લખાણ પર જાઓ

મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇબ્ને અલ નફીસ

વિકિસ્રોતમાંથી
← સનદ બિન અલી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
ઇબ્ને અલ નફીસ
સઈદ શેખ
ઇસ્હાક ઇબ્ને હુનૈન  →



ઈબ્ને અલ નફીસ (ઈ.સ. ૧૨૧૩−૧૨૮૮)
અલાઉદ્દીન અબુલહસન અલી ઈબ્ને અબી અલ હઝમ અલ નફીસનો જન્મ ઈ.સ. ૧૨૧૩માં (હિ.સ. ૬૦૭)માં દમાસ્કસ (સીરીયા)માં થયો હતો. એમણે નૂરૂદ્દીન ઝંગીએ સ્થાપેલ તબીબી કોલેજ અને અસ્પતાલમાં તબીબીશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તબીબીશાસ્ત્ર ઉપરાંત કાનૂન, સાહિત્ય અને આધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન પણ મેળવ્યું હતું. તેઓ શાફઈ સંપ્રદાયના પ્રસિદ્ધ ધર્મશિક્ષક (ફિકહશાસ્ત્રી) અને તબીબ હતા.

એક સફળ તબીબી હોવા ઉપરાંત તેઓ પેગમ્બર સાહેબનું જીવન ચરિત્ર (સીરત), દર્શન, તર્કશાસ્ત્ર અને વ્યાકરણનું જ્ઞાન ધરાવતા હતા. એમણે પેગમ્બર સાહેબનું જીવનચરિત્ર લખ્યું, ઇબ્ને સિનાના ‘હિદાયા' તર્કશાસ્ત્ર બાબતે અને ફિલસૂફીમાં ઇન્ને તુફૈલના 'હૈય્ય ઇબ્ને યકઝાન'ની ટીકાટીપ્પણી 'ફાદિલ ઈબ્ને નાતિક' લખી.

તબીબી ક્ષેત્રે એમણે જુના તબીબી ગ્રંથોના વિવેચન લખ્યા અને એમાં પોતાના મૌલિક વિચારો પણ ઉમેર્યા. એમનું સૌથી મહત્વનું સંશોધન કહી શકાય શરીરમાં લોહીનું પરિભ્રમણ કેવી રીતે થાય છે એ સમજાવવા છેક તેરમી સદીમાં એમણે ઇબ્ન સીનાના 'અલ કાનૂન'નું વિવરણ 'કિતાબ મુઝીઝ અલ કાનૂન' અને 'શરહતશરીફ અલ કાનૂન' ૨૦ ગ્રંથોમાં લખ્યું હતું, જેમાં એમણે સૌ પ્રથમવાર ફેફસાના બંધારણ, લોહીની નસો, હૃદયની ધમનીઓ, હવા અને લોહી વચ્ચે પરસ્પરની પ્રતિક્રિયા અને ફેફસામાં લોહીના પરિભ્રમણની સ્પષ્ટ વિભાવના રજૂ કરી હતી. ઇ.સ. ૧૬૫૯માં લગભગ સાડા ત્રણ સદીઓ પછી, વિલિયમ હાર્વેએ આ સિદ્ધાંતનું પુનઃસંશોધન કર્યું અને લોહીના પરિભ્રમણની શોધનો જશ ખાટી ગયો.

અલ નફીસે 'કિતાબ અલ શામિલ ફી અલતિબ્બ' નામક દળદાર ગ્રંથ લખ્યું, જેમાં સર્જીકલ પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. નેત્રશાસ્ત્ર વિશે ‘કિતાબ અલ મજહબ ફી તિબ્બ અલ ઐન' મૌલિક ગ્રંથની રચના કરી હતી. હિપ્પોક્રેટના ગ્રંથ બાબતે વિવેચન લખ્યું હતું. હુનૈન ઇબ્ન ઈશ્હાકના ગ્રંથ વિશે પણ વિવેચન લખ્યું હતું. ‘કિતાબ અલ મુખ્તાર ફી અલ અગાદીયા' નામક ગ્રંથમાં તંદુરસ્તી, ડાયેટીંગ તથા ખાવાપીવાની રીતભાતો વિશે વર્ણન કર્યું છે. એમનું આ એકમાત્ર ગ્રંથ, લેટીન ભાષામાં અનુવાદિત થયો છે, તેથી તેમનું જ્ઞાન યુરોપના મોટાભાગના દેશોમાં અજ્ઞાત જ રહ્યું.

ઇબ્ને અલ નફીસે તબીબીશાસ્ત્રના જ્ઞાનમાં વધારો કરી એને ફળદ્રુપ બનાવ્યું અને એના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો.

અલ નફીસનું અવસાન ઈ.સ. ૧૨૮૮માં થયું.