આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
એક વખતે બાદશાહે બેઠેલા અમીર ઉમરાવો અને ડાહ્યા પુરુષોને એક પછી એકને પુછ્યું કે, 'સત્તાવીસમાંથી નવ જાય ત્યારે બાકી શું વધે ?' ત્યારે કેટલાએક દોઢ ચતુરો જાણે કાંઈક ગંભીર વિચાર કરતા હોય એવું ડોલ કરી બેસી રહ્યા. ત્યારે કેટલાએક અકલ શુરાઓએ જબાબ આપ્યો કે, સત્તાવીસમાંથી નવ જતાં અઢાર રહ્યા. આનો ઉત્તર બરાબર ન મળવાથી બાદશાહે બીરબલને પુછ્યું. તે સાંભળી બીરબલે કહ્યું કે જહાંપના ! સતાવીસમાંથી નવ જતા ધુળ રહે છે, કેમકે સતાવીસ નક્ષત્રોમાંથી નવ નક્ષત્ર વર્ષાદ સાથે મજુર સંબંધ ધરાવનાર છે પણ જો તે નવ નક્ષત્ર વર્ષ્યા વીના ખાલી ગયા તો પછી ધાન્યની પાકની શી આશા ? આમ છે તો પછી બાકી ધુળ રહે કે નહીં ? આ સાંભળી તમામ કચેરી આનંદમાં તલ્લીન બની ગઈ.