બીરબલ અને બાદશાહ/બહુ રૂપી ઠગ
← રૂપનું પુતળુ | બીરબલ અને બાદશાહ બહુ રૂપી ઠગ પી. પી. કુન્તનપુરી |
રમલ જોનારનું અપમાન → |
દીલ્લી શેહેરમાં એક બહુ રૂપી ઠગ રહેતો હતો. તે થોડો પઇસાદાર હતો. તેના શરીરના અવયવો એવી રીતે વળતા હતા કે તે પોતાના શરીરને તથા ચેહેરાને તરેહવાર રૂપ આપી શકતો હતો. એક સમે તેણે એક ચનુર ચીતારાને પોતાને ઘેર બોલાવી પોતાની છબી પાડવા કહ્યું. ચીતારાએ તેની કીંમત ઠેરાવી થોડા દહાડામાં તેની છબી લાવવાનો વાયદો કરીને ગયો. કરેલા વાયદાની અંદર તે ચીતારો તેની છબી પાડી લાવ્યો. તે જોઇ તે માણસે પોતાનો ચેહેરો એવી રીતે ફેરવી નાખ્યો કે, તેના ચહેરામાં તથા છબીમાં આસમાન જમીન જેટલો ફરક પડી ગયો તે જોઈ ચીતારો વીચારમાં પડી ગયો કે, આમ કેમ થયું. છબી બનાવતાં પોતાનીજ કાંઇ ભુલ થઈ હશે જાણી ચીતારે ચહેરો ફરીથી ચીતરવા કબુલ થયો. થોડા દહાડામાં પોતાની ખાત્રી પુરવક કામ કરી ચીતારો પાછો આવ્યો તો તે ઠગે કાંઇક ફેરફાર કરયો. આ પ્રમાણે ચાર પાંચ વખત થતાં તે થાક્યો. ચીતારાએ વધુ ફેરફાર કરવાની ના પાડી. મેહેનતના પઇસા માગ્યા. ઠગે કહ્યું કે, મારી છબી તેં બરોબર પાડી નથી છતાં પઇસા સાના માગે છે ?
ચીતારો--પાચ છ વખત તમારી છબીમાં ફેરફાર કરવા છતાં તમે કહો છો કે, છબી બરોબર નથી એ શું ? મને મારી મહેનતના પઇસા આપો.
પઇસા સંબંધી બંને વચ્ચે તકરાર ખૂબ ચાલી. ઠગે ચીતારાને મારવાની ધમકી આપી. આ ધમકીથી ચીતારો ગભરાઈ જઈ તરત ત્યાંથી નીકળી બીરબલ પાસે આવીને તે છબી બતાવી બનેલી સઘળી હકીકત કહી બીરબલે સઘળી વાત સાંભળી લઈ વીચાર કર્યો કે, ઠગે જરૂર આ ચીતારાને છેતરયો છે તે માણસ પોતાના ચહેરામાં કોઈ પણ રીતે ફેરફાર કરી જાણનાર હોવો જોઈએ. માટે આ ચીતારાના પઇસા કોઈ યુક્તી કરી આપવા જોઈએ.
આવો વીચાર કરી બીરબલે ચીતારાને કહ્યું કે, ' તું બે ચાર દહાડા રહીને એક આરસી લઈ પેલાને ત્યાં જજે. તે વખતે મારા બે અમલદારો તારી સાથે છુપા વેષમાં આવશે. પેલા માણસને તું કહેજે કે, હું તમારી આબેહુબ છબી પાડી લાવ્યો છું. આમ કહીને આરસી બતાવજે. એટલે તેમાં તેનું પોતાનું મોંઢું દેખાશે. તે ગમે તેવો ચહેરો ફેરવશે તોપણ તેમાં તેનોજ ચહેરો જણાશે,'
બીરબલના કહેવા મુજબ ચીતારો બે દીવસ પછી એક મોટી આરસી લઈ તથા બે અમલદારોને છુપા પોશાકમાં સાથે લઈને પેલા માણસને ત્યાં જઈને કહ્યું કે, ' શેઠ ? હું તમારી અબેહુબ છબી ચીત્રી લાવ્યો છું. જુઓ,'
એમ કહી તેના મોઢા પર આરસી ધરી, આરસીમાં ગમે તેટલો મોઢામાં ફેરફાર કરે તોપણ તે ફેરફાર પ્રમાણે ચહેરો જણાય. પેલાએ જોયું કે, હવે તે ફસ્યો તો ખરો પણ ફીકર નહીં. હવે ફેરવી તોલવું પડશે. તેણે કહ્યું કે, ' તું મને આ આરસી બતાવી શું કરે છે ?'
ચીતારો--તમારી ખરેખરી છબી બતાવું છું '
ઠગ--પણ મેં તને છબી પાડવાનું ક્યારે કહ્યું છે ?
ચીતારો--શેઠ ! તમે ફરી શા માટે જાઓ છો. તમે પોતેજ મને તમારી છબી પાડવાનું કહ્યું છે. હવે મેં તમને તમારી ખરેખરી છબી બતાવી ત્યારે તમે નાકબુલ શા માટે જાઓ છો ? કરેલા ઠરાવ મુજબ મને મારા પઇસા ચુકવી આપો.
ઠગે પઇસા આપવાની ના પાડી. તે જોઈ પેલા બે અમલદારો જે એટલા વખત સુધી શેપચુપ ઉભા હતા તેઓએ કહ્યું કે, ' શેઠ ! તમારે હવે દરબારમાં અમારી સાથે આવવું પડશે. '
ઠગ--તમે મને દરબારમાં લઈ જનાર કોણ ?
તરત પેલા અમલદારોએ પોતાનો છુપો વેશ ઉતારી નાખી અને ખરા પોશાકમાં સામા જઈ ઉભા રહ્યા. આ જોઈ તે ઠગ ગભરાઈ ગયો. તેણે પેલા ચીતારાને પઈશા આપવા માંડ્યા. પણ અમલદારોએ ના પાડી, અને તેને પકડીને દરબારમાં બીરબલ આગળ જઈ ઉભો કીધો. બીરબલે તેની તપાશ કરી તેને ઠગાઈના વાંક માટે અપરાધી ઠરાવી પેલા ચીતારાને પઈશા અપાવી ઠગને ચાર માશના કેદની સજા કીધી.