મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને મિસ્કવાયહા

વિકિસ્રોતમાંથી
← નસરૂદ્દીન અલ તુસી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
ઈબ્ને મિસ્કવાયહા
સઈદ શેખ
અબૂ મોહમ્મદ અબ્દુલ જબ્બાર અલ ખરકી  →


ઇબ્ને મિસ્કવાયહ (ઇ.સ. ૯૩પ-૧૦૩૨)

અબૂ અલી એહમદ બિન મોહમ્મદ ઇબ્ને મિસ્કવાયહનો જન્મ ઈરાનના રે શહેરમાં ઇ.સ. ૯૩૫માં થયો હતો. કોઈ અજાણ શાળામાં એણે શિક્ષણ લીધું. જીવનના પ્રારંભિક વર્ષો નફિકરાઈના કારણે એશ આરામમાં વીતાવ્યા. રોજીરોટીની ચિંતા થઈ તો શું કરવું એ પ્રશ્ન ઉદ્‌ભવ્યો. એ વખતે કીમીયાગિરીના ફેશન હતી. કોઈ કીમીયાગરની જાળમાં ફસાયો અને લોખંડમાંથી સોનું બનાવવાની ધૂન લાગી. જાબિર બિન હૈયાન અને ઝકરીયા અલ રાઝીના ગ્રંથો વાંચીને સોનું કેવી રીતે બનાવવું એના સંશોધનમાં લાગી ગયો પરંતુ એને નિષ્ફળતા જ મળી.

આ નિષ્ફળતાએ ઇબ્ને મિસ્કવાયતને ઝંઝોળી નાખ્યો. એણે ઘરમાં એકલતા સ્વીકારી લીધી અને જ્ઞાન વિજ્ઞાનના ગ્રંથોના અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયો. આના પ્રભાવથી એના સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું. એણે સાહિત્ય, નૈતિકતા, ફિલસૂફી, ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર જેવા વિષયોમાં નિપુણતા પ્રાપ્ત કરી.

વઝીર અલ મલહબીના મૃત્યુ પછી ઇબ્ને મિસ્કવાયહ વઝીર ઇબ્ને અલ ઉમેદની નોકરીમાં દાખલ થયો. એણે ગ્રંથપાલ તરીકે સાત વર્ષ સેવા આપી. ઈ.સ. ૯૬૬માં ખુરાસાનના સૈનિકો રોમનોથી લડવા માટે રે શહેરમાં દાખલ થયા ત્યારે આ લડાઈમાં પુસ્તકાલયને બરબાદ થતું અલ મિસ્કવાયહે અટકાવ્યું. ઇ.સ. ૯૭૬માં અબુલ ફત્હ મૃત્યુ પામતા વેલમી વંશના અદુદદૌલાના દરબારમાં નિયુક્તિ પામ્યો અને ઊંચા હોદ્દાઓ ઉપર સેવા આપી. ઇબ્ને મિસ્કવાયહના જ્ઞાનની ચર્ચા ચારેકોર થવા લાગી તો દુરદુરથી વિદ્યાર્થીઓ એની પાસે ભણવા માટે આવતા. બાદશાહ અદુદદૌલાને ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં રૂચિ હતી અને એ પોતે વિદ્વાનોની કદર કરનાર હતો. એથી એણે શીરાજ શહેરમાં ભવ્ય પુસ્તકાલય અને બગદાદમાં અસ્પતાલ બંધાવ્યા. આ પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે મિસ્કવાયહની નિમણુંક કરવામાં આવી.

'ઇબ્ને મિસ્કવાયહ જીવવિજ્ઞાનનો નિષ્ણાંત હતો. વનસ્પતિમાં જીવ હોય છે એ સંશોધન કરનાર પ્રથમ વનસ્પતિશાસ્ત્ર હતો. છેક વીસમી સદીમાં (ભારતીય વૈજ્ઞાનિક ડૉ. જગદીશ ચંદે બોઝે આ વાત પ્રસ્થાપિત કરી અને પ્રસિદ્ધ થઈ ગયા!) પ્રાણીઓમાં પણ લાગણી હોય છે એ દર્શાવનાર, સમાજશાસ્ત્રી અને મનોવિજ્ઞાની હતો. નીતિશાસ્ત્રમાં સૌ પ્રથમ ગ્રંથ લખનાર ઇબ્ને મિસ્કવાયહને જીનીયસની કક્ષામાં મૂકવું પડે. એણે લખેલા ગ્રંથોની સંખ્યા બે ડઝનથી વધારે છે એમાંથી કેટલાક હાલમાં ઉપલબ્ધ છે.

૧. તિજારતુલ ઉમમ વ તઆકુલ અલ હુમમ :સામાન્ય ઇતિહાસનો ગ્રંથ છ ખંડમાં છે. નૂહ (નોહા)ના તોફાનથી લઈ હિ.સ. ૩૮૯ સુધીનું વર્ણન છે. આનો કેટલાક ભાગ અંગ્રેજી ભાષામાં ઇ.સ. ૧૯૦૯ થી ૧૯૧૭ દરમ્યાન પ્રકાશિત થયો હતો.

૨. કિતાબ આદાબ અલ અરબ વ અલ ફારસ : આમાં ઈરાન, ભારત, ઇજીપ્ત અને ગ્રીસ ઉપરાંત વિશ્વના ઘણા બધા લોકોના સામુહિક રીતિરિવાજો અને ટેવો તથા સ્વભાવની દાર્શનિક ચર્ચા વિચારણા કરવામાં આવી છે. છ ખંડમાં લખાયેલ આ સંશોધનાત્મક ગ્રંથ આ વિષયમાં મૌલિક ગણાતું હતું. આની હસ્તપ્રતો લંડન, ઓક્સફર્ડ અને પેરીસના પુસ્તકાલયોમાં સચવાયેલ છે.

૩. કિતાબ તેહઝીબ અલ ઈખ્લાક વ તતહીર અલ ઇરાક : નીતિશાસ્ત્ર અને માનવમનોવિજ્ઞાન સંબંધિત ઉત્કૃષ્ટ ગ્રંથ સાત ખંડોમાં છે. ઇબ્ને મિસ્કવાયના શ્રેષ્ઠ ગ્રંથોમાંથી એક છે. ઇજીપ્તમાં પ્રકાશિત થયું હતું. ભારતમાં હિ.સ. ૧૨૭૧, ઇસ્તંબુલમાં હિ.સ. ૧૨૯૮માં અને કેરોમાં હિ.સ. ૧૨૯૮માં પ્રસિદ્ધ થયું. નસીરૂદ્દીન તુસીએ આનો ફારસી અનુવાદ કર્યો અને પોતાના ગ્રંથ 'અખ્લાકે નસીરી'માં પ્રથમ ખંડમાં સ્થાન આપ્યું.

૪. અલ ફૌઝ અલ અસગર : આ નાનકડા દાર્શનિક ગ્રંથમાં સૃષ્ટિના સર્જન ઈશ્વરના અસ્તિત્વ, આત્માની વાસ્તવિકતા અને નબુવ્વત અર્થાત્ ઇશદૂતત્વ વિશે ચર્ચા કરવામાં આવી છે. હિ.સ. ૧૩૭૯માં બેરૂતમાં અને હિ.સ. ૧૩૨૫માં કેરો (ઇજીપ્ત)માં પ્રકાશન થયું. સૃષ્ટિના સર્જક વિશે પ્રાચીન ફિલસૂફીથી લઈ એના સમય સુધી ઇશ્વરના અસ્તિત્વની સાબિતીઓ વિશે ચર્ચા કરી છે. આત્મા વિશે એણે જણાવ્યું છે કે આત્મા જીવન નથી પરંતુ જીવન આત્માથી છે.

૫. રિસાલા ફી અલઝાત વલ આલામ ફી જવાહિરૂન્નફસ : દર્શનશાસ્ત્ર સંબંધી આ હસ્તપ્રત ઇસ્તંબૂલના રાગિબ પાશાના પુસ્તકાલયમાં સચવાયેલ છે.

૬. અજવિયહ દર મસ્અલા ફીલ નફસ વલ અકલ : આ પણ દર્શનશાસ્ત્ર સંબંધી ગ્રંથ છે. મન અને બુદ્ધિ વિશે ચર્ચા કરવામાં આવી છે. રાગિબ પાશાના પુસ્તકાલયમાં છે. ૭. રિસાલા ફી જવાબ ફી સવાલ અલી ઇબ્ને મુહબ્બદ બિન અબી હૈયાન અલ સુફી ફી હકીકત અલ અદલ : મોહમ્મદ બિન અલી હૈયાન અલ સુફીના ન્યાય વિષયક પ્રશ્નના જવાબરૂપે લખાયેલ પ્રબંધગ્રંથ મશહદ (ઈરાન)ના પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે.

૮. નદીમ અલ ફરીદ વ અનીસ અલ વહીદ:

૯. રિસાલા મિસ્કવાયહ રાઝી : પારસમણિ વિશે પ્રબંધ

૧૦. અલ ફૌઝ અલ અકબર: નીતિશાસ્ત્ર વિશે, ઈમાન (શ્રદ્ધા) અને માન્યતાઓ વિશે દાર્શનિક ચર્ચા કરી છે.

૧૧. અનસુલ ફરીદ : કાવ્યો, જ્ઞાન અને દર્શન સંબંધી

૧૨. તરતીબ અલ આદાત : નીતિશાસ્ત્ર અને રાજકારણ વિશે

૧૩. કિતાબુલ જામેઅ

૧૪. કિતાબ અલ સેર : નીતિશાસ્ત્ર વિશે

૧૫. કિતાબુલ અશરીયહ: તબીબીશાસ્ત્ર વિશે, યોગ્ય ભોજન સાથે પીણાઓની ચર્ચા

૧૬. કિતાબુલ અદવિયહ અલ મહરદહ : ઔષધશાસ્ત્ર વિશે

૧૭. કિતાબુલ બાજાત મલ અલ અતઅમઅ :

૧૮. કિતાબુલ સિયાસહઃ રાજકારણ વિશે

૧૯. કિતાબુલ શવામિલ : આમાં નૈતિક, શાબ્દિક, દાર્શનિક, ધાર્મિક અને સાહિત્યિક ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

૨૦. તાલ્લુકાત: તર્કશાસ્ત્ર વિશે

૨૧. અલ મકાલાત જલીલા : ફિલસુફીના પ્રકારો અને ગણિતશાસ્ત્ર વિશે

૨૨. કિતાબ અલ મસ્તૂફી : ચુંટેલ કાવ્યપંક્તિઓનો સંગ્રહ

૨૩. જાવેદાને ખિરદ : નીતિશાસ્ત્ર બાબતે ફારસી ભાષામાં ગ્રંથ

૨૪. કિતાબ અલ તબીઈ : તબીબીશાસ્ત્ર, ભોજન પીણા વિશે

૨૫. કિતાબ તરતીબ અલ સઆદાત : નીતિશાસ્ત્ર વિશે વૈવિધ્યપૂર્ણ વિષયો ઉપર લખાયેલ આ ગ્રંથોની યાદી જોતાં અલ મિસ્કવાયહની વિદ્વતા, નિપુણતા અને પ્રચુરતાના દર્શન તો થાય જ છે જે એને ઇબ્ને સીના જેવા મેધાવી પુરૂષની સમકક્ષ લાવીને ઊભો કરી દે છે. નસીરૂદ્દીન તુસીએ ઇબ્ને મિસ્કવાયાહના 'તેહજીલ અલ ઇખ્લાક'નો અનુવાદ કરી પોતાના ગ્રંથ ‘અક્લાકે નસીરી'માં પ્રથમ ખંડમાં સ્થાન આપ્યું છે. આ વાત જ એની વિદ્ધતાની સાબિતી છે.

અલ મિસ્કવાયહ ફિલસુફીમાં એરિસ્ટોટલ અને અલ ફારાબીથી પ્રભાવિત હતો પરંતુ એનું ચિંતન અલકીંદીની તર્જ પર વધુ જણાય છે. એ એક સ્વતંત્ર દાર્શનિક હતો અને એણે દર્શનશાસ્ત્રને વ્યવસ્થિતરૂપે રજૂ કર્યું. એની વિશેષતા એ હતી કે એણે ક્યારેય ઇસ્લામ અને શરીઅત સામે આંખ આડા કાન નથી કર્યા. નૈતિકતા અને ફિલસુફીના પ્રશ્નોની ચર્ચા કરતી વખતે બીજા દાર્શનિકોના મુકાબલેએ ઇસ્લામથી વધુ નજીક જણાય છે. એનું તત્વચિંતન ગ્રીકો કરતાં કુર્આનથી વધારે પ્રભાવિત થયું છે. એ માનતો કે દરેક માણસ ઉચ્ચતા પ્રાપ્ત કરવા મથે છે અને આ એક કુદરતી વલણ છે અને આ બાબત જ મનુષ્યને બીજા પ્રાણીઓથી અલગ તારવી દે છે. એ સ્પષ્ટપણે માનતો કે માણસો એકબીજાને મદદ અને પ્રેમ કરનાર હોય છે. બ્રહ્માચર્યનો એ સખત વિરોધી હતો. એ માનતો કે જે માણસ પોતાને એક જગ્યાએ બંદી બનાવી લે છે એ બીજાનો લાભ તો લઈ શકે છે પરંતુ તે બીજાને કોઈ લાભ આપી શકતો નથી.

શિક્ષણ વિશે પણ એણે ચિંતન કર્યું છે અને એમાં બુદ્ધિ તથા આત્માની ઉત્ક્રાંતિ ઉપરાંત વિશેષત: બાળકોના શૈક્ષણિક ઉછેર ઉપર ખૂબ ભાર આપ્યો છે.

આ મહાન ચિંતક ઇતિહાસકાર અને સાહિત્યકારે ૯૦ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવ્યું અને ૧૪/૦૨/૧૦૩૨માં એનું ઇસ્ફહાનમાં અવસાન થયું.