બીરબલ અને બાદશાહ/વાણી-વીનોદ ૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← બીરબલ અને ગંગ કવી બીરબલ અને બાદશાહ
વાણી-વીનોદ ૧
પી. પી. કુન્તનપુરી
વાણી વીનોદ-૨ →


વારતા એકાણુંમી
-૦:૦-
વાણી-વીનોદ ૧
-૦:૦-

એક વખતે એક સભા ભરાઈ હતી તે વખતે અગત્યનું કામ આટોપી લીધા પછી વાણી વીનોદની શરૂઆત થઈ. ગંગ વગેરે કેટલાક કવીત વગેરે કહ્યા પછી એક દરબારીએ કહ્યું કે, 'હજુર! ગરજ હીડીબાત હે, ગરજ બીન કોઈ કીસીકે સામને નહીં દેખાતા. ‘ગરજ હી બીબી ગુલામકું જાવે, યહ ભી ઉસ્સે કહ્યા જાતા હય.’

આ સાંભળતા જ શાહે કહ્યું કે, ‘ ગરજહી બીબી ગુલામકું જાવે, એ પાદપૂરતી ઉપર કોઈ કવી પોતાનો પાયો રચીને બોલે તેમ છે ?’

આ સાંભળતા જ કાંઇ પણ વીચાર કર્યા વગર ગંગ ઉઠીને બોલ્યો, ‘હજુર ! એમાં તે શું ? બારોટને મન તો એવી કવીતાઓ બચ્ચાની રમત જેવી છે. જુઓ સાંભળો :- “ગરજહી અરજુન હીજ ભયો, અલી ગરજહી ભીમ રસોઈ બનાવે; ગરજહી દ્રૌપદી દાસી ભઇ, અલી ગરજહી ગોવીંદ ઘેન ચરાવે; ગરજ બડી ત્રૈલોકનમેં, અલી ગરજ બીના કોઇ આવે ન જાવે; કવી ગંગ કહે સુણો શાહ અકબર, ગરજહી બીબી ગુલામકું જાવે. ‘હજુર સારી દુનીઆ ગરજ કી હૈ’

શાહ તેની આવી ઉત્તમ કાવ્ય શકતીની શીઘ્ર કવીતા સાંભળી આનંદ પામી કહ્યું કે, ‘ ધન્ય છે, ગંગ ધન્ય છે!’ બલી બજાવી તેં તો ! તારા જેવો બીજો ભાટ આ જગતમાં હાલ તો મળવો કઠીણ છે. પૃથુરાજનો જેવો ચંદ બારોટ હતો તેવોજ મારી દરબારમાં તું પણ છે.’

ગંગે ધીમેથી કહ્યું કે, ‘સરકાર ! એમાં મેં કાંઇ વધારે કર્યું નથી. બારોટ કાંઇ શીખીને થવાતું નથી. એ તો માના પેટમાંથી જન્મ લેતાં જ બારોટ જન્મે છે.’

ગંગના આ વાક્યો સાંભળતાજ શાહ તો વિસ્મય પામ્યો, પણ એક દરબારીએ જરા વધારે રસ લાવવા માટે કહ્યું કે, ‘નામદાર ! મારા ધ્યાનમાં તો આવી વાત ઉતરતી નથી. આતો બારોટોએ પોતાની કાંઇ દંત કથા ચલાવી હોય તેવી વાત લાગે છે.’

ગંગે જરા આંખ ચઢાવીને કહ્યું કે, ‘ શું ! આ દંતકથા જેવી વાત છે ? બારોટનો છોકરો જન્મથી શું બારોટ નથી જન્મતો ? નહીં, નહીં, એ વાતજ ખરી છે !’

એક દરબારી જાણે ગંગાની દયા ખાતો હોય તેવો બહારથી દેખાવ કરી પણ અંદરથી તેની સામે શાહને વધારે ઉશ્કેરી મુકવા જેવાં વાક્યો કહ્યાં કે, ‘હજુર ! પણ ગંગ બારોટ પોતે ક્યાં ના પાડે છે ? એ તો એ વાતનો પ્રત્યક્ષ દાખલો બતાવવાને તત્પર છે.’

શાહે કહ્યું કે, ‘હા, જો ગંગ એ બાબતનો દાખલો મને બતાવી મારી ખાતરી કરી આપે તો હું એ વાત સાચી માનું.’

એક દરબારી જે ગંગના કુટુંબના માણસોને ઓળખતો હતો અને તેમની સાથે પરિચયમાં હતો તેણે કહ્યું કે, સરકાર ! ગંગની દીકરી હાલ ગર્ભવતી છે. તે બાઈના જુજ સમયમાં છુટા છેડા થશે તે વખતે આપની ખાતરી કરવી હોય તો આપ કરી શકશો.’

આ સાંભળી શાહે કહ્યું કે, ‘ જો એમજ હોય તો પછી આપણે તેની ખાતરી કરીશું. ગંગની છોકરી મારી છોકરી સમાન છે. તેથી જેમ ગંગને ત્યાં એ હોય તેમ મારે ત્યાં સુવાવડ કરશે. જો એને છોકરો અવતરશે તો પરીક્ષા કરી ખાત્રી કરવા માટે હું મારા તાબામાં તેને રાખીશ અને છોકરી થશે તો હું તેને દાએજો આપી પાછી મોકલીશ.’

બધાને આ વાત પસંદ પડી. ગંગે પણ વગર વાંધે તે વાતને સ્વીકારી. પછી સભા બરખાસ્ત થઈ. શાહે તરત ગંગની છોકરી માટે પોતાના મહેલમાં તૈયારીઓ કરાવી અને પછી તેને લાવીને ત્યાં રાખી.

-૦-