મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/જાબિર ઈબ્ને હૈયાન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કમાલુદ્દીન અલ ફારિસી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
જાબિર ઈબ્ને હૈયાન
સઈદ શેખ
અબૂલ હસન અલ કલસદી  →જાબિર ઈબ્ને હૈયાન

અબૂ મૂસા જાબિર ઇબ્ને હૈયાન ૮મી સદીના અંત અને ૯મી સદીના પ્રારંભમાં થઈ ગયા. 'કીમીયાગિરી’ના પિતામહ ગણાતા જાબીર ઈ.સ. ૭૭૬માં તબીબી અને 'અલ્કેમી (કીમીયાગિરી)ની પ્રેકટિસ કુફા (ઈરાક)માં કરતા હતા. પ્રારંભમાં ઇમામ જાફર સાદિક અને ઉમૈયા વંશના રાજકુમાર ખાલિદ ઇબ્ને યઝીદ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. જાબિરના જન્મવર્ષ વિશે મતભેદ છે પરંતુ કેટલાક સ્રોત અનુસાર તેઓ ઈ.સ. ૭૨૧માં તુસ (ઈરાન)માં જન્મ્યા હતા અને ઈ.સ. ૮૧પમાં કુફામાં અવસાન પામ્યા. જાબીરના પિતા હૈયાન અલ અઝદી ઉમૈયા ખિલાફતના સમયમાં યમનથી કુફા સ્થળાંતર કરીને આવ્યા હતા. તેઓ ઔષધીશાસ્ત્રી હતા. જાબીર ખલીફા હારૂન અલ રશીદના દરબારમાં કિમીયાગર તરીકે રહ્યો અને ખલીફા માટે 'કિતાબ અલ ઝહરા' લખી. ઉમૈયા અને અબ્બાસીઓ વચ્ચે લડાઈ થતાં જાબીરના પિતા માર્યા ગયા. જાબીર અને એનું કટુંબ યમન પાછા આવ્યા જ્યાં જાબીરે કુર્આન, ગણિતશાસ્ત્રની પ્રેકટીસ શરૂ કરી.

વિશ્વના સૌ પ્રથમ 'રસાયણશાસ્ત્રી' ગણાતા જાબીર ઇબ્ને હૈયાને રસાયણશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન કરી આધુનિક રસાયણશાસ્ત્રનો માર્ગ મોકળો કર્યો. એમણે નજ માત્ર રસાયણો શોધ્યા પરંતુ કેટલીક ધાતુઓ, સ્ટીલ બનાવ્યું, કપડાના રંગો, ચામડા ધોવાની રીત, વોટરપ્રુફ કાપડને વારનિશ, કાચની બનાવટમાં મેંગનીઝ ડાયોક્સાઈડનો ઉપયોગ, કાટને અટકાવવું, સોનેરી અક્ષરો, રંગોની ઓળખાણ વગેરેમાં મહત્વનું યોગદાન આપ્યું. જાબીર સૈદ્ધાંતિક કરતાં પ્રાયોગિક્ કાર્યો ઉપર વધુ ભાર આપ્યું અને કોઈ નવી ધાતુઓ બનાવવાની ચિતાં કર્યા વગર મૂળભૂત રાસાયણિક પદ્ધતિઓને ચોકસાઈપૂર્વક બનાવવા અને રાસાયણિક રિએકશન શોધીને આધુનિક રસાયણશાસ્ત્ર માટે પ્રદાન કરવા ઉપર ભાર મૂક્યો.

જાબીરે નાઈટ્રીક એસિડ, હાઈડ્રોકલોરિક એસિડ, સાઈટ્રીક એસિડ તથા ટાર્ટરિક એસિડ સૌ પ્રથમવાર બનાવ્યા. જાબીરે સલ્ફર પારો અને આર્સેનિક(ઝેર) તથા ગ્રીકો જેનાથી અજાણ હતા એવા સાલ એમોનીઆકના મિશ્રણથી 'સ્પીરીટ'નું નિર્માણ કર્યું હતું. વળી મિનરલ એમોનીયા અને બીજી જાતના રસાયણો કેવી રીતે બનાવી શકાય એવું જ્ઞાન પણ જાબીરને હતું.

સોનું બનાવવાની ધૂન સવાર થતા તેઓ વિશ્વના સૌપ્રથમ રસાયણશાસ્ત્રી બની ગયા. રસાયણ વિજ્ઞાનક્ષેત્રે એમણે કરેલા અસંખ્ય સંશોધનો પૈકી કેટલાક મહત્વનાં સંશોધનો આ છે. (૧) ધાતુઓના પરિશોધન (Sublimation)ની પદ્ધતિ (૨) પાસવણી સ્ફટિકરણ (Crystallizaiton)ની પદ્ધતિ અને (૩) પ્રવાહી પદાર્થો ગાળવાની પદ્ધતિ સહિત અનેક પદ્ધતિઓની શોધી કરી હતી. (૪) ત્રણ પ્રકારના ક્ષારો શોધી કાઢયા. (૫) એસિડની શોધ કરી (૬) ધાતુઓ ભસ્મ (Oxidisation) તૈયાર કરવાની પદ્ધતિ (૭) લોખંડમાંથી પોલાદ તૈયાર કરવાની પદ્ધતિ (૮) લોખંડને કટાતો અટકાવવાની રીત (૯) ચામડું રંગવાની રીત (10) વાળ કાળા કરવા માટેની હેરડાઈ (૧૧) નિતારણ પ્રક્રિયા માટેના સાધનો (Distilation Apparatus) વગેરેની શોધ કરી.

જાબીર ઈબ્ને હૈયાને ઘણા પ્રબંધ ગ્રંથોની પણ રચના કરી હતી. રસાયણશાસ્ત્રમાં ‘કિતાબ અલ કિમીયા' અને 'કિતાબ અલ સબીન' નું અનુક્રમે ચેસ્ટરના રોબર્ટ અને ક્રેમોનાના જેરોર્ડ લેટીન ભાષામાં અનુવાદ કર્યા હતા. જાબીરે ‘કિતાબ અલ મીઝાન' (Book of the balances) તથા વ્યાખયાઓના પ્રબંધગ્રંથ Book of Defination ની રચના કરી હતી. એમણે ૧૦૦ થી વધુ પ્રબંધ ગ્રંથોની રચના કરી હોવાનું મનાય છે. જાબીરના ઘણા ગ્રંથોના ઘણી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા હતા. મોર્સેલીન બર્થલોટે જાબીરના કેટલાક પ્રબંધ ગ્રંથોનું અનુવાદ કર્યું હતું જેમાં Book of the Kingdom, Book of the balances અને Book of Eastern Mercury નો સમાવેશ થાય છે. જાબીરના લીધે કેટલાક અરબી શબ્દો આજે અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયા છે. દા.ત. કેમીસ્ટ્રી શબ્દ અરબી શબ્દ ‘અલ કિમીયા' ઉપરથી ઉતરી આવ્યું છે. જાબીરે કેટલાક અરબી તકનીકી શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે (દા.ત. આલ્કલી) આજે રસાયણશાસ્ત્રના શબ્દકોષનો હિસ્સો છે.

ઈસ્માઈલ અલ ફારૂકી અને લૂઈ પામ્યા અલ ફારૂકીના મત મુજબ જાફર સાદિકની ઈચ્છાથી જાબીરે આગમાં બળે નહિં એવા કાગળની તથા રાત્રે અંધારામાં પણ વાંચી શકાય એવી સહીની શોધ કરી હતી, જાબીર એવા પદાર્થની શોધ કરી હતી કે જે લોખંડ ઉપર ઘસી દેવામાં આવે તો કાટ ન લાગે અને કાપડ ઉપર ઘસવામાં આવે તો કાપડ પાણીથી ભીનું ન થાય.

મેક્સ મેયરહૉફ જાબીર વિશે લખે છે કે "યુરોપીયન કિમીયાગીરી અને રસાયણશાસ્ત્ર ઉપર જાબીર બિન હૈયાનનો સીધો પ્રભાવ છે.” એરિક જ્હોન હોમયાર્ડ નામક રસાયણશાસ્ત્રના ઇતિહાસકારે રસાયણશાસ્ત્રના પ્રયોગો અને વિકાસ માટે રોબર્ટ બોઈલ અને એન્તોઈ લેવેઝિયર જેટલો જ મહત્વનો ફાળો જાબીર બિન હૈયાનનો હોવાનું સ્વીકાર્યું છે.

રસાયણશાસ્ત્ર માં મહત્વનું પ્રદાન કરનાર જાબીર બિન હૈયાન ‘રસાયણશાસ્ત્રના પિતામહ' નું બિરૂદ પ્રાપ્ત કરે એમાં કશું જ આશ્ચર્યજનક નથી.