મુને પ્રગટ મળ્યા મુને પ્રગટ મળ્યા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મુને પ્રગટ મળ્યા મુને પ્રગટ મળ્યા
દેવાનંદ સ્વામી


મુને પ્રગટ મળ્યા મુને પ્રગટ મળ્યા,
ઘર બેઠા ઘનશ્યામ પધાર્યા પ્રેમથી;
તન તાપ ટળ્યા તન તાપ ટળ્યા,
નટનાગર સુખ દીધું નૌતમ નેમથી... મુને

જેને નિગમ વદે નેતિ વાણી,
પરમેશ્વર ઓળખે નહિ પ્રાણી,
આજ અમ ઉપર કરુણા આણી... મુને

જીવ મળવા કોટિ જતન કરે,
તપ તીરથ વ્રત વનમાંહિ ફરે,
એવા અવનિ પર અવતાર ધરે... મુને

ગુણ સારા ઓળખ્યા ગિરધારી,
બહુનામી પર હું બલિહારી,
આજ ભાગ્ય મારું થયું અતિ ભારી... મુને

મેં તો ચરણકમળમાં ચિત્ત જોડ્યું,
સંસાર થકી સગપણ તોડ્યું,
દેવાનંદ કહે મૂર્તિમાં મન ઓળ્યું... મુને