બીરબલ અને બાદશાહ/લાડ અને કપુર
← અવલોકનની ખુબી | બીરબલ અને બાદશાહ લાડ અને કપુર પી. પી. કુન્તનપુરી |
દુરીજનની દુષ્ટતા → |
બાદશાહી ગવૈયામાં લાડ અને કપૂર કરીને બે ગવૈયા હતા. તેમની ઉપર પણ શાહનો સારો પ્રેમ હતો. એક દીવસ તેમણે શાહનો અપરાધ કર્યો. શાહે તેમને કહ્યું કે, તમે અમુક ગુન્હો કીધો છે તે બદલ શું કહેવા માગો છો?
લાડ અને ક્પુરને એવું અભીમાન હતું કે આપણે માનીતા છીએ તેથી શાહ કાંઇ પણ સજા કરનાર નથી તેથી પોતાથી થયેલા ગુન્હાની માફી ન માગતા તેઓ શાહની સામે ખડખડ હસી પડ્યા. જો તેમણે માફી માગી હોત તો શાહ તે ક્ષમા કરત પણ આતો ઉલટા સામે હસી પડ્યા તેથી શાહે પોતાનું અપમાન થયેલું માની લઇ તે બંનેને કહ્યું કે, ' તમે બંને જણ મારા રાજની હદ છોડી જતા રહો.'
શાહનો આ હુકમ સાંભળી તે બંને ત્યાંથી ઉઠીને ગુપચુપ ચાલતા થયા. પણ દીલી છોડી બીજે સ્થળે જવા તેમનું મન ન માનવાથી તેઓ સાંજ સવાર શહેરમાં ફરવા લાગ્યા. આમ છાની રીતે ફરતાં તેમને છ માસ થઇ ગયા. એક દહાડે તેઓ ફરવા નીકળ્યા હતા એટલામાં શાહની તેમની ઉપર નજર પડી. શાહે તેમને જોતાં જ ઘોડો તેમની તરફ દોડાવ્યો. શાહને પોતાની તરફ આવતો જોઇ તેઓ એક ઝાડ પર ચઢી ગયા. શાહે પોતાનો ઘોડો તે ઝાડ નીચે લઈ જઈ કહ્યું કે, 'કેમ મેં તમને મારા રાજની હદ છોડી જવા કહી હતી છતાં તમે કેમ રહ્યાં છો ?'
કપુરે કહ્યું કે, 'સરકાર ! અમે તો આપના હુકમ પ્રમાણે અહીંથી ગયા હતા, પણ આપના રાજની હદ સીવાય બીજા રાજની હદ જણાઈ નહી તેથી ક્યાં રહેવું તેનો વીચાર કરતાં કરતાં પાછા દીલ્લીમાં આવી લાગ્યા. આખરે જ્યારે ક્યાંય પણ રહેવાની જગા ન મળી ત્યારે હવે તો આકાશમાં જઈ રહેવાનો વીચાર રાખ્યો અને તેથી ત્યાં જવાનો રસ્તો શોધવા નીકળ્યા. અને તેથી પહેલી મુસાફરી અહીંથી શરૂ કીધી છે.'
તેનું આવું બોલવું સાંભળીને શાહ હશ્યો અને તેમને નીચે ઉતાર્યા. નીચે ઉતરતાજ પોતાના અપરાધની શાહની પાસે ક્ષમા માગી. એટલે શાહે તેમને માફી આપી પાછા દરબારમાં આવવા આજ્ઞા કીધી.