માણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/ઝવેરચંદ મેઘાણી: સાહિત્ય જીવન
Appearance
← ૪.તોડી નાખો પુલ ! | માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી: સાહિત્ય જીવન ઝવેરચંદ મેઘાણી |
1896 | જન્મઃ 28 ઑગસ્ટ, ચોટીલા (જિ. સુરેન્દ્રનગર). |
1912 | અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં સુધીમાં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં. |
1917 | કૉલેજમાં 1913માં આરંભી ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી. એ. થયા. ત્યાં સનાતન ધર્મ હાઈસ્કૂલમાં શિક્ષક થયા. |
1918 | કૌટુંબિક કારણે ઓચિંતા કલકત્તા જઈ ચડ્યા. શિક્ષકગીરી અને એમ. એ નો અભ્યાસ રઝળ્યાં. એલ્યુમિનિયમના એક કારખાનામાં નોકરી સ્વીકારી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભાયાં. પહેલવહેલું ગીત “દીવડો ઝાંખો બળે' રચાયું. |
1921 | વતનનો 'દુર્નિવાર સાદ' સાંભળીને કલકત્તા છોડીને કાઠિયાવાડ પાછા ફર્યા. |
1922 | રાણપુરથી પ્રગટ થતા શ્રી અમૃતલાલ શેઠના નવા અઠવાડિક સૌરાષ્ટ્રમાં બે-ત્રણ લેખો મોકલ્યા કે તરત તંત્રી-મંડળમાં સ્થાન પામ્યા; પત્રકાર તરીકેની કામગીરીનો આરંભ. રવીન્દ્રનાથના 'કથા ઓ કાહિની'નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગની ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ 'કુરબાનીની કથાઓ' આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે 'ડોશીમાની વાતો' પુસ્તક બહાર પડ્યું. |
1923 | 'સૌરાષ્ટ્રની રસધાર'નો પહેલો ભાગ બહાર પડ્યો ને લેખક તરીકે જાણીતા થયા. હવે પછી લોકસાહિત્યનું સંશોધન-સંપાદન જીવન-ઉપાસના બની. 1927 સુધીમાં ‘રસધાર'ના પાંચ ભાગ પૂરા થયા. |
1928-29 | બાલ-કિશોર ને નારી-ભાવને ઝીલતાં, પોતે 'પ્રિયતર' ગણેલાં ગીતોના સંગ્રહો “વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ' આપ્યા. |
1929 | લોકસાહિત્યના સંશોધન બદલ પહેલો રણજિતરામ સુવર્ણચંદ્રક (1928) અર્પણ થયો. જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે મુંબઈમાં લોકસાહિત્ય વિશે છ વ્યાખ્યાન આપ્યાં. |
1930 | સત્યાગ્રહ-સંગ્રામ નિમિત્તે રચેલાં શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો' બહાર પડ્યો, તે સરકારે જપ્ત કર્યો. તેની હસ્તલિખિત કાનૂન-ભંગ આવૃત્તિની સેંકડો નકલો લોકોમાં પહોંચી વળી. રાજદ્રોહના આરોપસર બે વરસના કારાવાસની સજા થઈ. અદાલતમાં 'છેલ્લી પ્રાર્થના' ગીત ગાયું ત્યારે મૅજિસ્ટ્રેટ સહિત સેંકડોની મેદનીની આંખો ભીની થઈ. સાબરમતી જેલમાં પ્રસિદ્ધ ગીત 'કોઈનો લાડકવાયો' રચાયું. બદલી પામતા કેદીઓ મારફત બીજી જેલોમાં અને છૂટનારાઓ મારફત બહાર પ્રજામાં એ જોતજોતામાં પ્રસર્યું અને લોકજીભે વસી ગયું. ગાંધી–અરવીન કરારને પરિણામે માર્ચ 1931માં જેલમાંથી છૂટ્યા. |
1931 | ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું 'છેલ્લો કટોરો' કાવ્ય લખ્યું, એ જોઈને ગાંધીજીએ કહ્યું: “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે.” હવે પછી “રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયા. |
1934 |
'જન્મભૂમિ' દૈનિક મુંબઈથી શરૂ થયું તેના સંપાદક-મંડળમાં જોડાયા. રવીન્દ્રનાથ સાથે મુંબઈમાં મિલન; સૌરાષ્ટ્રના લોકસાહિત્યની પ્રસાદી એમને કંઠેથી કવિવરે સાંભળી; શાંતિનિકેતન આવવા આમંત્રણ આપ્યું. |
1936 | 'જન્મભૂમિ' છોડીને સૌરાષ્ટ્રમાં 'ફૂલછાબ' અઠવાડિકના તંત્રીપદે આવ્યા. પત્રકારત્વમાં નવી ભાત પાડી. |
1941 | શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશેનાં એમનાં વ્યાખ્યાનોએ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા |
1942 | સૂરતમાં સ્વ. કમળાશંકર પ્રાણશંકર વ્યાખ્યાનમાળામાં 'લોકસાહિત્ય: પગદંડીનો પંથ' એ જાણીતું વ્યાખ્યાન આપ્યું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ચારણો અને ચારણી સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યાં. |
1943 | મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય વિશેનાં પ્રસિદ્ધ વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનખંડ નાનો પડ્યો, બહાર બગીચામાં શ્રોતાઓની ભીડ થઈ, બેકાબૂ બની. |
1945 | 'ફૂલછાબ'ના તંત્રીપદેથી મુક્ત થઈ 23 વરસના પત્રકારજીવનમાંથી નિવૃત્તિ લીધી. રવીન્દ્રનાથનાં કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ ‘રવીન્દ્ર-વીણા' પ્રગટ થયો. ગુજરાતમાં પરિભ્રમણો આદર્યા. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક “માણસાઈના દીવા' લખ્યું. |
1946 | ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. “માણસાઈના દીવા'ને વરસની ઉત્તમ કૃતિ તરીકે ‘મહીડા પારિતોષિક'નું ગૌરવદાન મળ્યું. |
1947 | ભજન-સાહિત્યના સંશોધનનું પુસ્તક “સોરઠી સંતવાણી પૂરું કર્યું. 'કાળચક્ર' નવલકથા લખાતી હતી. માર્ચની 9મીએ હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો. |