બીરબલ અને બાદશાહ/લંપટ વ્યસની

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કાળી અને બીરબલ બીરબલ અને બાદશાહ
લંપટ વ્યસની
પી. પી. કુન્તનપુરી
અવલોકનની ખુબી →


વારતા એકસો તેરમી.
-૦:૦-
લંપટ વ્યસની.
-૦:૦-

એક વખતે સાંજને સમે શાહ અને બીરબલ છુપા વેશમાં ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં આ બંને જણ એક ગલીના નાકા ઉપર આવી ઉભા તે ગલીના નાકા પર કંગાલ દેખાવની એક ભીખારણ ઉભી હતી. આ ભીખારણના હાલ એવા હતા કે, તેના હાથના કોઇ બે બોર પણ ન ખાય. તેનો આવો દેખાવ છતાંતે ગરભણી હતી. આ જોઇ શાહ અચંબો પામી બીરબલને કહ્યું કે, 'કામદેવની સત્તા કેટલી બધી મહોટી છે ! જે સ્ત્રીની બાજુમાંથી પસાર થતાં પણ કમકમાટ ઉપજે તેની સાથે વીલાસ કરનાર કોણ હશે?

બીરબલ - સરકાર ! જે માણસને વ્યસન પડ્યું તે છુટતું નથી. ભુખ્યો જેમ એઠા ભાત, અને ઉંઘ જેમ ભાંગેલો ખાટલો જોતી નથી તેમ કામી માણસ જાત અને કુજાત જોતું નથી એવાં કંઇક એશકી ફાંકડાઓ પડ્યા છે જેઓને જોતાં તેઓ સુઘડ છે એમ જણાય, પણ અંદરખાનેથી તેઓ સઉથી ગંદે ઠેકાણેના ફરનાર હોય છે.

શાહ - બીરબલ ! તું કહે છે તેમ કદાચ હશે. પણ આ સ્ત્રીના ભોક્તાને તું શોધી કહાડીશ.

બીરબલ - હજુર ! આપણે થોડીવાર અહીં ફરતા રહીશું તો કદાચ તેમ બની શકશે.

થોડીવાર તેઓ ત્યાંથી થોડે દૂર જઈ ફરવા લાગ્યા. પણ તે વખતે બીરબલની નજર તો પેલી સ્ત્રી તરફ જ હતી. શાહ બીજી બાજુએ જોતો હતો, એટલામાં એક ફાંકડો માણસ ત્યાં આવી લાગો. તે સારા ખાનદાનનો હતો, બીરબલની નજર તેના તરફ જતાજ બીરબલે શાહને કહ્યું કે, 'માલીક ! આ કંગાલ સ્ત્રીનો યાર આ માણસ હોવો જોઇએ એમ મને લાગે છે.'

શાહ - કેવી રીતે ?

બીરબલ - જાણે જાણતા ન હોઇએ તેમ તેના તરફ જોયા કરશો તો માલમ પડશે.

તેમને તે વીષે થોડી વારમાં ખાત્રી લાયક પુરાવો મળ્યો તે ફાંકડો આશક તે સ્ત્રીની આગળ આવીને તેને કાંઇક ઇશારત કરી ત્યાંથી ઝડપમાં ચાલી ગયો. આશકના ગયા પછી તે માશુક પણ ત્યાંથી ચાલી ગઇ.

આ જોઇ શાહની ખાત્રી તો થઇ કે, તે સ્ત્રીનો ભોક્તા તેજ માણસ હોવો જોઈએ.

-૦-