બીરબલ અને બાદશાહ/પૃથ્વીનો મધ્ય ભાગ કયો ?
← ચપટીમાં ઉરાડવું | બીરબલ અને બાદશાહ પૃથ્વીનો મધ્ય ભાગ કયો ? પી. પી. કુન્તનપુરી |
ગપીદાસનો ગપ ગોલો → |
એક સમે શહેનશાહી જનાના મ્હોટા હીજડાએ વીચાર કીધો કે, બીરબલ હમેશા હાજર જવાબો આપી શાહના મનને રીઝવે છે, માટે તેને એવો એક સવાલ પુછવામાં આવે કે તેનો તે જવાબ ન આપી શકે; તો પછી તેની કીર્તિને ઝાંખ લાગે અને શાહની પણ પ્રીતી ઓછી થાય. આવી મતલબનો વીચાર કરી અને લાગ જોઇ શાહને હીજડાએ કહ્યું કે, 'માલીક ! મને બે સવાલ યાદ આવ્યા છે. તે બીરબલને પુછવા લાયક છે.'
શાહ--કયા બે સવાલ ?
હીજડો--માલીક ! એક સવાલ તો પૃથ્વીનો મધ્ય ક્યાં છે અને બીજો સવાલ આ દુનિયામાં સ્ત્રીઓ વધુ છે કે પુરૂષો વધુ છે ? આ બે સવાલ એવા તો ગહન છે કે બીરબલ જેવો મહાન હુશીઆર દરબારી પણ ગુંચવાયા વગર રહેશે નહીં.
શાહે હસીને કહ્યું કે, ' તું કહે છે તો એ સવાલો હું પુછીશ.' શાહને એટલા માટે હસવું આવ્યું કે જોતાતો આ સવાલ કઠણ હતા પણ બીરબલ જેવા ચતુર માણસની અકલ પાસે તે તદ્દન નહી જેવા હતા.
એક સમે દરબાર ભરાઇ હતી વચ્ચમાં શાહે બીરબલને પુછ્યું કે, ' બીરબલ ! પૃથ્વીનું મધ્ય ક્યાં છે ?'
બીરબલે તરત ઉભા થઇ દરબારના મધ્ય ભાગમાં જઇ કહ્યું કે, 'નામવર ! આ જગા પૃથ્વીનો મધ્ય ભાગ છે.'
શાહ--એજ છે એની ખાત્રી શી ?
બીરબલ--જોઇએ તો આપ માપી જુઓ, આપ જેવા મ્હોટા બાદશાહનું આ પાયતખ્ત શહેર, કે જ્યાં દેશ દેશોના વેપારીઓ પોતાનો વેપારનો માલ ખપાવવા સેંકડો નહીં પણ હજારો ગાઉ ઉપરથી આવે છે તે નહીં તો બીજો કયો પૃથ્વીનો મધ્ય ભાગ હોય ? બીરબલની આવી ચતુરાઇ જોઇ શાહ ઘણોજ ખુશી થયો. અને દરબારીઓ પણ ચકીત થયા.
દરબાર બરખાસ્ત થઇ અને શાહ મહેલમાં ગયો તે વખતે બીરબલને પણ સાથે તેડતો ગયો. ત્યાં જનાનખાનાનો વડો હાજર હતો. થોડીવાર અહીં તહીંની વાતો કર્યા પછી શાહે બીરબલને પુછ્યું કે, ' બીરબલ ! આખી દુનીયામાં પુરૂષો વધારે હશે કે સ્ત્રીઓ ?' આમ બોલતાં તે વડા હીજડાની સામે જોઇ રહ્યો.
બીરબલ આ હસવા ઉપરથી કાંઇક વાત પામી જઇને કહ્યું કે, ' માલીક ! આ જવાબ આપવો જરા કઠીણ છે કારણ કે, એમાં એક વાતનો નીર્ણય થવો જરૂરનો છે. હીજડાઓને સ્ત્રીમાં ગણવા કે પુરૂષમાં એ મોટો વાંધો છે. નથી તેઓ મરદમાં ગણાતા કે નથી ગણાતા ઓરતમાં. માટે આખી દુનીઆમાં હીજડાઓની સંખ્યા જો આપ ગણી આપો તો પછી હું મારો જવાબ આપું.'
શાહ--બીરબલ ! એ ગણત્રી થાય તેવી નથી.
બીરબલ--ત્યારે હું આપનો જવાબ શી રીતે આપી શકું ?
આ સાંભળી શાહ ખુશ થઇને તેને જવાની રજા આપી.