લખાણ પર જાઓ

બીરબલ અને બાદશાહ/બીરબલ

વિકિસ્રોતમાંથી
←  અકબર બીરબલ અને બાદશાહ
બીરબલ
પી. પી. કુન્તનપુરી
ઠગવા જતાં ઠગાણી →



બીરબલ

હવે બુદ્ધિશાળી બીરબલનો જન્મ ક્યાં અને ક્યારે થયો ? તેમજ તેણે કોની પાસે અભ્યાસ કર્યો ? મુખ્ય નામ શું હતું ? તે વિષે હજુ કશો પતો મળતો નથી. માત્ર એટલુંજ અજવાળામાં આવ્યું છે કે તેના બાપનું નામ મહિદાસ કીંવા શીવદાસ કે બ્રહ્મદાસ હતું. કેટલાક તેને બ્રહ્મ ભાટ અને કેટલાક બ્રાહ્મણ માને છે. પરંતુ ઘણાક દાખલા દલીલોથી સિદ્ધ થાય છે કે તે બ્રાહ્મણજ હતો, પરંતુ તે કઇ જાતિનો બ્રાહ્મણ હતો તે સાબીત થઇ શકતું નથી ?

બીરબલ ગરીબ પણ કુલીન હતો, હિંદી, સંસ્ક્રીત, ફારસી અને કાવ્યનું ઉંચું જ્ઞાન ધરાવતો હતો, તેમજ ઘણો ચંચલ, ચતુર, હાજર જવાબી, સમય સુચક, શુરવીર, દયાળુ અને ધર્માભિમાની હતો.

એકવાર બીરબલે વીચાર્યું કે, 'મેં બહુ પ્રયાસ વડે અનેક રત્નોનો ભંડાર એકઠો કીધો છે, પરંતુ તે અમુલ્ય રત્નોની પરીક્ષા કરનાર પુરૂષ મળે તોજ તેની ખુબી અને કીંમત પ્રસિદ્ધમાં પ્રકાશી નીકળે ! મારી ખુબીઓને જાણનાર તો હાલમાં અકબર સીવાય મારા જોવામાં આવતો નથી. તે ગુણીજનોનો દાતાર અને કદરદાન છે, જેથી ત્યાં જવાની જરૂર છે, એવો વીચાર કરી બીરબલ દીલ્લીએ જઇ દાખલ થયો, તે વખતે તેની પાસે ફક્ત પાંચ રૂપીઆજ હતા. દીલ્લી શહેરનો ઠાઠ માઠ જોઇ બીરબલ ચકીત બની ગયો. આ રંગ બેરંગી નગરની દરબારમાં દાખલ થઇ શકે એવી દશામાં ન હોવાથી તેણે પોતાના મનને ગમતો પોશાક મેળવી મોટા આદમ્બરથી રાજ દરબારમાં દાખલ થવાને માટે છડીદારને અરજ કરી, પણ છડીદારે તેની દરકાર ન કરતાં બીરબલને દરબારની બહાર હાંકી કાઢ્યો ! આ જોઇ બીરબલ વીચાર રૂપી સાગરમાં ડુબી ગોથાં ખાવા લાગ્યો. હવે શી રીતે બાદશાહની મુલાકાત લેવી ! ગમે તેમ બનો, ગમે તેમ થાઓ, પણ પાછી પાની ભરવી નહીં. કામ કીધા વગર પાછું જવું એતો કાયર માણસનું કામ છે.

બીજે દિવસે બીરબલના જાણવામાં આવ્યું કે, 'દરરોજ સવારના પહોરમાં અકબર બે કલાક મહેલના ઝરૂખામાં બેસી દરેકની ફરીયાદ સાંભળે છે.' તેથી બીરબલે રાખ ચોળી, લંગોટી પહેરી, ફાટેલી ગોદડી અને તુટેલું તુમડું લઇ ઝરૂખા નીચે જઇ બુમ મારી કે 'ફરીયાદ ! ફરીયાદ !! કરી બોલ્યો કે 'પાયા હીરા લાખકા, આયા બેચન કાજ, છીના લીયા છકડ લગા, ગોહરી દગાહી બાજ.' આ દુહો સાંભળી શાહે વીસ્મયતા સાથે પુછ્યું કે ' મારા નગરમાં તેવા કોણ શીતમગર છે ?' ત્યારે બીરબલે અનેક કવીતાઓ ગાઇ શાહને ખુશ કીધો. શાહે તરત બીરબલને પોતાની પાસે બોલાવીને અમુલ પોષાક આપી દરરોજ પોતાની પાસે આવવાની પરવાનગી આપી. છેવટે બીરબલે રૂસવતખોર છડીદારની વાત જણાવી જોહાકીદોર બંધ પડાવ્યા. કેટલીક વારતાઓ ઉપરથી શાહની સાથે બીરબલને બીજે પ્રકારે મુલાકાત થઇ હોય તેમ જણાય છે.

બીરબલની ઉંચા પ્રકારની કવીત્વ શક્તી જોઇ રાજાએ કવીરાયનો ખેતાબ આપી પ્રધાન મંડળમાં ઉંચી પદવી પર ચઢાવી રાજા બીરબલના ઇલકાબ અને નગરકોટની મોટી જાગીર આપી બીરબલની ચાતુરી અને તેની મધુરી અને રસીલી વારતાઓથી તેણે રાજાની પ્રીતી સંપાદન કરી હતી, અને તે વારતાઓ ઘેર ઘેર પ્રસરવાથી જગત જનમાં પ્રીય થઈ પડી છે. અને બીરબલના સહવાસથીજ હીંદુ ધર્મ ઉપર શાહની આસ્થા બેસવા પામી હતી.

બીરબલે કેટલીક લડાઇઓમાં વીરતા દરશાવી વેરીઓનો નાશ કરી વીજય ડંકો ગગડાવ્યો હતો. અફઘાનીસ્થાનના રોશનીઆ અને મુસુફગાઇ પઠાણ લોકોની સામે ચઢાઇ લઇ ગયો હતો અને મહા યુદ્ધ કરતાં કરતાં સંવત ૧૬૪૧માં તેનું અકસ્માત મરણ નીપજ્યું હતું અને અકસ્માત મરણની ખબર પડતાં શાહનું રૂદય વીંધાઇ ગયું હતું, એટલું જ નહીં પણ તેની દીલગીરી ઘણો સમય સુધી શાહના મનમાં નીવાસ કરી રહી હતી. એજ તેના મહાન્ ગુણોની ખાત્રી આપનાર દાખલો બસ છે ! ૩૧૪ વરસ થયાં છતાં એ મહાન પુરૂષની રમુજ આપનારી વારતાઓ હજુ સુધી ભરતખંડમાં ફુલની સુગંધી પેરે પ્રસરી રહેલી છે.


-૦-