બીરબલ અને બાદશાહ/બીરબલ સરસ કે તાનસેન ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← હાજર જવાબ બીરબલ અને બાદશાહ
બીરબલ સરસ કે તાનસેન ?
પી. પી. કુન્તનપુરી
મશ્કરીની મજાહ →


વારતા સાતમી
-૦:૦-
બીરબલ સરસ કે તાનસેન ?
-૦:૦-

દીલ્લીપતી બાદશાહની દરબારમાં બીરબલનું ચલણ વધારે હતું. બીરબલને પુછ્યા વગર બાદશાહ પાણી પણ પીતો નહીં, તેથી તમામ મુસલમાન અધીકારીઓ ઘણા નારાજ રહેતા હતા. અને નીરંતર એજ વીચાર કરતા કે આનું પાપ કેમ ટળે ? કબાબમાં હડી સરખો થઇ નડનાર બ્રાહ્મણે તમામ રાજકારોબારની સત્તા પોતાને હાથ કરી લીધી અને આપણું પાણી ઉતારી પાણીથી પાતળા બનાવી આપણી ઉપર હુકમ ચલાવે છે એ થોડી ખેદની વાત છે ? એ થોડું અપમાન છે ? એ અપમાન કેમ સહન થઈ શકે ? માટે અપમાનનો બદલો વાળવો જોઇએ ? માટે કોઇપણ પ્રકારે તેને તેના હોદ્દાપરની ભ્રષ્ટ કરાવી આપણી જાતીનાજ માણસને તેના હોદ્દાપર લાવવો. આ હોદ્દાને લાયક તાનસેન છે, જેણે પોતાના ગાયનકળાથી તમામ હીંદુ મુસલમાનોને વશ કરી લીધા છે તેથી કોઇને કાંઇ કહેવાનું રહેશે નહીં આવો ઠરાવ કરી આ ખટપટી મંડળમાંના એક અમીરે પોતાના હીરા બાગમાં તાનસેનની ગાયન કળા સાંભળવા માટે બાદશાહ સહિત તમામ અમીર ઉમરાવોને આમંત્રણ દીધું. અમીરના આમંત્રણને માન આપી બાદશાહ સહિત અમલદારો પધારી અમીરના બાગને દીપાવ્યો. ઠાઠમાઠથી શોભી રહેલા બાગને વધારે શોભાવવા માટે તાનસેને પ્રથમ દીપક રાગ છોડ્યો. તે રાગના પ્રભાવથી તત્કાળ તમામ જ્યોત પ્રકાસીત થઇને જ્યાં ત્યાં ઝગઝઘાટ કરી દીધાથી બાદશાહ અને બીજાઓ અજાયબીમાં ગરકાવ થઇ ગયા. આ અજાયબીમાં મોહીત પામેલાઓને વધારે મોહીત કરવા માટે તાનસેને સમય સમયની રાગરાગણીઓ ઉત્તમ આલાપથી ગાઇ બતાવી સકળ સભાને ચકીત કરી નાંખી ? તથા સકળ સભા આનંદમયી બની જઇ ગરજી ઉઠી કે વાહ ? રે વાહ ! તાનસેન ! તેં ઠીક રંગ જમાવ્યો છે ! શાબાશ તારી ચાતુરીને ? તાનસેન કી તાનમેં સબી બન ગયે ગુલતાન આ હરષ ગરજના શાંત પડ્યા પછી ખુશ મીજાજમાં બેઠેલા બાદશાહની શાંતવૃતી જોઇને અમીર ઉમરાવો કહેવા લાગ્યા કે, 'સીરતાજ ! બીરબલથી તાનસેન કેટલા ગુણવાન અને જ્ઞાનવાન છે ? તેનો પ્રત્યક્ષ દાખલો જુઓ ? હવે તેના વખાન કરવાની જરૂર નથી. માટે તેમની યોગ્યતા પ્રમાણે તેનો સત્કાર થવો જોઇએ ? જો એને બીરબલનો હોદ્દો આપવામાં આવે તો કોઇપણ ક રાજી નથી. સકળ સભા એજ ઉમેદ રાખે છે. આનો ઉત્તર આપતાં બાદશાહે કહ્યું કે, તમો જે કહો છો તે ખરૂં છે પણ બીરબલની તુલના થઇ શકે એમ નથી. બીરબલ તો બીરબલ જ છે. તાનસેન બીરબલની બુદ્ધિને જીતી શકે એમ નથી. તાનસેન ગાયનકળાનો રાજા છે પણ રાજ રંગ શું છે તેનું તેને જરાપણ ભાન નથી. તેની ખાત્રી તમોને થોડા વખતમાં કરી બતાવીશ એ પ્રમાણે વાદવિવાદ ચલાવ્યા પછી પોતે પોતાને સ્થાનકે રવાના થઈ ગયા.

બીજે દીવશે બાદશાહે ઇરાનના શાહને એક પત્ર લખ્યો કે, આપ તરફ બીરબલ અને તાનસેનને મોકલ્યા છે તેમનાં આ પત્ર વાંચતાંજ શીરચ્છેદ કરાવશો. આ મતલબનો કાગળ લખી પોતાની મહોર છાપ મારી બીરબલ અને તાનશેનને આપી કહ્યું કે તમે બંને જણ મોટા ઠાઠ માઠથી ઇરાનના શાહ પાસે જાઓ અને આ કાગળનો જવાબ લઈ આવો.

રાજાનો હુકમ થતાંજ બંને જણ મોટા ભપકાથી ઇરાનના દરબારમાં દાખલ થઇ રાજનિતિ મુજબ નમન કરી શાહના હાથમાં પત્ર મુક્યો. પત્ર વાંચતાંજ સાહે સીપાઇઓને સ્વાધીન કરી હુકમ કીધો કે, આ બંનેને લઇ જઈ મારી નાખો. શાહનો હુકમ થતાંજ સીપાઇઓએ તરત તે બંનેને પકડી લઇ ચાલ્યા. આ જોઇ તાનસેન ઘણો ભયભીત બની રડવા લાગો.

બીરબલ - કેમ તાનસેન રડો છો કેમ ? તમારૂં ડહાપણ ક્યાં ગયું દુખ વખતે ડહાયો પુરૂષ કદી પણ ધીરજ મુકતો હશે ? મારા કરતાં તમે અનેક ગુણવાન છો તેથી તમારા જાતભાઇઓએ મારી જગા તમને અપાવવા માટે બાદશાહને ભલામણ કરી છે, માટે બાદશાહે આપણા બંનેના પરાક્રમની પરિક્ષા કરવા માટે અહીં સુધી આપણને મોકલ્યા છે તેથી આપ આપના ગુણના પ્રતાપવડે માથે આવી પડેલા સંકટનું નિવારણ કરો.

તાનસેન - ભાઈ તમે મોટા પરોપકારી છો, તમારું બુદ્ધિબળ અગાધ છે, હું આપને શરણે છું. મુરખાઓઅની વાતનો અને અદેખાઓના પ્રપંચો સામે તમો જરાપણ વિચાર કરશો નહીં. એ મુરખાઓનો હું ભોગ થઇ પડ્યોછું. માટે મારી મશ્કરી ન કરતાં મારા નીકળી જતાં પ્રાણની રક્ષણ કરવાની યુક્તિ રચી મને બચાવો.

બીરબલ - ઠીક છે નીડર થઇ ઉભો એટલે સંકટ રહિત થશો ? જે વખતે આપણને આ સીપાઇઓ શીરચ્છેદ કરવા તત્પર થાય તે વખતે ઘણાજ હર્ષની સાથે મને પાછળ હઠાવી સીપાઇઓને કહેજો કે ભાઇઓ પહેલું મારૂં માથું કાપો અને હું તમને પાછળ હઠાવી કહીશ કે ભાઇ એનાથી પહેલાં મારૂં શીર છેદો એ પ્રમાણે અત્યંત ઉત્સાહ બતાવ્યા પછી મારે જે કહેવું હશે તે કહીશ.

બીરબલ અને તાનસેનને મારી નાંખવા માટે સીપાઇઓ લઇને વધ સ્થળે ઉભા કીધા તે જોઇ પ્રથમ કરી રાખેલા સંકેત મુજબ આ બણે જણે ખુબ ગડબડ મચાવી મુકી આ જોઇ તે સીપાઇઓ અજબ પામ્યા કે કાળ સમીપ ઉભો છે છતાં તેનાથી જરાપણ ન ડરતા કેવા આનંદમય બની ઉભા છે. આ બંને મુરખાઓ કહે છે કે પહેલાં મારૂં માથું કાપો અને પછી એનું કાપો આમ છે. હવે શું કરવું માટે આ ભેદી માણસોની ભેદ ભરેલી વાતોથી શાહને વાકેફ કરવા જોઇએ. પછી જેવો તેનો હુકમ. આવો વિચાર કરીને આ બંને જણને શાહની સમક્ષ ઉભા કર્યા. બંનેની હકીકતથી શાહને વાકેફ કીધો. આ હકીકત સાંભળી રાજાએ અચરત થઇ કહ્યું કે આ જગતમાં માણસને પ્રાણથી વધારે વ્હાલી બીજી કોઇ વસ્તુ નથી ? તેમ છતાં તમે બેફીકરા બની માંહોમાંહ પ્રાણ આપવા આટલા અધિરા કેમ બની ગયાછો. એમ કરવાનું કારણ શું છે. બીરબલે ધીરજથી કહ્યું કે એ વાત પૂછશો નહીં અને અમે કહેશું પણ નહીં. આ વાત કરવામાં અને અમારા રાજાને નુકશાન થાય એમ છે. અને આમ કરવામાં અમારી શાહની શી ઉમેદ છે તે કેમ પાર પડી શકે ? તમારી ઉપર જે પત્ર આવ્યો છે તેમાં કાંઇ અગત્યની મતલબ હોવી જોઇએ ? એનો વીચાર આપેજ કરી લેવો, જો અમારો પ્રાણ અમારા ધણીને લેવો હોત તો તેમાં તેમને કાંઈ મુશ્કેલ નહોતું; પણ ખાસ કારણને લીધે જ આપના તરફ માથાં વઢાવવા મોકલ્યા છે. માટે વીલંબ ન કરતાં એક્દમ મારૂં મસ્તક ઉરાડી દો અને પછી તાનસેનનું.' બીરબલના આવા મારમીક શબ્દો સાંભળી શાહે મનમાં વીચાર કરી આનું ખરૂં કારણ શું છે તે જાણવાની ઉત્કંઠાથી આ બંનેને કહ્યું કે,'જ્યાં સુધી તમે તે ખરી વાતથી મને વાકેફ કરશો નહીં ત્યાં સુધી તમારાં માથાં કાપવામાં આવનારજ નથી ? બીરબલે કહ્યું કે. 'ઠીક છે. અમારી ના નથી. પણ અમારી વાત જાણી લીધા પછી તુરત તમારો હુકમ અમલમાં મુકાવજો, અને એ વાત અમારા ખાવીંદના કાને બીલકુલ જવા દેવી નહીં ? શાહે કહ્યું કે, તે મારે કબુલ છે.' બીરબલે ધીરજથી કહ્યું કે, 'અમારા શાહને તમારૂં રાજ લેવાની બહુ ઉમેદ છે, પણ તે ઉમેદ પાર પડી શકતી નથી, કારણ આપ સિંહ સરખા બલવાન છો. એથી લડાઇ કરી આપને જીતી શકાય એમ ન જણાવાથી તે કાયર બની બેઠા હતા. હાલમાં મકેથી બાદશાહને ત્યાં એક પીરજાદા પધારેલા છે, તેમને બે હાથ જોડી પુછ્યું કે, ઇરાનનું રાજ મારા તાબામાં શી રીતે આવે ? અમારા બાદશાહને આશીરવાદ આપી પીરજાદાએ કહ્યું કે, ઇરાનનો શાહ મહા પ્રતાપી છે ! એના તપોબલને લીધે એનું રાજ તમને મળી શકનાર નથી. પણ જો તેમના હાથથી બે માણસોનો વગર અપરાધે ભોગ આપશો તો એની મેળેજ તે શાહ મરણ પામશે. તકશીર વગરના બે જણા મરાય તેમાં જે પહેલો વધ થાય તે શાહની ગાદીનો હકદાર થશે. અને પછી જે વધ થશે તે બીરબલની પદવી પામશે !' તે પીરજાદાના વચનો ઉપર ઇતબાર રાખી બાદશાહે અમને વિશેષ પ્યારના કારણથી આપની તરફ આ યુક્તી રચીને મોકલ્યા છે. આ વાત હમારી છે તે તમને જણાવીને તમારી ખાત્રી કરાવી આપી છે. માટે હવે જરી પણ ઢીલ કરશો નહીં. પહેલાં મારૂં અને પછી તાનસેનનું શીરચ્છેદ કરો, જેથી વહેલું કામ સીદ્ધ થાય ? બીરબલની આ વાણી સાંભળી શાહ હેરત પામીને કહ્યું કે, આમ છે તો પછી શા માટે મારા પગ મારે હાથે કાપવા તત્પર થાઊં ? માટે જેવા આવ્યા તેવા તમારા દેશમાં જાઓ, અને મારો પત્ર તમારા શાહને આપજો. આજ લગી તમારા શાહને વડીલ સમજી તેના હુકમ માથે ચડાવતો હતો, પણ આ એનું આવું બુરૂં કાવતરૂં જાણી મને ધીકાર છુટે છે. અને તે ધીકાર ભરેલી લાગણીથી જ એના હાથના લખેલા પત્રનો અમલ ન કરતાં તમને જીવતદાન આપી છોડી મુકું છું.' શાહનાં આવાં વચન સાંભળી બંને જણા નારાજ થઇ ઇરાનની સરહદ છોડી કેટલેક દીવસે દીલ્લી આવી બાદશાહને મળીને શાહનો પત્ર આપી ત્યાં બનેલી સઘળી હકીકતથી વાકેફ કરી ઉભા રહ્યા. શાહનો પત્ર વાંચી બાદશાહે દરબાર ભરી તાનસેન અને બીરબલને સભા ભરી સમક્ષ પુછ્યું કે, તમે શી રીતે જીવતા આવ્યા ? તે સાંભળી તાનસેનને ત્યાં સઘળી બનેલી હકીકત કહીને કહ્યું કે, 'ગરીબ પરવર ! જો બીરબલે બુદ્ધિ રૂપી બલનો ઉપયોગ ન કીધો હોત તો મારો પ્રાણ કદી પણ બચવા પામત નહીં? આ સાંભળી બાદશાહે પોતાની જાતવાળાઓને કહ્યું કે, 'મેં તમોને પ્રથમજ કહેલું કે બીરબલની બુદ્ધિ આગળ તાનસેનના ગુણ ઢંકાઇ જાય. તેનો આ પ્રત્યક્ષ દાખલો જોયો? કહો હવે બીરબલ સરસ કે તાનસેન ? આ બેમાંથી કોણ વધે ? બાદશાહનું આવું વાક્યબાણ સાંભળી બીરબલનું અદેખું મંડળ નીચું ઘાલી પશ્ચાતાપ કરવા લાગ્યું. અને હવે બીરબલની સાથે સ્નેહભાવથી વરતવું એમ તેમના મન સાથે પ્રતિજ્ઞા કરી.

સાર - ઇશ્વરની કૃપા વગર તાત્કાળીક બુદ્ધી પ્રાપ્ત થઇ શકતી નથી ? તે મહા શક્તીવાનની શક્તીથી બીરબલે તાનસેનને બચાવી પોતાના વેરીઓને પોતાના કરી લીધા.


-૦-