બીરબલ અને બાદશાહ/બીન અકલી હજામ

વિકિસ્રોતમાંથી
← શહાણાઓની પરીક્ષા બીરબલ અને બાદશાહ
બીન અકલી હજામ
પી. પી. કુન્તનપુરી
કાળી અને બીરબલ →


વારતા એકસો અગીઆરમી.
-૦:૦-
બીન અકલી હજામ.
-૦:૦-
સમજુ સમજે સહેલમાં, વાક્ય વીષેના ભાવ; પણ શું સમજે અબુઝ નર, યુક્તી યુક્તીના દાવ.

એક વખત એક હજામને બીરબલે કહ્યું કે, 'તમે બહુ સારા કારીગર છો એમ મારા સાંભળવામાં આવ્યું છે . માટે જો તમે મારી હજામત સારી બનાવશો તો હું કાંઇક તમને આપીશ. બીરબલના આ વચનો સાંભળી હજામ તો બહુ જ ખુશી થઇ ગયો કે કાંઇક તે શું વસ્તુ છે? એમ વીચારી ખુશી થતો હજામ હજામત કરવા બેઠો, અને જેટલી પોતાનામાં કારીગરી હતી તેટલી અજમાવી. તેથી બીરબલે પણ ખુશી થઇ એક રૂપીઓ હજામને આપવા માંડ્યો એટલે હજામે કહ્યું કે, 'આપનો કરાર શું હતો ? એક રૂપીઆનો હતો કે હું કાંઇક આપીશનો હતો ? માટે મને એ રૂપીઓ જોઇતો નથી,' હજામની અકલ જોવા માટે બીરબલે કહ્યું કે, "લે ત્યારે આ બે રૂપીઆ.' અકલના બુઠા અને અંધ પાશળીઆ હજામે તે બે રૂપીઆ ન લેતા પાછા ફેંકી દઇ ને કહ્યું કે, ' મારે રૂપીઆની સરત નહોતી ફક્ત કાંઇકની જરૂર છે માટે તેજ આપો!' હજામનો આવો હઠ જોઇને શઠે શાઠ્ય સમાચરેત એ પ્રમાણને ધ્યાનમાં લઇને, હજામ ન જાણી શકે તેવી રીતે એક પાણીના ભરેલા ઘડામાં બે રૂપીઆ નાખી દીધા અને થોડીવાર પછી તે હજામને કહ્યું કે, ' પહેલા ઘડામાંથી પાણીનો ગ્લાસ ભરી લાવ.' હજામ તે ઘડામાંથી જેવો પાણીનો ગ્લાસ ભરવા જાય છે તેવો તેમાં અવાજ થયો એટલે ઘડામાં નજર કરી જોતાં બોલ્યો કે, 'બીરબલજી ! આમાં તો કાંઇક પડેલું છે.' હજામનો આ સવાલ સાંભળીને બીરબલે હજામને પુછ્યું કે, એક કાંઇક છે કે બે?' હજામે કહ્યું કે, 'દીવાન સાહેબ ! બે છે.' બીરબલે કહ્યું કે, ત્યારે તું તે લઇ લે.' આવો હુકમ થતા જ હજામે તે પાણીના ઘડામાં હાથ નાખી બહાર કહાડી જોયું તો બે રૂપીઆ જણાયા. બાદ બીરબલ ગુસ્સે થઇ કહ્યું કે, 'અલ્યા બેવકુફ ! મેં એક કામીક આપવાની સરત કરી હતી કે બેની? છતાં તે બે કાંઇક ઘડામાંથી કેમ કહાડી લીધા?' આવો પ્રશ્ન સાંભળતાં જ હજામ ગભરાઈ ગયો અને પોતાનીજ જબાનથી પોતે બંધાઈ ગયો જેથી મુંગે મોઢે પોતાનો રસ્તો લીધો.

-૦-