લખાણ પર જાઓ

માણસાઈના દીવા/તીવ્ર પ્રેમ

વિકિસ્રોતમાંથી
← હૈડિયા વેરાનાં સ્મરણો માણસાઈના દીવા
તીવ્ર પ્રેમ
ઝવેરચંદ મેઘાણી
૧.કામળિયા તેલ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


​


તીવ્ર પ્રેમ


⁠હૈડિયા વેરાની લડત પૂરી થયે મહારાજે પોતાની થેલી ઉપાડી, અને કાળુ ગામનાં લોકોને કહ્યું : "જ‌ઉં છું."

⁠"કંઈ જશો ?"

⁠"મારા મુલકમાં."

⁠"નહીં જવા દઈએ." લોકો ઉમળકે છલકાતાં હતાં.

⁠"મારાથી ના રહેવાય."

⁠"ચ્યમ વારુ ?" મહારાજનો સંગ છોડવો એ કઠિન હતું.

⁠"હું અહીં ના રહી શકું. તમારે ને મારે સંબંધ બંધાયો; આપણાં દલ મળ્યાં. હવે મારાથી તમારાં દુઃખ નાજોવાય."

⁠"શાનાં દુઃખ ?"

⁠"દુઃખ એ કે - તમે ચોરી કરો, દારૂ પીઓ, તોફાન કરો... તમને પોલીસ પકડે, મારકૂટ કરે ... એ મારાથી દીઠું જાય નહીં."

⁠"ઈમ હોય તો અમે ચોરી ના કરીએ, દારૂ ના પીએ, પણ તમને તો જવા નહીં જ દઈએ. એ વાત કરશો જ ના, મહારાજ."

⁠મહારાજ ચાલ્યા જાય છે એ સમાચાર લોકોને અસહ્ય હતા. ટોળાં ને ટોળાં એકઠાં થયાં. એક જ વેણ ગાજી રહ્યું: 'નહિં જવા દઈએ. તમારે એમ હશે તો અમે ચોરી-દારૂ છોડી દેશું.'