માણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૪.તોડી નાખો પુલ !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩.પાડો પીનારી ચારણી ! માણસાઈના દીવા
૪.તોડી નાખો પુલ !
ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી: સાહિત્ય જીવન →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


૪. તોડી નાખો પુલ !

સને ૧૯૨૭ના ગુજરાત પર ઊતરેલા રેલસંકટની આ વાત છે. પેટલાદ તાબે સુંદરણા ગામમાં પોતે પાટણવાડિયાઓની હાજરી કઢાવવા ગયેલા. એક પાટણવાડિયાને ઘેર ઉતારો કર્યો. અનરાધાર વરસાદ રાતે શરૂ થયો. ઘરની પછીત પડી ગઈ. પછી કરો પડ્યો. પણ ઘરનાં સૌ મહારાજની પાસે જ બેઠાં રહ્યાં. “અરે ભાઈ, ઊઠો ને તમારે ટેકણબેકણ મૂકવાં હોય, ઘરવખરી ફેરવવી હોય, એ કરવા લાગો !” પણ મહારાજને આગલા દિવસનો ઉપવાસ, તેનું પારણું કરાવવાની પહેલી ચિંતા. સવારે ખીચડી કરાવી ને કેરી હતી તે આપી. પારણું કરાવીને મહારાજને બીજે મોકલી દીધા. પાણી તો ચડતું જ ગયું.

છેવટે પાણી એટલું ચડ્યું કે ગામને બોળી દેશે એવી ફાળ પડી. એટલું પાણી શાથી ચડે છે ? આનો કોઈ ઇલાજ નથી ? પાટણવાડિયાઓએ આવીને કહ્યું કે, “ઇલાજ છે : રેલવેની સડકનું નાળું જો તૂટે તો પાણીને મારગ મળે. હેં મહારાજ ! ધર્મજના સ્ટેશન માસ્તરને પૂછીને તોડી નાખીએ ?”

“ના રે, એ તે કાંઈ હા કહે ! જાવ તોડી નાખોને તમ-તમારે.”

નાળું લોકોએ તોડ્યું. પાણી ધર્મજ તરફ વળ્યું. ધર્મજની પરબડીએ જતું અટક્યું. આમ સુંદરણા સલામત બન્યું, એટલે મહારાજ પોતે જ્યાં રહેતા તે ગામ વટાદરાની ચિંતાથી ત્યાં જવા ઊપડ્યા. અનરાધાર મે' : રસ્તે ચાર-પાંચ ઊંડી નાળ્યો : એ નાળ્યો ઓળંગાય નહીં. પોતે ચાર-પાંચ ગાઉના ફેરમાં ખેતરોમાં થઈ વટાદરા પહોંચ્યા. જઈને જુએ તો પાટણવાડિયાના એકસો ઘરના મહોલ્લામાંથી ફક્ત ચાર ઘર ઊભાં હતાં ! જોઈને આંખોમાં આંસુ આવી ગયાં. લોકો બૈરાં-છોકરાં સહિત એ ખંડેરો વચ્ચે ઊભાં છે. પાણી ચડતું જાય છે. ઉગાર નથી. મહારાજે લોકોને કહ્યું : “ખેતરમાં ચાલ્યા જાવ.”

“પણ અમારા માલથાલ ?”

“એની સંભાળ હું રાખીશ.”

ખેતરોમાં જવા માટે એક સાંકડી નાળ્ય હતી, તે છલોછલ, પ્રલયના કોગળા ઉડાડતી ધોધમાર ચાલી જતી હતી. ઊતરાય શી રીતે ? મહારાજે દોરડું મંગાવ્યું. પોતે એક કાંઠે એક છેડો બાંધી સામે કાંઠે તરી જઈ બીજો છેડો બાંધ્યો. ત્યાં તો દોરડા પર પાણી ચડી ગયું. પોતે વચ્ચે ઊભા રહ્યા, ને એક પછી એક માણસને દોરડાને ટેકે ટેકે પાર ઉતરાવતા ગયા. સૌ ક્ષેમકુશળ કાંઠે ઊતરી ગયાં તે પછી પોતે ગામમાં ચોકી કરવા રાત બધી ઊભા રહ્યા. મહારાજ ન હોત તો લોકોનો બચાવ ઈશ્વરના હાથની જ વાત બની જાત.

વળતે દિવસે પોતે ગામના શેઠ ચુનીલાલના પાકા મકાનમાં ચાલ્યા ગયા. પાણીનો પ્રલેકાર ઓછો થતો ગયો. ચાર દિવસે વરુણદેવે પ્રકોપ શમાવ્યો. પાંચમે દિવસે એ શેઠનો માણસ, જે બંધાણી હતો, તે અફીણ લેવા ખંભાતના કાંધરોટી ગામે ગયેલો, તેણે પાછા આવીને વાત કરી :

“કાંધરોટી વગેરે ગામનાં લોકો કહે છે કે, અમને બધાંને તો મહારાજે બચાવ્યાં ! - નહીં તો અમારો નાશ થઈ જાત. શી રીતે બચાવ્યાં ? તો કહે કે, 'મહારાજ કાંસા (પાણીનો જબરદસ્ત મોટો વોંકળો) પર થઈને પાણી માથે હીંડતા હીંડતા આવ્યા તે અમોએ દીઠા : પાણી પર હીંડતા આવે છે : ફક્ત ટોપી પલળેલી, લૂંગડાં તો તદ્દન કોરાં. આવીને અમને કહે કે બીશો નહીં, કંઈ નહીં થાય ટેકરા પર ચડી જાવ. એમ હિંમત આલીને પાછા પોતે પાણી પર હીંડતા હીંડતા ચાલ્યા ગયા.' ને એ લોકો તો અહીં મહારાજને પગે લાગવા આવનાર છે !”

શેઠ કહે : “હેં મહારાજ ! સાચી વાત ?”

“શાની - ધૂળની સાચી વાત ?” મહારાજે હસતે હસતે કહ્યું : “પાંચ દિવસથી અહીં જ છું તે તમે તો જાણો છો !”

“પણ એ લોકો કહે છે ને ?”

“છો કહે.”

મહારાજે વધારે કંઈ ખુલાસો કર્યો નહીં. પણ આંહીં વટાદરામાં જ બેઠેલાને પોતાને છેક કાંધરોટીવાળાં લોકોએ શી રીતે ત્યાં કાંસા પર ચાલતો, ચોક્ક્સ પોશાકે આવેલો અને ચોક્ક્સ શબ્દો બોલતો જોયો તે વિશે વિચારમાં પડ્યા. એમાં તે જ દિવસે સાંજે એક નાનકડી બાબત બની : શેઠનું ડેલું હતું, તેની અંદર ઘોડી બાંધી હતી. ઘોડી પગ પછાડે. ઘાસ વિનાની હશે તેમ સમજી મહારાજે પૂળો નાખવા ડેલું ઉઘાડ્યું. ડેલામાં આગળ બે બળદ બાંધેલા. મહારાજ તો અંદર જઈને ઘોડીને પૂળો નાખી, પાછા આવી, ડેલું બંધ કરી બેસી ગયા. શેઠે ત્યાં બેઠે બેઠે આ બધું ચુપચાપ જોયું. પછી શેઠે થોડી વાર રહીને કહ્યું : “હેં મહારાજ ! જૂઠું શીદને બોલો છો ?”

“શીનું જૂઠું ?”

“તમે કાંધરોટીવાળાઓને પરચો પૂર્યો હોવો જોઈએ.”

“કેમ ?”

“કેમ શું ? - આ બળદ, જે કોઈ ડેલામાં પેસવા ન દે, તેણે ન તો તમને માર્યા કે ન તમારી તરફ માથું હલાવ્યું !”

મહારાજ હસી પડ્યા : “જેને આ માણસે ચમત્કારિક શક્તિ કલ્પી તે વસ્તુતઃ સ્વાભાવિક બાબત હતી. પશુનો સ્વભાવ છે કે જે એને મારકણો જાણતો હોય, અને એમ જાણીને એનાથી જરીકે ડરીને ચાલે, તેને એ મારવા દોડે, પણ હું તો બળદ મારકણો છે એના લેશ પણ ખ્યાલ વગરનો, એટલે બળદે મને છેડ્યો નહીં. એને પણ આ તો મારો ચમત્કાર માની બેઠો છે !”

પણ વળતે દિવસે તો કાંધરોટીનાં લોકો ટોળે વળી આવી પહોંચ્યાં, ને મહારાજને પગે પડી ગયાં. બોલ્યાં કે "મહારાજ, તમે ન આવ્યા હોત તો અમે ખલાસ થઈ જાત.” મહારાજે મક્કમપણે કહ્યું : “ભાઈઓ, હું ત્યાં આવ્યો જ નથી, ને હું કશો ચમત્કાર જાણતો નથી. હું પાણી ઉપર ચાલી શકું નહીં. તમને ભ્રમણા થઈ છે.”

એ કશું જ ન માનનારાં લોકો પગે લાગી પાછાં વળ્યાં. ને મહારાજના અકળાયેલા મનમાં લોકોની આ માન્યતાનો એક ખુલાસો છેવટે તો આટલો જ વસ્યો છે કે, 'અતિ તીવ્ર પ્રેમ અતિ ઉગ્ર અવસરમાં સામા માણસને આપણું આવું માનસિક દર્શન કરાવતો હોવો જોઈએ'.

તીવ્ર પ્રેમ.

આ આખા પુસ્તકનો સાર એમાં આવી રહે છે :

તીવ્ર પ્રેમ.