આ તે દુરાચારણી અધમ નારી પોતાના હાથે પોતાના બાળકનો નાશ કરી તે નિરદોષ પડોસણને વળગી પડીને તેને કહેવા લાગી કે, અરે પીશાચણી ! ભુંડા કરમ કરનારી ! તેં આવી રીતે લોહી પીધું ! હવે તું ક્યાં જનાર છે ! ચાલ રાંડ ચાલ ! સરકારમાં ! તારી કરણીના ફળ ચખાડું ! અરે છીનાલ ! ઘણા વખતથી તારા પાપનો ઘડો ભરાયો છે તે આજે ફોડી નાખું, જ્યારે મારા છોકરાના ખુન માટે તને શુળી ઉપર ચડેલી જોઇશ ત્યારેજ મારી ઉછળતી છાતી અને ઉકળતું રૂધીર શાંત થશે. આમ ગાળો દેતી તેને પકડી ઇનસાફની અદાલતમાં લઇ ગઇ. તમાસાને તેડું હોતું નથી. તે મીસાલે કેટલાક લોકો આ નીચ નારીનો તમાસો જોવા ગયા. ન્યાયને દીપાવનાર બીરબલ જેવા ન્યાયાધીશે આ નીચ નારીની સઘળી યકીકત સાંભળી લઇને તેની પડોશણને પુછ્યું કે, તેં આના છોકરાનું ખુન કીધું છે? તે ગરીબ બાઇએ કહ્યું કે, ના હું આ બાબતમાં કશુંએ જાણતી નથી તેણે મને ખરાબ કરવા માટે તદ્દન ખોટો આરોપ મુક્યો છે. આ માટે બીરબલે બહુ બારીકાઇ થી તપાસ ચલાવી, પણ સત્ય શું છે તે તરી ન આવવાથી અંતે બીરબલે પોતાની તર્કશક્તી ચલાવીને ફરીયાદણને કહ્યું કે, તમો બહાર જઇને બેસો. થોડા વખત પછી તમને બોલાવીશ. ફરીયાદણ બહાર ગયા પછી પ્રતિવાદણને પુછ્યું કે, જો તમે છોકરાનું ખુન કીધું નથી એમ એની ખાત્રી કરવા માટે આ અદાલતમાં બેઠેલાં તમામ લોકોની સમક્ષ તમો નાગાં થઈ જઇ ક્ષણવાર ઉભાં રહો. બીરબલનો આવો હુકમ સાંભળી તે બાઇ બોલી કે, સાહેબ, જોઈએ તે શીક્ષા કરો, પણ મારી એબ કોઇને બતાવનાર નથી. પ્રાણ કરતાં પણ મારી એબને વધારે પ્રીય ગણું છું, પછી આપ માલિક છો. આ પ્રમાણે બાઈનું બોલવું સાંભળીને તેને બહાર જવાનું કહીને ફરીયાદણને અંદર બોલાવીને કહ્યું કે, તમારા છોકરાનું આ બાઇએ ખુન કરયું છે તે સાબીત કરી આપવા માગતાં હોવ તો આ ક્ચેરી જોઇ શકે તેમ તમે તમારાં તમામ લુગડાં કાઢી નાખી નાગાં થઇ જઇ ઉભાં રહો એટલે વધુ પુરાવાની જરૂર રહેસે નહીં. આ સાંભળતાંજ પોતાની પાપી ધારણા પાર પાડવાની આશાએ ઝટ પટ નાગી થઈ જવાની તજવીજ કરવા લાગી. આ જોઇ બીરબલને ખાત્રી થઈ કે આ ફરીયાદણ હડહડતી લુચી અને દગલબાજ છે એમાં જરા પણ શક નથી. માટે એને માર મારીને જીવ મુંઝાય તેવી ગતીએ પહોંચાડ્યા વગર તે ખરી વાત કહેનાર નથી. એનો વીચાર કરી બીરબલે તેને સખ્ત માર મારવાનો સીપાઇઓને હુકમ આપ્યો. આ હુકમ થતાંજ સીપાઇઓએ માર મારી ખરી વાત કબુલ કરાવી. આ વાત સાંભળતાંજ બાદશાહ વગેરે સર્વ લોક કંપી ઉઠ્યાં. તેના ઘોર કર્મની શીક્ષા બદલ તેને જીવતી બાળી મુકવાનો અનુચરને હુકમ આપ્યો. બીરબલના આવા કઠોર હુકમે દુરાચરણીઓની છાતી વીંધી નાખી અને પહેલી બાઇને મોટા માનની સાથે અદાલતમાંથી ઘેર જવા રવાના કરી. બીરબલની આ ચમત્કારીક તપાસથી નાગરીકો અને બાદશાહ એક અવાજે વખાણ કરવા લાગ્યા. કરશે તે ભરશે બીજા શું કરશે.
સાર - દરેક માણસે દુરાચરણનો ત્યાગ કરી સદાચરણી બનવું. જુઓ પાપીઓની શી દશા થાય છે. પોતાનો દુષ્ટ હેતુ પાર પાડવા માટે પોતાનું અને બીજાનું નિકંદન કાઢવા જતાં શી હાની થાય છે તેઓ દાખલો આ વારતા પરથી લેવો.