લખાણ પર જાઓ

બીરબલ અને બાદશાહ/સવાલ-જવાબ

વિકિસ્રોતમાંથી
← બે સ્ત્રીઓનો ઝઘડો બીરબલ અને બાદશાહ
સવાલ-જવાબ
પી. પી. કુન્તનપુરી
હસાવતો ઈનામ લે →


વારતા ચોત્રીસમી
-૦:૦-
સવાલ-જવાબ
-૦:૦-

એક દીવસે ગુલઝારે ગુલસન નામના રમણીક બાગમાં શાહે મોહોટા દબદબાથી સભા ભરી અનેક વીષયો પર ચરચા ચલાવી આનંદ લેતા હતા. શાહે ખુશ ચ્હેરાથી બીરબલને નીચે મુજબના સવાલો પુછવાને શરૂ કર્યા.

શાહ--અહો પ્રવીણ બીરબલ ! ઈશ્વર શું ખાય છે ?

બીરબલ--જહાંપનાહ ! અહંકારને ?

શાહ--અહો દાનેશમંદ બીરબલ ! ઈશ્વર શું કરે છે ?

બીરબલ--સરકાર ! રંકને રાજા, ને રાજાને રંક બનાવે છે ?

શાહ--અહો ગુણગ્રાહી ! બીરબલ ! ઈશ્વર ક્યારે હસે છે ?

બીરબલ--ખલકે ખાવીંદ ! જીવાત્માની વારંવાર બેવચપણાની કુટેવથી હસે છે ?

શાહ--તે ક્યાં રહે છે ?

બીરબલ--તે સર્વત્ર રહે છે !

શાહ--બુરામાં બુરી કઈ વસ્તુ છે !

બીરબલ--એકાંન્ત.

શાહ--ક‌ઇ સ્ત્રી કોઇની થઈ નથી અને થશે પણ નહીં ?

બીરબલ--પૃથ્વી.

શાહ--ક‌ઇ સ્ત્રી પાણીના રેલાની પેઠે વહી જાય છે ?

બીરબલ--લક્ષ્મી.

શાહ--ક્ષમા રાખવામાં કોણ સરસ ?

બીરબલ--ધરણી.

શાહ--કયાં ત્રણ ભવીષ કોઇ જાણી ન શકે ?

બીરબલ--વરસાદ, મોત અને મોઘારત. એ ત્રણેનું ભવીશ કોઇ ભાખી શકે નહીં.

શાહ--આખર અવસ્થાએ સાચું કુટુમ્બ કયું ?

બીરબલ--ક્ષમા રૂપી માતા, સત્ય રૂપી પીતા, જ્ઞાન અને ધર્મ રૂપી ભાઇઓ, દયા રૂપી દાસી, શાંતી રૂપી નારી, અને સત કર્મો રૂપી પુત્રો. એ આખર અવસ્થાએ સાચું કુટુમ્બ છે.

બીરબલના આ ચમત્કારીક અને તાત્કાલીક જવાબો સાંભળી શાહ અને સભા ચક થ‌ઇ જ‌ઇ બીરબલને ધન્યવાદ આપી પુષ્પથી વધાવી લીધો.


-૦-