બીરબલ અને બાદશાહ/પ્રાણ વ્હાલો કે પ્યાર !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ચમત્કૃતિ ભરેલો પ્રશ્ન બીરબલ અને બાદશાહ
પ્રાણ વ્હાલો કે પ્યાર !
પી. પી. કુન્તનપુરી
પરીક્ષકોની બલીહારી ? →


વારતા એકત્રીસમી.
-૦:૦-
પ્રાણ વ્હાલો કે પ્યાર !
-૦:૦-
વ્હાલામાં વ્હાલું ધન, પુત, સ્ત્રી તો પણ પ્રાણ ઉપર બહુ વ્હાલ

એક દીવસે શાહ પોતાના વીલાસ ભુવનમાં બીરાજી કલોલ કરતો હતો, તે પ્રસંગે બીરબલ પણ હાજર હતો. શાહ અને બીરબલ વચ્ચે કેટલીક રાજરંગની આડી અવળી વાતો થઇ રહ્યા પછી શાહે પુછ્યું કે, 'બીરબલ ! માણસને સર્વથી વ્હાલી કઇ વસ્તુ છે !' બીરબલે કહ્યું કે, 'પ્રાણ ? એથી અધીક વ્હાલી કોઇ પણ અન્ય વસ્તુ નથી, ચાહે તે અમીર, ફકીર, દુખી કે સુખી માણસ હશે કે જાનવર હશે તો પણ પોતાના પ્રાણને બચાવવામાં વધારે ઉત્કંઠા ધરાવશે. પણ પ્રાણની રક્ષા માટે માણસ ધન દોલત કે સગા સ્નેહીઓ સંબંધીની કદી પણ પરવા રાખશે નહીં. એથી ખાત્રી થાય છે કે સર્વથી પ્રાણ વ્હાલો છે. આ પ્રમાણે વારતા ચાલી રહી છે એટલામાં શાહની એક નારી પોતાના બાળકને રમાડતી અને પ્યારથી ચુંબન લેતી હતી તે ઉપર શાહની નજર પડી, તેથી શાહને મોટો આનંદ ઉપજ્યો, તેથી તેણે બીરબલને કહ્યું કે, 'સર્વ વસ્તુ કરતાં બાળક વધારે પ્રિય લાગે છે !' બીરબલે કહ્યું કે, 'તે ખરૂં છે, પરંતુ જ્યારે માણસના પ્રાણ ઊપર આફત આવી પડે છે તે વખતે ધન, દોલત, પુત્ર પરીવાર વગેરે એક પણ પ્રીય લાગતી નથી. પણ તે તેને કંટાળારૂપ થઇ પડે છે. પોતાનો પ્રાણ કેમ બચે ? તેનીજ યુક્તીમાં ગુંથાઇ રહેવાનું પ્રીય ગણે છે.' શાહે કહ્યું કે, 'તમે કહો છો તે ખરૂં હશે, પણ તેનો અનુભવ મેળવ્યા વગર તેની મનમાં કશી અસર થતી નથી, માટે પ્રત્યક્ષ પ્રમાણથી સીધ્ધ થયેલું જોવાને આતુર છે.' તે સાંભળી બીરબલે કહ્યું કે, 'સરકાર ! થોડા દીવસમાં એનો દાખલો બતાવીશ.'

આ વાતને કેટલાક દીવસ વીત્યા પછી બીરબલે બાગની અંદર વીસ હાથનો ઉંડો ખાડો ખોદાવી પાણીથી ભરાવી તૈયાર કીધો. અને સીપાઈની સાથે બચ્છા સહીત વાંદરીને પકડી મંગાવી, શાહ પાસે જઇ કહ્યું કે, 'નેક નામદાર ! સરવથી પ્રાણ વ્હાલો કે બાળક વ્હાલું છે તેની ખાત્રી કરી આપવાનો આજે વખત છે. માટે આપ બગીચા અંદર પધારો.’ બાદશાહ તરત બીરબલની સાથે બગીચામાં ગયો. બાદશાહ અને બીરબલને આવેલા જોઇ, પ્રથમ સંકેટ કરી રાખેલ મુજબ સીપાઇએ બચ્ચા સહીત વાંદરીને ખાડામાં નાંખી ઉપરથી પાણીનો ધોધબંધ પ્રવાહ ચલાવ્યો ? આ જોઇ વાંદરી ખુબ ગભરાઇ પોતાના બાળકને છાતી સરસું વળગાડી પોતાનો બચાવ શોધવા લાગી. તે જોઈ શાહે કહ્યું કે, 'કેમ બીરબલ ! પ્રાણ વહાલો છે કે બાળક વહાલું ! જુઓ બીચારી વાંદરી પોતાના બચાનો પ્રાણ બચાવવા કેટલો બધો પ્રયત્ન કરી રહી છે ?' બીરબલે કહ્યું કે, 'જરા વાર થોભી જોયા કરો, હમણાજ તેનો દાખલો જણાઇ આવશે.' બીરબલની ઇસારત થતાજ સીપાઇઓએ પ્રથમ રચેલી યુક્તી મુજબ પાણીથી ભરેલો ખાડો ખાલી કરી નાંખી ધીમે ધીમે પાણી ખાડામાં જવા દીધું, પાણી ચઢતાં ચઢતાં છેક વાંદરાના ગળા સુધી ચઢ્યું કે તરત તેણીને બચાને બચવની આશા ફોકટછે એમ લાગવાથી, અને તેને બચાવવા જતાં મારો પ્રાણ જશે એવો વીચાર કરીને તે બીચારી વાંદરીએ નીરૂપાયથી પોતાના બચાને પગતળે ડાબી તે ઉપર ઊભી રહી પોતાનો પ્રાણ બચાવવા વળખાં મારવા લાગી. તે જોઇ બીરબલે ખાડામાંનું પાણી કાઢી નખાવીને વાંદરીને બહાર કઢાવી લઇ પછી શાહએ કહ્યું કે, 'કેમ ખાવીંદ ! અત્યાર લગી આ વાંદરીને બચું કેવું પ્યારૂં લાગતું હતું, પરંતુ જ્યારે પોતાના જીવ જવાનો વખત નજીક દેખાયો ત્યારે બચાને જીવાડવાની આશા છોડી દઇ પોતાનો પ્રાણ બચાવવા ઉપાય આરંભ્યો. એવીજ રીતે માણસને પોતાનાં બાળકો વહાલાં છે, પણ જીવ ઉપરાંત વહાલા નથી. આવી રીતે સકળ જગતનો પ્રેમ સમજી લેવો.' આ પ્રત્યક્ષ દાખલો જોઇ બાદશાહ તાજુબી પાંઈ બીરબલની અકલના વખાણ કરવા લાગો.

સાર - આ વારતા ઊપરથી એમ સાબીત થાય છે કે, આ જગત કેવળ સ્વાર્થ જેટલોજ સંબંધ રાખે છે. ગરજ સરી એટલે વૈદ વેરી બને છે, તેમ જાણી વરતનાર માણસ આ ભવ સાગર ન તરતા, મહા પાપના અધીકારી બની ફરીને ચોરાશીના ફેરામાં પડી મહા દુઃખની યાત્રા કરે છે. પોતાના પ્રાણ સમાન બીજાનો પ્રાણ ગણનારજ ઉંચ ગતીને પામે છે.

-૦-