બીરબલ અને બાદશાહ/મ્હોટામાં મ્હોટું કોણ ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← એક અકલવાન હજારને હરાવે બીરબલ અને બાદશાહ
મ્હોટામાં મ્હોટું કોણ ?
પી. પી. કુન્તનપુરી
અમારા બેમાંથી કોણ મ્હોટું ? →


વારતા એકતાલીશમી
-૦:૦-
મ્હોટામાં મ્હોટું કોણ ?
-૦:૦-


બાળક છે, સુખમાં સદા, નિર્ભય નિપટ નિશંક.

એક દીવસ શાહે અભીમાનથી બીરબલને પુછ્યું કે. ' અહો બીરબલ ! આ જગતમાં મ્હોટામાં મ્હોટું કોણ છે ?' બીરબલ શાહના બોલવાનો સાર સમજી ગયો કે, 'હું મ્હોટો છું.' એમ મારી પાસે બોલાવવા માંગે છે, પરંતુ તેના અભીમાનને ઉતારવામાં પરીણામે લાભ છે એવો મનમાં વીચાર કરીને બીરબલે શાહને કહ્યું કે, ' ખાવીંદ ! રાજા, શ્રીમંતો, શુરવીરો અને પ્રચંડ યોદ્ધાઓ કરતાં પણ બાળક મ્હોટું છે, કેમકે તે કોઇથી ડરવાનુંજ નહીં, તેમ દેશપતીની દરકાર પણ કરવાનું નહીં.' આ સાંભળી શાહ ખડખડ હસી પડીને કહ્યું કે, ' બાળક શી રીતે મ્હોટું ગણાય ? તેની ખાત્રી કરી આપો.' બીરબલે કહ્યું કે, 'એમ મોઢેથી કહેવાથી ખાત્રી થઈ શકે એમ નથી, પણ તેનો અનુભવ લેવાથી ખાત્રી થાય છે. બીરબલના આ શબ્દો સાંભળતાજ શાહના હોંસકોસ ઊડી ગયા, અને વીચારમાં પડી આડી અવળી વાતો કરી પોતાના કામમાં રોકાયો.

શાહનું અભીમાન ઉતારવા માટે બીરબલે એક વરસના ચાલાક અને ચંચલ બાળકને ચાકરની પાસે તેડાવી સાથે લીધો, અને શાહ પાસે આવી સલામ ભરી આગળ બેઠો. પોતાની પાસે બેસાડેલા આ સુંદર સ્વરૂપવાળા બાળકને જોઇ શાહ ઘણો ખુશી થયો, અને તે છોકરાને હાથમાં લ‌ઇ ચુંબન લેવા લાગ્યો. કોઇ દીવસે નહીં જોયેલ તેવી લાંબી ડાઢી જોઇ તે બાળક, તે લાંબા વાળવાળી દાઢી પકડી પોતાની મરજીમાં આવે તેમ ખેંચી રમત કરવા લાગ્યો, આથી શાહ બહુ કંટાળી જ‌ઇ તે બાળકને પોતાના હાથમાંથી તે ચાકરના હાથમાં આપી કહ્યું કે, આ બાળક કેટલું બધું તોફાન કરે છે ! ' બીરબલે કહ્યું કે, એ સર્વથી મ્હોટું છે, જુઓ, આપની પણ એને જરાક પણ બીક છે ! મરજીમાં આવે તેવી તે ચેષ્ટા કરે છે. આપતો ખલકના ખાવીંદ છો, સત્તાધારી છો, ગમે તેવા બળવાનને તમે શીક્ષા કરવાને સમર્થ છો. જો આ બાળકની પેઠે મોટા માણસે આપની દાઢીના બાલ ખેંચ્યા હોત તો તમે તેને શીક્ષા કર્યા વગર રહેત ? પણ આતો બાળ રાજાએ ખેંચ્યા છે. તેથી તમે તે બાળ રાજાને શીક્ષા કરવાને સમર્થ નથી, તેથી તે બધાથી મ્હોટું છે.' આ પ્રત્યક્ષ દાખલો જોઇ શાહને ખાત્રી થઇ. અને બીરબલની આવી ચતુરાઇ જોઈ, શાહે તે બાળ રાજાને અને બીરબલને ઉત્તમ આભુષણો આપી તે બંનેને મોટા માનની સાથે દરબારમાંથી વીદાય કર્યા.

સાર--જો પોતામાં બુદ્ધિબળ હોય તોજ મ્હોટાઓની સાથે વિવાદમાં ઉતરવું.


-૦-