બીરબલ અને બાદશાહ/લક્ષમીપતી તે લાખેણો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← મીઠી મસકરી બીરબલ અને બાદશાહ
લક્ષમીપતી તે લાખેણો
પી. પી. કુન્તનપુરી
સવાલ જવાબ →


વારતા પચીઆશીમી
-૦:૦-
લક્ષમીપતી તે લાખેણો
-૦:૦-
મનુષાકૃતિ સહુની છે સરખી, પણ બુદ્ધિ નથી સહુમાં સરખી.

એક વખતે શાહે અમીર ઉમરાવો અને સભાસદોને સવાલ કરયો કે, 'પુરૂષોમાં અધિક માનવંતો વૃદ્ધ પુરૂષ કોણ છે?' તે સાંભળી બધાએ પોત પોતાની બુદ્ધિ પ્રમાણે નીચે મુજબ કહેવા લાગ્યા.-

૧ - જે મહોટો હોય તે બધા પુરૂષોમાં વૃદ્ધ અને અધીક માનવંતો કહેવાય છે.

૨ -વયમાં બુઢો હોય તે બુઢો અધિક માનવંતો ગણાય.

૩ - જે પુત્ર પૌત્રાદિ પ્રૌઢ પરિવારવાળો હોય તે કુલીન અને માનવંતો ગણાય.

૪ - જેમાં અધિક જ્ઞાન હોય એવો બુઢો માણસ બધાથી વધારે માનવંતો ગણાય.

૫ - જે ગુણ રૂપમાં સંપન્ન હોય તે બધામાં મ્હોટો અને માનવંતો ગણાય.

આ મુજબ દરબારમાં પેલાઓએ પોતાની મરજીમાં આવે તેમ સવાલોના જવાબ દીધા, પણ તે જવાબો શાહને બરાબર ન લાગવાથી તરત શાહે તેનો ખુલાસો બીરબલ પાસેથી માગ્યો. બીરબલે કહ્યું કે, બધાનું બોલવું બરોબર છે, તે ઉપરાંત કહું છું કે, જેની પાસે અખુટ ખજાનો છે તેજ મહોટો ગણાય છે. પછી તે ગમે તેવી જાતનો કાં ન હોય? તે કઠોર વચન બોલનારો. દુરગુણથી ભરેલો અને અકલનો અંધો, અને સદગુણીઓનો દુશ્મન કાં ન હોય ? તો પણ ગુણવાળા, સદાચરણી, સત્યને ચહાનારા પણ ધનને ખાતર ધનાઢ્ય આગળ જઈ ઓશીઆળો થઈ બંને હાથ જોડી અપમાન સહન કરતો સલામ કરી મદદ માંગશે. તેથી હું માનુ છું કે ધનાઢ્યજ બધામાં મહોટો ગણાય છે. ગમે તેવા ચતુર ડહાયા અકલવંત બહોળા કુટુંબવાળા હુન્નરી ફાંકડા નરો હોય પણ તે ગરથ વિનાના ગાંગળા, વસુ વિનાના નર પશુ કહેવાય છે. માણસના મનમાં મહોટી આશાઓ રૂપી ઈમારતો બાંધે છે પણ ધન વગરની તે આશા રૂપી ઈમારતો મનમાંજ ભાંગી મનમાંજ સમાઈ જાય છે. કહ્યું છે કે, 'ક્યા કરે નર ફાંકડા કે થેલીકા મોં સાંકડા' જેની પાસે દામ રૂપી રામ છે તે રામના પ્રતાપથી ધારે તે કરી શકે. માટે તે ધનાઢ્ય બધામાં મહોટો અને માનવંતો ગણાય છે.' શાહે બીરબલની આ વાત કબુલ રાખી બીરબલના ગુણની તારીફ કીધી.

સાર - જો આ જગતમાં મહોટાઈનું માન મેળવવું હોય તો ધન સંપાદન કરવાની પ્રમાણીકપણેથી પેરવી કરવી.

-૦-