લખાણ પર જાઓ

બીરબલ અને બાદશાહ/અવલોકનની ખુબી

વિકિસ્રોતમાંથી
← લંપટ વ્યસની બીરબલ અને બાદશાહ
અવલોકનની ખુબી
પી. પી. કુન્તનપુરી
લાડ અને કપુર →


વારતા એકસો ચૌદમી.
-૦:૦-
અવલોકનની ખુબી.
-૦:૦-


ઉપલી વાત બન્યા પછી શાહ અને બીરબલ આગળ કુચ કરી. તે વખતે શાહ નીમીશવારતો વીચારમાંજ ચાલતો હતો. ક્ષણવાર પછી શાહે બીરબલને પુછ્યું કે, ‘ બીરબલ ! જે ઇસ્કી ફાંકડાને તેં મને બતાવ્યો હતો તેને તેં કેવી રીતે ઓળખી કાઢ્યો.

બીરબલ – ખલકે ખાવીંદ ! એ ખૂબી અવલોકનની છે. મને અવલોકન કરવાની ટેવ પડી ગઈ છે. જે વખતે આપણે બંને ત્યાં ઉભેલા હતા તે વખતે તે માણસ દુરથી આવતો હતો. તેના હાથમાં તમાકુ હતી પણ તેને લગાડવાની ચુનાની શોધમાં હતો. એટલામાં એક સંડાસખાનાને ચુનો તાજોજ લગાડેલો હતો. તેની ઉપરથી તે માણસને આંગળીવતી ચુનો ઉખેડીને તમાકુને લગાડ્યો. જે માણસ તમાકુ વાસ્તે સંડાસખાનાનો લગાડેલો ચુનો લે, તે બીજી વસ્તુ કાં ન કરી શકે ? આવી રીતે મેં દીઠો તેથી મારી ખાત્રી થઇ કે, તે લંપટ અને વ્યસની હોવો જોઇએ.

શાહ - હે દાનેશમંદ બીરબલ ! અવલોકનથી આ પ્રમાણે લાભ તો થાય છે.

બીરબલ - હે ન્યાયવંત ! અવલોકનની ખુબી તો ઓરજ છે. આપે પહેલા અવલોકન કરનાર ફકીરની વાત તો સાંભળી હશે ?

શાહ - હે બુદ્ધિવંત ! હા, એ વાત મેં આગળ સાંભળી હતી ખરી પણ હમણા તે ભુલી ગયો છું. માટે ફરીથી તને યાદ હોય તો સંભળાવ.

બીરબલ - ગરીબ પરવર ! ચાલો આપણે પહેલા હોજ આગળ બેસી વાત કરીએ.

બંને જણા ત્યાંથી થોડે દુર આવેલા એક પાણીના હોજ આગળ જઇ બેઠા. ત્યાં બીરબલે અવલોકન વીષે ફકીરની વાત તેને કહી સંભળાવી.

એક ફકીર એક સમે જંગલમાંથી ચાલ્યો જતો હતો તેને બે વેપારીઓ સામે મલ્યા. તેઓ કાંઇ વસ્તુ શોધતા હોય એમ લાગતું હતું. તેમને જોઇ ફકીરે પુછ્યું કે, 'શેઠજી ! તમારૂં એકાદ ઊંટ ખોવાયું છે ?'

પહેલા વહેપારીઓએ કહ્યું કે, ' હા! અમારૂં એક ઊંટ ખોવાયું છે.'

ફકીર - તે જમણી આંખે કાણું છે ?

વેપારી - હા.

ફકીર - એનો આગલો દાંત એકાદ દાંત પડી ગયો છે ? વેપારી - હા.

ફકીર - એનો પાછલો પગ લંગડાય છે ?

વેપારી - હા.

ફકીર - તેની એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં ભરેલા હતા ?

વેપારી - હા. પણ તેની ઉપર ઝવેરાત હતું તે ક્યાં છે ?

પોતાના ખોવાયેલા ઊંટ વીષે તે ફકીરે આટલી બધી એંધાણીઓ આપે તે વેપારીઓને શક ગયો કે , ' આ ફકીરેજ ઊંટ ચોરેલું હશે અને તેથી એ આટલી બધી હકીકત કહી શક્યો છે. એમ જાણીનેજ તેમણે તેની પાસે ઝવેરાત માંગ્યું.

તે સાંભળી ફકીરે કહ્યું કે, 'શેઠ, મેં તમારૂં ઝવેરાત લીધું નથી તેમ તમારા ઊંટને નજરે પણ દીઠું નથી.'

વેપારી - તું ફકીરના વેશમાં ચોર હોય એમ જણાય છે.

એમ કહી તેને પકડીને ત્યાંથી કોઇ નજીકના શહેરમાં તેને લઈ ગયા અને ત્યાં ન્યાયાધીશની દરબારમાં એને લઇ જઇને ઉભો કીધો. પછી તે વેપારીઓએ ન્યાયાધીશની આગળ પોતાના ખોવાયલા ઉંટની વાત કહી સંભળાવી. વેપારીની આ વાત સાંભળી લઇને પછી ન્યાયાધીશે ફકીરને પોતાનો બચાવ કરવા કહ્યું.

આ ઉપરથી ફકીરે કહ્યું કે, 'નામદાર ન્યાયાધીશ સાહેબ ! હું જંગલમાં ફરનાર ફકીર છું. મેં આ વેપારીઓનું ઊંટ જોયું નથી. પણ જંગલમાં ફરતાં મને અવલોકન કરવાની ટેવ પડી ગઇ છે તેથી મેં જે દીઠું હતું તે તેમને કહી સંભળાવ્યું. રસ્તે ચાલતાં મને ઊંટનાં પગલાં પડેલા દેખાયા તે ઉપરથી મેં જાણ્યું કે, થોડી વારમાંજ ત્યાંથી કોઈ ગયેલું હોવું જોઇએ. તેની ડાબી તરફની વનસ્પતીનો ભાગ ખવાયેલો હતો પણ જમણી બાજુનો બધો અનામત હતો તેથી મેં જાણ્યું કે, તે જમણી આંખે કાણો હોવો જોઇએ. તેણે ખાધેલી વનસ્પતીમાંથી કેટલોક ભાગ રહી ગયો હતો તેથી મેં એવું અનુમાન કીધું કે, તેનો એકાદ દાંત પડી ગયો હશે. તેના પાછલા એક પગનો આકાર જમીન ઉપર બરોબર પડ્યો ન હતો તેથી મેં ધાર્યું કે તે એક પગે લંગડો હશે. રસ્તાની એક બાજુએ ઘઊં વેરાયેલા હતા અને બીજી બાજુએ થોડું મધ ઢોરાયલું હતું. ઘઉં લઇ જવાને કીડીઓ વળગેલીઓ હતી. અને મધની ઉપર માખો ગણગણતી હતી તેથી અમને જણાયું કે, તેની એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ લીધેલું હશે. તેમ વળી સાથી કોઈ માણ્સ નહિ હોય એટલે તે ઉંટ એકલું નાશી જતું હોવું જોઇએ. જો સાથે માણસ હોત તો ઘઉં અને મધ વેરાત નહી. આ અવલોકન ઉપરથી મેં અનુમાન કીધું છે. પણ મેં તે ઉંટને નજરોનજર જોયું નથી. તે બાદ હું આગળ ચાલ્યો તે વખતે આ બે વેપારીઓ કોઇને શોધતા હોય એવી રીતે મને સામા મળ્યા. તેમને જોઇ મેં અનુમાન કીધું કે, તેઓ ઉંટના માલેક હોવા જોઇએ, મને જંગલમાં ફરતાં આવી સેંકડો ચીજો નજરે જણાય છે. આ શહેરનું દરેક જણ મને ઓળખે છે.'

ન્યાયાધીશને ફકીરના બોલવાની ખાત્રી થવાથી તેણે તેને છોડી દેવાનો હુકમ આપી વેપારીઓને કાઢી મુક્યા.

ઉપલી વાત કરી રહ્યા પછી બીરબલે કહ્યું કે, 'સરકાર ! મને ચાલતા અવલોકન કરવા લાયક સેંકડો ચીજો મળે છે.'

બીરબલની આ વાત સાંભળી શાહ ઘણો આનંદ પામ્યો અને ત્યાંથી ઉઠીને બંને જણ મહેલ તરફ વળ્યા.

-૦-